નવી દિલ્હી: દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના દિલ્હીની સ્પેશિયલ કોર્ટે 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઇડીએ કેજરીવાલના રિમાન્ડ માગતા કોર્ટમાં દાવો કર્યો હતો કે લીકર પોલિસી ઘડવા અને તેના અમલીકરણ માટે કેજરીવાલે સાઉથ ગ્રૂપ પાસેથી કરોડો રૂપિયાની કટકી મેળવી હતી. કેજરીવાલ તેમના પ્રધાનો અને ‘આપ’ નેતાઓ સાથે આ કૌભાંડના સૂત્રધાર અને મુખ્ય ષડયંત્રકાર છે. બીજી તરફ, જેલભેગા થયેલા અરવિંદ કેજરીવાલે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાના બદલે જેલમાં રહીને જ સરકાર ચલાવવાનું પસંદ કર્યું છે.
ે‘આપ’ સહિતના વિરોધ પક્ષે આ પગલાંને રાજકીય દ્વેષપૂર્ણ ગણાવ્યું છે તો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનું કહેવું છે કે કેજરીવાલ તેમના કરતૂતના પરિણામ ભોગવી રહ્યા છે. વિરોધ પક્ષના મોરચાએ 31 માર્ચે દિલ્હીમાં રેલી અને વિરોધ પ્રદર્શનનું પણ એલાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કેજરીવાલમાં કોર્ટમાં રજૂઆત કરીને ઇડીના સમન્સ સામે રક્ષણ મેળવવા પ્રયાસ કર્યો હતો. તેમણે માગ કરી હતી કે જો તેમની ધરપકડ નહીં થાય તેવી ખાતરી મળે તો તેઓ ઇડી સમક્ષ હાજર થવા તૈયાર છે. જોકે કોર્ટે આવું રક્ષણ આપવા ઇન્કાર કર્યો હતો. આ પછી ઇડી અધિકારીઓની ટીમ તરત જ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી અને પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.
નવ - નવ સમન્સ છતાં સમક્ષ પૂછપરછ માટે હાજર ન થયેલા કેજરીવાલના નિવાસસ્થાને 21 માર્ચે ઇડીના અધિકારીઓની ટીમ પહોંચી હતી. બે કલાકની સઘન પૂછપરછ બાદ ઇડીએ તેમની ધરપકડ કરીને બીજા દિવસે કોર્ટમાં રજૂ કર્યા હતા.
ઇડી વતી એડિશનલ સોલીસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે કેજરીવાલે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી લડવા કેજરીવાલે સાઉથ ગ્રૂપના કેટલાક આરોપીઓ પાસેથી 100 કરોડ રૂપિયા માગ્યા હતા.
આ ઉપરાંત કટકીના 45 કરોડ રૂપિયા ગોવા વિધાનસભા ચૂંટણી માટે ચાર હવાલા રૂટ મારફત પહોંચાડાયા હતા. લીકર પોલિસી ઘડવામાં તેના અમલીકરણમાં અને ગેરરીતિઓથી થયેલી કાળી કમાણીના ઉપયોગમાં કેજરીવાલની મોટી ભૂમિકા છે.
કેજરીવાલને પત્ર લખ્યો હતોઃ અણ્ણા
સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ કહ્યું કે, મેં અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી નહીં ઘડવાની સલાહ સાથે ચેતવ્યા હતા. મેં તેમને જણાવ્યું હતું કે લીકર પોલિસી ઘડવી એ આપણું કામ નથી. નાનું બાળક પણ જાણે છે કે શરાબ ખરાબ ચીજ છે
લાંચ લઇ કોન્ટ્રેક્ટ અપાયાઃ ઇડી
ઇડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હીની લીકર પોલિસી ભ્રષ્ટાચાર માટે જ ઘડાઈ હતી. લાંચ લઇને દિલ્હીમાં લીકર શોપના કોન્ટ્રાક્ટ અપાયા હતા. કેજરીવાલ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે અને મનીષ સિસોદીયા કેજરીવાલના સંપર્કમાં હતા. કેજરીવાલના વિશ્વાસુ વિજય નાયરે કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવી. તે કોઇ રોકટોક વિના સીએમ હાઉસમાં જતો હતો. કટકીના 45 કરોડ રૂપિયા હવાલા મારફતે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પહોંચાડાયા હતા. ગુનાથી કરાયેલી કાળી કમાણીનો ચોક્કસ આંકડો જાણવા કેજરીવાલની ભૂમિકા અને નિવેદનો સંબંધમાં પુછપરછ કરવી જરૂરી છે.
કવિતાને જામીનનો ઇન્કાર
સુપ્રીમ કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નાં નેતા કે. કવિતાની જામીન અરજી નકારી છે. તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરનાં પુત્રી કવિતાની ઈડીએ દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બીઆરએસ નેતા જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે અથવા અન્ય ઉપાયનો સહારો લઈ શકે છે.
જેલમાં ગયેલા ‘આપ’ના નેતા
• મનીષ સિસોદિયા • જગદીપસિંહ • સત્યેન્દ્ર જૈન • સુરિન્દરસિંહ • મનોજ કુમાર • સાંસદ સંજય સિંહ • દિનેશ મોહનિયા • વિજય નાયર • સોમનાથ ભારતી • શરદ ચૌહાણ • અમાનતુલ્લા ખાન • પ્રકાશ જયસ્વાલ • નરેશ યાદવ • ડૉ. બલબીરસિંહ • અખિલેશ ત્રિપાઠી • અમિત રતન