લંડનઃ લેબર પાર્ટીએ આગામી ૧૨ ડિસેમ્બરની ચૂંટણી સંબંધિત મેનિફેસ્ટોમાં યુકે સંસ્થાનવાદના ભુતકાળના ઓડિટ કરવાનું વચન આપ્યું છે. ‘It’s Time for Real Change’ મથાળા સાથેના મેનિફેસ્ટો અનુસાર પાર્ટી અમૃતસરમાં જલિયાવાલા બાગ સંહાર સંદર્ભે ભારતની સત્તાવાર માફી માગશે. આ ઉપરાંત, ‘Amritsar massacre’ તરીકે ઓળખાયેલા ઓપરેશન બ્લુ સ્ટારમાં યુકેની ભૂમિકાની જાહેર સમીક્ષા સહિત ભૂતકાળના અન્યાયોમાં ન્યાયાધીશ હસ્તકની તપાસ કરાવવાનું વચન પણ લેબર પાર્ટીએ આપ્યું છે. યુકે પાર્લામેન્ટમાં વિજય સાથે ચૂંટાયાના પ્રથમ વર્ષમાં જ આ ઓડિટ કરાવવામાં આવશે. લેબરનેતા જેરેમી કોર્બીને મેનિફેસ્ટોને ઈવકાર આપ્યો છે.
યુકે સરકારના ૨૦૧૪માં ડિક્લાસીફાઈડ દસ્તાવેજોથી જાણવા મળ્યું હતું કે અમૃતસરના સુવર્ણ મંદિરમાં ભારતીય લશ્કરના હસ્તક્ષેપ અગાઉ ભારતીય દળોને બ્રિટિશ લશ્કરી સલાહ પૂરી પાડવામાં આવી હતી. આ સલાહ ચોક્કસ કયા પ્રકારની હતી તે જાહેર કરવા લાંબા સમયથી બ્રિટિશ શીખ જૂથો દ્વારા માગણી થતી રહી છે.
લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં કાશ્મીર સંઘર્ષના ઉલ્લેખ સાથે જણાવાયું છે કે કાશ્મીર, યેમેન, મ્યાનમાર તેમજ ઈરાન સાથે તંગદીલીમાં વૃદ્ધિ સહિત વિશ્વની સૌથી માનવતાવાદી કટોકટીના નિરાકરણમાં રચનાત્મક ભૂમિકા ભજવવામાં ક્નઝર્વેટિવ પાર્ટી નિષ્ફળ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની હાકલ સાથે સપ્ટેમ્બર અધિવેશનમાં પસાર કરાયેલા ઠરાવનો ભારતીય ડાયસ્પોરા જૂથો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
અભ્યાસક્રમમાં બ્રિટિશ સામ્રાજ્યના અન્યાયો
કોર્બીને બ્રિટિશ સામ્રાજ્યના અન્યાયોને શાળાના અભ્યાસક્રમોમાં સમાવી લેવાનું જણાવ્યું છે. લેબર પાર્ટીના નવા ‘રેસ એન્ડ ફેઈથ મેનિફેસ્ટો’ના ભાગરુપે નવા ‘એમ્નિસિપેશન એજ્યુકેશન ટ્રસ્ટ’ની સ્થાપના કરવાની તેમની યોજના છે. આ સંસ્થા સંસ્થાનવાદની અસરો રાષ્ટ્રીય અભ્યાસક્રમોમાં શીખવાય તેની ચોકસાઈ કરશે. ઈક્વલિટી વોચડોગ દ્વારા લેબર પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમ (યહુદીવાદવિરોધ)ની તપાસ કરાઈ રહી છે ત્યારે પાર્ટીએ અતિ જમણેરી કટ્ટરવાદ સંબંધે તપાસ યોજવાની પણ ખાતરી ઉચ્ચારી છે. બીજી તરફ, લેબર પાર્ટી બ્રિટનના ભૂતકાળને તુચ્છ ગણાવતી હોવાના આક્ષેપ સાથે કન્ઝર્વેટિવ્ઝે શાળાઓમાં સામ્યવાદના જોખમોનો અભ્યાસ કરાવવાનું સૂચન કર્યું છે.