નવી દિલ્હી: લદ્દાખના સરહદી ક્ષેત્રમાં લાંબા સમયથી પ્રવર્તતા લશ્કરી તણાવ વચ્ચે ચીને વધુ એક વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સેનાના જાંબાઝ કમાન્ડોએ તેમના આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
ચીનના ૫૦૦ સૈનિકોએ ૨૯ અને ૩૦ ઓગસ્ટની મધરાતે અંધારાનો લાભ લઈને પેંગોંગ ત્સે લેકના દક્ષિણ કિનારે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતના જવાનોએ તેમનો આક્રમક પ્રતિકાર કરીને ભારતની હદમાં પ્રવેશતા રોક્યા હતા. ભારતીય કમાન્ડોનું આક્રમક વલણ જોઈને ચીનના સૈનિકો ઊભી પૂંછડિયે ભાગી ગયા હતા.
એક અહેવાલ એવો પણ છે કે બંને દેશના સૈનિકો વચ્ચે ફરી એક વખત ઝપાઝપી થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળે છે.
ઇંડિયન આર્મીના પ્રવક્તા કર્નલ આનંદે જણાવ્યું હતું કે ભારતના બહાદુર જવાનોએ પેંગોંગ ત્સે લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની હિલચાલનો અગાઉથી તાગ મેળવી લીધો હતો અને ઘૂસણખોરીની ચીનની મેલી મુરાદ નિષ્ફ્ળ બનાવી હતી. ચીન દ્વારા આ વિસ્તારમાં સ્ટેટસ કવો એટલે કે જમીની હકીકત બદલવા પ્રયાસો કરાયા હતા, પણ ચીનની ઘૂસણખોરીને રોકવામાં આવી હતી. આર્મીના જવાનોએ આ વિસ્તારમાં ભારતીય પોસ્ટને વધુ મજબૂત બનાવી છે.
એવું જાણવા મળે છે કે ચીનના પ્રમુખ જિનપિંગના ઈશારે ચીનની સેનાએ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને ફરી એક વાર પીછેહઠ કરવી પડી છે. આ અગાઉ ૧૫ જૂને ગાલવાનમાં બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના ૩૫-૪૦ સૈનિકો માર્યા ગયા હતા.
ચીની સેનાનું પગલું ઉશ્કેરણીજનક: ભારત
ભારતે ચીનના આ પ્રયાસને આકરા શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું હતું કે ચીન દ્વારા ફરી એક વાર અગાઉ થયેલા કરારનો ભંગ કરાયો છે. ચીનની સેનાએ ઉશ્કેરણીજનક પગલું લીધું છે. તંગદિલી વચ્ચે સત્તાવાળાઓ દ્વારા શ્રીનગર-લેહ હાઈવેને સામાન્ય પ્રજાજનો માટે બંધ કરવામાં આવ્યો છે.
ચીને પેંગોંગના દક્ષિણ કાંઠે જ કેમ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો?
ચીને નવો હુમલો પેંગોંગ સરોવરના દક્ષિણ કાંઠે કર્યો છે. આ સરોવરના કાંઠે બન્ને તરફ ટેકરીઓ આવેલી છે. પેંગોંગ સ્થળ ૧૩૫૦૦થી ૧૪૦૦૦ ફૂટ ઊંચુ છે અને ફરતી ટેકરીઓ ૧૮ હજાર ફૂટ સુધીની છે. જોકે દક્ષિણ કાંઠે કેટલોક ભાગ સપાટ છે. પેંગોંગ અને ચૂશુલ વચ્ચેના સપાટ ભાગમાં જો ચીનને તક મળી જાય તો ચીન ત્યાંથી આગળ વધી શકે. ચીન આ સ્થળેથી ભારત માટે અતિ મહત્ત્વના દૂર્બુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી સુધીના રસ્તે પહોંચી શકે તેમ છે. ચીનનો ઈરાદો વહેલા-મોડો આ રસ્તા પર કબજો જમાવવાનો છે. દૌલત બેગ ઓલ્ડી છેક ઉત્તરમાં આવેલું અતિ મહત્ત્વનું લશ્કરી મથક છે. ભારત ત્યાં સુધી રસ્તો બાંધી રહ્યું છે,
જે ચીનને મૂળ વાંધો છે. એટલે જ સંઘર્ષની મે-જૂનમાં શરૂઆત થઈ હતી.
ચીને ફરી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરીઃ ભારત
ભારતે કહ્યું કે ચીને ૨૯ અને ૩૦ ઓગસ્ટની રાતે પેંગોંગ લેકના સાઉથ બેન્ક વિસ્તારમાં ઉશ્કેરણીજનક સૈન્ય હરકત કરીને યથાસ્થિતિને તોડવાની કોશિશ કરી અને પછીના દિવસે પણ એવી કાર્યવાહી કરી, જેને નિષ્ફળ બનાવી દીધી છે.
ભારત વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જેમ ભારતીય સેનાએ એક દિવસ પહેલાં જણાવ્યું છે કે ભારતીય પક્ષે આ ઉશ્કેરણીજનક ગતિવિધિઓનો જવાબ આપ્યો છે અને એલએસી પર પોતાનાં હિતો અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે સમુચિત રક્ષાત્મક કાર્યવાહી કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ નિવેદનમાં કહ્યું, ‘૩૧ ઓગસ્ટે પણ જ્યારે બંને પક્ષના ગ્રૂપ કમાન્ડર તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા હતા, ત્યારે ચીની સૈનિકોએ ફરી એક વાર ભડકાઉ કાર્યવાહી કરી.’
‘ભારતે સમય પર કાર્યવાહી કરતાં યથાસ્થિતિને બદલવાની એકતરફી કોશિશને નિષ્ફળ કરી શકાઈ.’ પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષે શરૂઆતમાં જ ચીનની કાર્યવાહી અને તેનું વર્તન બંને દેશ વચ્ચે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે નક્કી દ્વિપક્ષીય સહમતિઓ અને પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. આ કાર્યવાહીઓ બંને દેશોના વિદેશ પ્રધાનો તેમજ વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બનેલી આંતરિક સમજનો પણ સંપૂર્ણ અનાદર છે.
ચીનની ચોરી પર સિનાજોરી
આ પહેલાં ચીને ભારતને કહ્યું હતું કે તે ઉશ્કેરણીજનક હરકત બંધ કરે અને પોતાના સૈનિકોને તાત્કાલિક પરત બોલાવે, જેઓએ ખોટી રીતે વાસ્તવિક નિયંત્રણ રેખા કે એલએસીનું ઉલ્લંઘન કર્યું છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે મંગળવારે પોતાની પ્રેસ-બ્રીફિંગમાં આમ કહ્યું હતું. તેમણે પણ દાવો કર્યો હતો કે ચીને કોઈ પણ દેશની એક ઈંચ જમીન પર પણ કબજો કર્યો નથી.
હુઆએ કહ્યું, ‘ચીને ક્યારેય કોઈ લડાઈ કે સંઘર્ષ માટે ઉશ્કેર્યા નથી અને ન તો કોઈ અન્ય દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો છે. ચીની સૈનિકોએ ક્યારેય લાઇન પાર કરી નથી. કદાચ તેને લઈને સંવાદનો કોઈ મુદ્દો છે.’
ચીને ફાઇટર જેટ તૈનાત કર્યા
ચીને ઘૂસણખોરીના એક દિવસ પહેલાં હોટ્ટાન એરબેઝ ખાતે J-૨૦ ફાઇટર જેટ તહેનાત કર્યા હતાં. હોટ્ટાન એરબેઝથી લદાખ નજીક હોવાથી ચીને રણનીતિના ભાગરૂપે J-૨૦ જેટને ત્યાં ગોઠવ્યા હતા. ચીનનાં ફાઇટર જેટ હાલ ત્યાં ઉડ્ડયન કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
ભારત સામે મિસાઈલો ગોઠવી
આ ઉપરાંત પાંચ સેટેલાઈટ તસવીરોમાં દગાબાજ ડ્રેગનની ખતરનાક ચાલબાજી ખુલ્લી પડી છે. ચીને તિબેટ સરહદીય સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં જમીન પરથી હવામાં માર કરનાર મિસાઈલો ગોઠવી હોવાનું સેટેલાઈટ તસવીરમાં માલૂમ પડયું છે. ચીને ડોકલામ ફેસઓફ સમયે ફક્ત ગોંગગર વિસ્તાર સુધી જ મિસાઈલ તહેનાત કરી હતી પરંતુ હવે ચીની સેનાએ વધારે વિસ્તારમાં મિસાઈલની તહેનાતી કરી દીધી છે.
ભારત-ચીનમાં ફેલાયું છે પેંગોંગ સરોવર
પેંગોગ સરોવર ભારત અને ચીન બન્નેમાં ફેલાયેલું છે. ‘થ્રી ઇડિયટ’ ફિલ્મને કારણે પોપ્યુલર થયેલું આ સરોવર સવાસો કિલોમીટરથી વધારે લાંબુ છે. ઈન્ડિયન આર્મીના સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ચીની સૈનિકોએ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરી લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સૈન્ય પણ ત્યાં મોટી સંખ્યામાં હાજર હોવાથી તેમને તગેડી મુક્યા હતા. જોકે આર્મીના કહેવા પ્રમાણે જૂન મહિનામાં થઈ હતી એવી હાથોહાથની લડાઈ થઈ ન હતી. કોઈ જાનહાની કે ઘાયલ થયાની વાત પણ આર્મીએ કરી નથી.
સરોવર અમારુંઃ ચીનનો દાવો
ચીન સમગ્ર સરોવર પોતાનું હોવાનો દાવો કરતું રહ્યું છે. આ સરોવરના કાંઠે ચીને અનેક પ્રકારના લશ્કરી બાંધકામો કર્યા છે. સરોવરમાં સ્પીડ બોટ તૈનાત કરી છે, કાંઠે સૈનિકોની સંખ્યા વધારી છે. તેના આધારે જ ચીનનો મલિન ઈરાદો સ્પષ્ટ થાય છે. ચીને ૨૯ ઓગસ્ટની મધરાતે પોત પ્રકાશીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. ચીનની આ ચેષ્ઠા અંગે તુરંત સંરક્ષણ પ્રધાન, વડા પ્રધાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને જાણ કરવામાં આવી હતી.
ભારતીય સેનાની ત્રણેય પાંખ એલર્ટ
ભારતે ઘણા સમયથી સૈન્યની ત્રણેય પાંખને એલર્ટ કરી રાખી છે અને સરહદે સૈન્ય સંખ્યા પણ વધારી દીધી છે. પરિણામે ઘૂસણખોરીનો ચીની સૈનિકોનો ઈરાદો પાર પડયો ન હતો. એક તરફ ભારત-ચીન વચ્ચે ગલવાન સંઘર્ષનો ઉકેલ લાવવા વાટાઘાટો ચાલે છે, ત્યારે ચીને કરેલી આ ઘૂસણખોરીની સરકારે ટીકા કરી હતી.
ચીનને વાટાઘાટથી ઉકેલમાં રસ નથી
ચીનની આ ઘૂસણખોરી સ્પષ્ટ દર્શાવે છે કે વાટાઘાટોથી ઉકેલ લાવવામાં તેને રસ નથી. આ સંજોગોમાં ભારતીય સૈન્ય વડા જનરલ નરવાણેએ લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ મીટિંગ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. ચીનની હિલચાલને ગંભીરતાથી લઈને ભારતે સરહદે વધારે સૈનિકો ખડકવાની શરૂઆત કરી દીધી છે. આમ તો જૂન મહિનામાં સંઘર્ષ થયો ત્યારથી ઈન્ડિયન આર્મી અને એરફોર્સનું એલએસી પર સંખ્યાબળ, શસ્ત્રબળ વધારી દેવાયું જ છે. પરંતુ હવે વધુ સૈનિકો મોકલાઈ રહ્યાં છે. ચીન પીછેહઠની વાતને ગંભીરતાથી લેતું જ નથી.
ભારત ચીન વચ્ચે સિઆચેનથી લઈને અરૂણાચલ સુધી ૩૪૮૮ કિલોમીટર લાંબી એલએસી છે અને એમાં ઠેર ઠેર ચીન લશ્કરી સંખ્યાબળ વધારી રહ્યું છે. જોકે ચીની વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમારા સૈનિકો તેના સ્થાનેથી ખસ્યા નથી અને કોઈ ઘૂસણખોરી કરી પણ નથી. અમે લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલનું પાલન કરવા કટિબદ્ધ છીએ એવા વચન પણ ચીને ઉચ્ચાર્યા હતા. ભારત અને ચીનના લશ્કરી અિધકારીઓ વાટાઘાટો દ્વારા આ સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતે ઊંચા શિખરો પર સૈન્ય ગોઠવ્યું
સ્વાભાવિક રીતે જે સૈન્ય ઊંચાઈ પર હોય તેને વ્યુહાત્મક રીતે વધુ લાભ મળે. ચીનની અવળચંડાઈ પછી ભારતે પેંગોંગના કાંઠે સૈન્ય સંખ્યા વધારી છે અને કેટલાક ઊંચા શિખરો પર સૈનિકોનો જમાવડો કરી દીધો છે. એ સંજોગોમાં ચીન કંઈ હિલચાલ કરવા જશે તો તુરંત જણાઈ આવશે. સાથોસાથ ભારતને ચીન પર સરસાઈ મેળવવામાં પણ સરળતા રહેશે. ભારતે રેઝાંગલા જેવા ૧૬ હજાર કિલોમીટર ઊંચા મથકો પર સૈનિકો ગોઠવી દીધા છે.
શ્રીનગર-લેહ હાઈવે બંધ કરાયો
લશ્કરી કાફલો ઝડપથી સરહદી વિસ્તાર સુધી પહોંચી શકે અને અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે શ્રીનગરથી લેહને જોડતો હાઈ-વે બંધ કરી દેવાયો છે. સવા ચારસો કિલોમીટર લાંબો આ રસ્તો વ્યુહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનો છે, કેમ કે કેટલાક સ્થળોએ પાકિસ્તાન એલઓસી પાસેથી પસાર થાય છે. ૧૯૯૯માં પાકિસ્તાને આ હાઈ-વે કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. માટે ભારતે હવે સતર્કતા દાખવીને હાઈવે આમ જનતા માટે બંધ કરી દીધો છે.
તો શું સ્થિતિ વધારે ગંભીર છે?
સરકારી અહેવાલ પ્રમાણે તો સબ સલામત છે. પરંતુ સ્થિતિ વધારે ગંભીર હોવાની શક્યતા નિષ્ણાતો નકારતા નથી કેમ કે હાઈવે તુરંત બધ કરી દેવાયો છે. વધારે સૈન્ય દળ મોકલવાની શરૂઆત કરી દેવાઈ છે. ઉપરાંત દિલ્હીમાં લશ્કરી અને રાજદ્વારી મીટિંગો પણ શરૂ થઈ ચૂકી છે. મધરાતે સંઘર્ષ વધારે ગંભીર હતો કે કેમ તેની પૂરી વિગતો હજુ સામે આવી નથી.
૬ લાખ એકે-૨૦૩ રાઈફલની ખરીદી
ભારતે રશિયા પાસેથી આધુનિક એકે-૨૦૩ રાઈફલ ખરીદવાનું નક્કી કર્યું છે. ભારતની જરૂરિયાત કુલ ૬ લાખ રાઈફલની છે. એ પૈકીની ૨૦ હજાર રશિયા પાસેથી તૈયાર આયાત થશે. બાકીની મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં બનશે. ડિલની વાટાઘાટો કેટલાક સમયથી ચાલે છે, પરંતુ હવે તેમાં ઝડપ આવી છે. સંભવત: વર્ષના અંત સુધીમાં ભારતને રાઈફલ મળવાની શરૂઆત થઈ જાય એવી શક્યતા છે. એકે-૪૭ના આધુનિક વર્ઝન જેવી આ દરેક રાઈફલની કિંમત અંદાજે રૂપિયા ૮૦ હજાર છે. અલબત્ત, ભારતમાં બનવાની શરૂ થશે એટલે કિંમત ઘટશે. ભારતીય સૈન્ય પાસે અત્યારે બે દાયકા જૂની ઈન્સાસ રાઈફલ છે, તેનું સ્થાન આ નવી રાઈફલો લેશે. આ રાઈફલમાં પણ એકે-૪૭નું મેગેઝિન વાપરી શકાશે.
ભારત પિનાક રોકેટ ખરીદાશે
ભારતના સંરક્ષણ મંત્રાલયે સોમવારે પિનાક રોકેટ સિસ્ટમ ખરીદવાની ડિલ ફાઈનલ કરી છે. આ માટે એક સરકારી અને બે ખાનગી કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો હતો. પિનાક એ મલ્ટિ-બેરલ રોકેટ સિસ્ટમ છે, જેને ચીન સરહદો ગોઠવાશે. ભારતીય લશ્કરની ૬ રેજિમેન્ટમાં આ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરવાનો હાલ ઈરાદો છે. આ રોકેટ ટ્રક જેવા વાહન પર ફીટ થયેલા હોય છે અને સામાન્ય રીતે એક સિસ્ટમમાં ૧૨ રોકેટ હોય છે. ટ્રકને કારણે આ મિસાઈલની રેન્જ વધી જાય છે.
ચીન મુદ્દે ભાજપ-કોંગ્રેસનું રાજકારણ
સરહદી સંઘર્ષના સમાચાર આવતાં જ ભાજપ અને કોંગ્રેસે રાજકારણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ સરકારને સવાલ કર્યો હતો કે ચીની સૈનિકો વારંવાર ઘૂસી આવે છે, સદભાગ્યે ભારતીય સૈન્ય તેમની સામે મક્કમ ઉભું છે, પરંતુ વડા પ્રધાન મોદી ક્યારે લાલ આંખ કરશે? તેમના આ સવાલ સામે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે વડા પ્રધાને લાલ આંખ કરી જ દીધી છે, પણ કોંગ્રેસની આંખો ધૂંધળી થઈ છે, માટે તેમને એ વાત દેખાતી નથી. પાત્રાએ કહ્યું હતું કે આ કોઈ પક્ષનો પ્રશ્ન નથી, રાષ્ટ્રનો પ્રશ્ન છે. તેમણે કોંગ્રેસ પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતીય સૈન્યની બહાદુરી પર કોંગ્રેસ કેમ શંકા કરે છે. કોંગ્રેસના બીજા પ્રવક્તા જયવીર શેરગીલે પૂછયું હતું કે સરકાર સરહદે જે ગંભીર સ્થિતિ છે, તેનો સ્વિકાર કરતા અચકાય છે અને સત્ય છૂપાવે છે.