નવી દિલ્હીઃ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. બેનામી સંપત્તિના આરોપોનો સામનો કરી રહેલા લાલુ પ્રસાદ અને તેમના પરિવારજનો સામે સીબીઆઈએ ભ્રષ્ટાચારનો નવો કેસ દાખલ કર્યો છે. આ કેસ સંદર્ભે સીબીઆઇએ આજે - શુક્રવારે લાલુ પ્રસાદના નિવાસસ્થાન સહિત ૧૨ સ્થળે દિલ્હી, ગુરુગ્રામ, પટણા, રાંચી, પુરીમાં દરોડા પડાયા છે. લાલુ પ્રસાદ સામે આરોપ છે કે તે રેલવે પ્રધાન હતા ત્યારે એક ખાનગી કંપનીને આર્થિક ફાયદો પહોંચાડ્યો હતો. સીબીઆઈએ દાખલ કરેલી એફઆઇઆરમાં લાલુ પ્રસાદ ઉપરાંત તેમના પત્ની તથા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહિત આઠ લોકોનો સમાવેશ થાય છે.
બીજી તરફ લાલુ પ્રસાદે દરોડાની કાર્યવાહીને રાજકીય કાવતરું ગણાવતાં હુંકાર કર્યો હતો કે હું કંઇ મોદીથી ડરતો નથી. તેમણે કહ્યું હતું કે તેમના નિવાસસ્થાને દરોડા અને એફઆઇઆર નોંધવાની કાર્યવાહી બદલાની ભાવનાથી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હટાવીને જ જંપીશ.
૧૧ વર્ષ જૂનો કેસ
કથિત ભ્રષ્ટાચારનો મામલો વર્ષ ૨૦૦૬નો છે. લાલુ પ્રસાદ યાદવ ત્યારે ભારત સરકારમાં રેલવે પ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા હતાં. સીબીઆઈએ તેમના વિરુદ્ધ રેલવે પ્રધાન તરીકે ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. રાંચી અને પુરીમાં હોટેલોના ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ અને ઓપરેશન માટે ટેન્ડર આપવાના મામલે સીબીઆઈએ લાલુ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા ૧૨ સ્થળો પર દરોડા પાડ્યા છે.
સીબીઆઇએ લાલુ પ્રસાદ સામે ઇંડિયન પીનલ કોડની કલમ ૪૨૦ અને ૧૨૦-બી અંતર્ગત કેસ નોંધ્યો છે. સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર રાકેશ આસ્થાનાએ આ અંગે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે આ કેસમાં સવારના સાત વાગ્યાથી કાર્યવાહી ચાલી રહી છે. આસ્થાનાએ એમ પણ કહ્યું હતું કે આઇઆરસીટીસી હસ્તકની સુજાતા હોટેલ્સની બે હોટેલોના ટેન્ડર આપવાના બદલામાં પ્રેમચંદ ગુપ્તાની કંપનીને બે એકર જમીન મળી હતી. બાદમાં આ કંપનીનો હવાલો લાલુ પરિવારને સોંપી દેવાયો હતો.
સીબીઆઈએ જે લોકો સામે કેસ દાખલ કર્યો છે તેમાં લાલુ પ્રસાદ ઉપરાંત તેમના પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ, ઇંડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ના મેનેજિંગ ડિરેક્ટર, બે ખાનગી કંપનીના ડિરેક્ટર્સ, એક ખાનગી માર્કેટિંગ કંપની અને કેટલાક અન્ય લોકો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ અને તેમનો પરિવાર બેનામી સંપત્તિ મામલે પણ ઘેરાયેલો છે. તેમના પરિવાર પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને બેનામી સંપત્તિ બનાવવાનો આરોપ છે.
તાજેતરમાં જ ઈન્કમ ટેક્સ વિભાગે આ મામલે ૧૨ બેનામી સંપત્તિઓને ટાંચમાં લીધી છે. કેસના મુદ્દે તેમની પુત્રી મીસા ભારતી અને જમાઈ શૈલેશકુમાર ઉપર પણ આરોપ લાગ્યા છે. જોકે યાદવ પરિવારે આ આરોપોને તેમના વિરુદ્ધ રાજકીય કાવતરું ગણાવ્યું છે.
લાલુનો હુંકાર
દરોડાની કાર્યવાહીને વખોડતા લાલુ પ્રસાદે કહ્યું હતું કે મેં કોઇ ખોટું કામ કર્યું નથી. મારી સામે ભાજપ અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) કાવતરું ઘડી રહ્યા છે. જે આઇઆરસીટીસીની હોટેલના ટેન્ડરની વાત કરવામાં આવે છે તેમાં મેં કંઇ ખોટું કામ કર્યું નથી. તેની તો ફાઇલ પણ મારી પાસે આવી નહોતી. જો આમાં કોઇ પણ પ્રકારે દોષિત હોઉં તો સાબિત કરો અને સજા આપો.’
લાલુએ કહ્યું હતું કે ૨૦૦૬માં આ એક ઓપન ટેન્ડર હતું, અને હોટેલને લીઝ પર આપી હતી. મારા અને મારા પરિવારની સામે સતત હુમલા થઇ રહ્યા છે. આ લોકો અમને જેલમાં મોકલવા માગે છે જેથી અમે ભાજપ અને આરએસએસ સામે ઝૂકી જઇએ. ભાજપની ઠાલી ધમકી સામે અમે ઝૂકી જવાના નથી. પટણા જઇને મારે એ જાણવું છે કે મારા પર દરોડામાંથી શું મળ્યું.’