લંડનઃ લેબર પાર્ટીએ બર્મિંગહામમાં જાહેર કરેલા તેના સૌથી વધુ ડાબેરી મેનિફેસ્ટોમાં સામાન્ય લોકોની પડખે હોવાનું દર્શાવવા ધનવાનો અને તાકાતવર લોકો પર આક્રમણ કરવા તૈયાર હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ લક્ષ્ય સાથે ‘હાઉસિંગ રેવોલ્યુશન’નીતિ જાહેર કરી છે જે મુજબ સમગ્ર યુકેમાં ૭૫ બિલિયન પાઉન્ડના ભંડોળ સાથે દર વર્ષે ૧૦૦,૦૦૦ નવા કાઉન્સિલ હાઉસીસ બનાવવાનું વચન અપાયું છે. આ સાથે ભાડે આપવા માટે વધુ ૫૦,૦૦૦ એફોર્ડેબલ હાઉસીસ પણ બનાવાશે. ઉલ્લેખનીય છે કે આ ભંડોળ ઊંચી આવક ધરાવનારાઓ પર ટેક્સ લાદીને એકત્ર કરાશે.
તેમણે, રેલવે કંપનીઓ, રોયલ મેઈલ અને વોટર કંપનીઓના રાષ્ટ્રીયકરણનું પણ વચન આપ્યું છે. ‘નવા સામાજિક પરિવર્તન ભંડોળ’ માટે સેંકડો બિલિયન્સ પાઉન્ડ પ્રાપ્ત કરવા ઈન્હેરિટેન્સ, બિઝનેસ અને કેપિટલ ગેઈન્સ ટેક્સ વધારવા સાથે વાર્ષિક ૮૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક ધરાવતા લોકો પર ઈન્કમટેક્સ વધારવા, ૧૨૫,૦૦૦ પાઉન્ડથી વધુ આવક ધરાવતા લોકો પર નવો ‘સુપર-રિચ રેટ’ લાગુ કરવાની બ્લુપ્રિન્ટ પણ જાહેર કરી છે. પેન્શન વય વધવાથી વૃદ્ધ મહિલાઓની મુશ્કેલીઓ નિવારવા શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોવલે છેલ્લી ઘડીએ ૩.૭ મિલિયન વૃદ્ધ મહિલાઓના પેન્શન માટે વધુ ૫૮ બિલિયન પાઉન્ડના ભંડોળની જાહેરાત કરી છે. મેનિફેસ્ટોમાં નહિ દર્શાવાયેલાં આ નવાં વચન સાથે લેબર પાર્ટી દ્વારા વાર્ષિક ખર્ચ વધીને ૯૭ બિલિયન પાઉન્ડથી ૫ણ વધી જશે. જોકે, આનાથી યુકેના ૧.૮ ટ્રિલિયન પાઉન્ડના દેવાંમાં વધારો થવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. ઉલ્લેખનીય છે કે ટોરી પાર્ટી દ્વારા રોજિંદા એક પાઉન્ડના ખર્ચા સામે લેબર પાર્ટીએ ૨૮ પાઉન્ડના ખર્ચાની જાહેરાત કરી છે.
લેબરનેતા જેરેમી કોર્બીને જાહેર કર્યું હતું કે,‘આ મેનિફેસ્ટો આશાનો છે, જે વાસ્તવિક પરિવર્તન લાવશે. રાજકીય સ્થાપિત હિતોએ એક પેઢી સુધી અવરોધેલી લોકપ્રિય નીતિઓ સાથેના આ મેનિફેસ્ટોનો બિલિયોનેર્સ દ્વારા ભારે વિરોધ કરાશે કારણકે તમારા માટે વિશ્વસ્તરીય જાહેર સેવાઓ માટે ભંડોળમાં યોગ્ય હિસ્સો તેમણે આપવાનો થશે. આ જ સાચું પરિવર્તન છે.’
સૌથી વધુ ડાબેરી મેનિફેસ્ટોમાં લેબર પાર્ટીએ આ મુજબના મહત્ત્વના વચનો આપ્યાં છેઃ
• રેલવે કંપનીઓ, પાવર ગ્રીડ, રોયલ મેઈલ, વોટર કંપનીઓ તેમજ બ્રિટિશ ટેલિકોમના બ્રોડબેન્ડના રાષ્ટ્રીયકરણ • ટ્રેડ યુનિયનની તાકાતમાં ભારે વધારો • વાર્ષિક ૮૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક ધરાવતા આશરે ૨.૨ મિલિયન લોકો પર ઊંચા ટેક્સીસ • બ્રેક્ઝિટ સમજૂતી માટે નવી વાટાઘાટો, જેને સેકન્ડ રેફરન્ડમ માટે મૂકાશે • મોટી કંપનીઓના શેર હસ્તગત કરવા અને એક્ઝિક્યુટિવ્સના વેતન પર કાપ • ૩.૭ મિલિયન વૃદ્ધ મહિલાઓના પેન્શન માટે વધુ ૫૮ બિલિયન પાઉન્ડના ભંડોળની શેડો ચાન્સેલર મેક્ડોનેલની જાહેરાત