લેબર MPનું વિસંવાદિતાને ઉશ્કેરવાનું બેજવાબદાર વર્તનઃ NCGO

Tuesday 15th February 2022 16:03 EST
 

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે દ્વારા ગુજરાત રમખાણોની ૨૦મી વર્ષીએ યુકે પાર્લામેન્ટમાં યોજાએલી ચર્ચા સંદર્ભે ‘૨૦૦૨ ગુજરાત રમખાણો વેસ્ટમિન્સ્ટર હોલમાં ડિબેટ’ મથાળા સાથેનો પત્ર લેબર સાંસદ કિમ લીડબીટરને લખવામાં આવ્યો હતો. આ પત્ર આ મુજબનો છે.

માનનીય કિમ લીડબીટર MP,

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK) છત્ર સંસ્થા છે જે યુકેના તમામ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી ૧૦૦થી વધુ ગુજરાતી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ સંભાળે છે. ૨૦૦૨ના ગુજરાતના રમખાણોની ચર્ચા કરવા માટેની આપની દરખાસ્તના સંદર્ભમાં અમારી સંસ્થા અને કોમ્યુનિટી આ ચર્ચા યોજવા પાછળ શું કારણ છે તે સમજી શકતી નથી. અમને તો ૨૦૦૨માં થયેલા ભયાનક રમખાણો પછી અત્યાર સુધી યુકેમાં શાંતિપૂર્વક રહેતી કોમ્યુનિટીઝ વચ્ચે અશાંતિ ઉભી કરવા સિવાય બીજું કોઈ કારણ દેખાતું નથી.

આપે ડિબેટ માટે જે પ્રસ્તાવના રજૂ કરી છે તેમાં રમખાણો વિશેની સંપૂર્ણ વિગતોનો અભાવ છે. આ રમખાણો ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે ગોધરામાં ટ્રેન સળગાવવાને લીધે થયા હતા. આ ઘટનામાં અયોધ્યાથી પાછા ફરી રહેલા ૫૮ કારસેવકોનું મૃત્યુ થયું હતું. એક પછી એક આવેલી ભારતીય સરકારોની દેખરેખ હેઠળ રમખાણોની તપાસનું સતત પાર્લામેન્ટરી અને જ્યુડિશિયરી સુપરવિઝન થઈ રહ્યું છે. તેમાં ફ્રી ડિબેટ અને ભારતની સંસદમાં ચર્ચાનો પણ સમાવેશ થાય છે.

સૌથી મોટી લોકશાહી હોવાથી ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી SIT નો રિપોર્ટ પબ્લિક ડોમેઈનમાં છે. આપના ભાષણમાં આપે પણ સૂચવ્યું હતું કે તમામ પક્ષો, કોમ્યુનિટીઝ અને ધર્મોને સ્વીકૃત હોય તેવા તારણ પર આવી શકાતું નથી., જે આ પ્રકારની પરિસ્થિતિમાં શક્ય જ નથી હોતું. ડિબેટ થઈ ત્યારથી કોમ્યુનિટીઝ વચ્ચે સોશિયલ મીડિયા વગેરે પર સતત દલીલો થઈ રહી છે. અમે સમજીએ છીએ અને આ કરુણ ઘટનાને લીધે જે પરિવારોને અસર થઈ હતી તે તમામ પ્રત્યે અમારી સંવેદના છે. પરંતુ, તમામ તપાસ પૂરી થઈ ગઈ હોય અને રિપોર્ટ્સ જાહેર કરી દેવાયા હોય ત્યારે ૨૦ વર્ષ પછી આ મુદ્દે ચર્ચા કરવી તે પોતાનો જીવ ગુમાવનારા લોકો અને તપાસ કરી રહેલી સરકાર પ્રત્યે આદરભાવ ન હોવાનું દર્શાવે છે.
મૃતદેહો પાછા લાવવા અંગે તપાસના સંદર્ભમાં આ ડિબેટમાં આપે ભારતીય હાઈ કમિશનના મેમ્બરને શું આમંત્રણ આપવું જોઈતું ન હતું ? અમારો સંકેત એ તરફ છે કે આ ડિબેટમાં ભારતનું હિત રજૂ કરવા માટે ભારતીય હાઈ કમિશન, લંડનના કોઈપણ મેમ્બરનો આપે અથવા આપના મતદારોએ સંપર્ક કર્યો ન હતો. શા માટે ?
અમે પણ સમજીએ છીએ કે ભૂતકાળમાંથી પાઠ શીખવો જોઈએ. પરંતુ, કોમ્યુનિટીમાં વધુ વિસંવાદિતાને ઉશ્કેરીને નહીં. અમને લાગે છે કે ભારતીય કોમ્યુનિટીમાં વિસંવાદિતાને ઉશ્કેરવાનું લેબર MP નું બેજવાબદાર વર્તન લાગે છે. અયોગ્ય સમયની અને બિનજરૂરી દરખાસ્ત માટે તેમણે માફી માગવી જોઈએ.
આપના અને આપના પક્ષના પ્રત્યુત્તરની અપેક્ષા સહ.

આપનો વિશ્વાસુ
વિમલજી ઓડેદરા
NCGO UK પ્રેસિડેન્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter