લંડનઃ ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે લેસ્ટર ઈસ્ટના લેબર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવવા સિટી હોલના પદનો ત્યાગ કર્યો છે. તેમણે આ નિર્ણય લેતા પહેલા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા આયોજિત વિશેષ વાતચીતમાં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. રાજેશ અગ્રવાલને સપોર્ટ કરવા લેબર પાર્ટીના હેરો વેસ્ટના MP (કો-ઓપ) અને શેડો મિનિસ્ટર ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ ગેરેથ થોમસ, સિટી અને ઈસ્ટના લંડન એસેમ્બલી સભ્ય અને લંડન એસેમ્બલી પોલીસ કમિટીના ડેપ્યુટી ચેર ઉન્મેષ દેસાઈ, ટોકિંગ્ટન કાઉન્સિલર અને બ્રેન્ટ કાઉન્સિલના લીડર કાઉન્સિલર મુહમ્મદ બટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લેબર પાર્ટીના નેતાઓએ કોમ્યુનિટી અને બિઝનેસ પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
પ્રાથમિકતાઓ વિશે વાત કરતા રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘ડાબેરી, જમણેરી અને મધ્યમાર્ગી બિઝનેસીસને સપોર્ટ કરવો મહત્ત્વપૂર્ણ છે કારણકે તેમના થકી જ રોજગાર અને સંપત્તિનું સર્જન થાય છે. લેસ્ટર વૈવિધ્યતાનું પ્રતીક છે અને સમગ્ર દેશમાં સૌથી વૈવિધ્યપૂર્ણ મતક્ષેત્ર છે. હું આ તમામ કોમ્યુનિટીઓને સાંકળવા માગું છું. લંડનના પ્રથમ મુસ્લિમ મેયર સાથે કામ કરતા લંડનના પ્રથમ હિન્દુ ડેપ્યુટી મેયર હોવાનો મને ભારે ગર્વ છે. હું હંમેશાં આ રીતે જ કાર્ય કરું છું અને લેસ્ટરમાં પણ આર્થિક સફળતાની સાથોસાથ આ બાબત લાવીશ કારણકે 50 ટકા બાળકો ગરીબીમાં ઉછરી રહ્યાં છે. વિશ્વમાં પાંચમા ક્રમના સૌથી ધનિક દેશમાં આ સ્થિતિ અસ્વીકાર્ય છે. હું આર્થિક સફળતા લાવવા માગું છું. આપણે બધા સાથે મળીને તે કરી શકીશું. હું એન્ટ્રેપ્રીન્યોરશિપ અને તક બાબતે ઘણો ઉત્સાહી છું. આથી જ લેસ્ટર ઈસ્ટના આગામી લેબર સાંસદ બનવા ઉમેદવાર છું કારણકે હું માનું છું કે આપણા દેશના વિકાસ માટે લેબર માર્ગ છે, જે કામદાર તરફી હોવાની સાથોસાથ એમ્પ્લોયર તરફી પણ છે.’
તેમણે ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ અને ચેરમેન ઓફ લંડન એન્ડ પાર્ટનર્સ તરીકે પોતાની સિદ્ધિઓ વર્ણવતા જણાવ્યું હતું કે,‘ગત સાત વર્ષમાં પ્રત્યક્ષ પહેલો થકી આપણે માત્ર લંડનમાં જ નવી 330,000 નોકરીઓ સર્જી છે. આ સમગ્ર લેસ્ટરની વસ્તી બરાબર છે. કર્મચારીઓની વર્કિંગ કન્ડિશન્સ સુધારવા માટે મેં ઉચ્ચ ધારાધોરણો હાંસલ કરવાના ચાર્ટર તરીકે સારા કાર્ય માપદંડો શરૂ કર્યા હતા. 255,000 લંડનવાસીઓને આવરી લેવાયા છે અને તેઓ લાભ મેળવી રહ્યા છે. અમે મેયરનો ઈન્ટરનેશનલ બિઝનેસ પ્રોગ્રામ શરૂ કરી ધંધાને વિદેશ લઈ જવા બિઝનેસીસને મદદ કરી છે. મેં COVID-19ના સમયગાળામાં અલગ અલગ 25 બિઝનેસ સંસ્થાઓના ગ્રૂપની રચના કરી હતી.’
દેશના પરિપ્રેક્ષ્યમાં વાત કરતા રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘આપણી NHS ઘૂંટણીએ પડી ગયેલ છે. સંતોષ તળિયે પહોંચી ગયો છે. શિક્ષણનું ધોરણ નબળું પડ્યું છે. શાળાની ઈમારતો પણ જર્જરિત છે. પોલિસિંગ, ફંડિંગ, યુથ સેન્ટર્સ અને લાઈબ્રેરીઝ જેવી આપણી અન્ય જાહેર સંસ્થાઓ ભંડોળમાં કાપનો સામનો કરી રહી છે. આ તદ્દન અસ્વીકાર્ય છે. વિશ્વતખતા પર આજે બ્રિટનની હાલત ખરાબ છે. તેને ઉલટાવવી પડશે અને પરિવર્તનનો સમય પાકી ગયો છે. લેબર સરકાર આ કરી શકે તેમ છે પરંતુ આપણે એકસંપ દેશ તરીકે આ કરવાનું છે. આ દેશ એશિયન કોમ્યુનિટીના યોગદાન વિના અધૂરો છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ હું પણ ટેક એન્ટ્રેપ્રીન્યોર છું; આથી, ડિજિટલ ટેકનોલોજી અને નવી કુશળતાઓ વિશે ભારે ઉત્સાહી છું. લોકોએ કેવી કુશળતા વિકસાવવી જોઈએ અને આવતી કાલની નોકરીઓ બાબતે આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે નવા યુગ અને નવા અર્થતંત્ર તરફ આગેકૂચ કરી રહે તેવા દેશ માટે કામ કરીશું અને વર્કફોર્સ તેના માટે તૈયાર હોય તેની ચોકસાઈ કરીશું. આપણે આપણા દેશને વિશ્વમાં બદલાઈ રહેલા જીઓપોલિટિક્સ માટે પણ તૈયાર કરવો પડશે જ્યાં બ્રિટનના વ્યૂહાત્મક હિતો રહેલા હોય અને તે અનુસાર કામ કરીશું.’
રાજેશ અગ્રવાલે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે દીર્ઘકાલીન સંબંધોનો યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘ હું 22 વર્ષ અગાઉ આ દેશમાં આવ્યો હતો. હું ઈન્દોરમાં ગરીબીમાં ઉછર્યો હતો. હું 10 વર્ષનો થયો ત્યાં સુધી અમારે સુવાની પથારી ન હતી, અમારે જમીન પર સુઈ રહેવું પડતું હતું. હું 24 વર્ષની વયે અહીં આવ્યો હતો. હું અહીં આવ્યો તે પહેલા વિમાનમાં બેઠો ન હતો કે ભારતની બહાર ગયો ન હતો. તમે જાણો છો હું ક્યાં પહોંચ્યો? નોર્થ હેરોમાં, આ ઓફિસની તદ્દન નજીક, આ પછી મેં બિઝનેસ સ્થાપ્યો. પરંતુ, મેં કદી કલ્પના પણ કરી ન હતી કે હું આ પૃથ્વી પરનાં સૌથી મહાન નગર લંડનનો ડેપ્યુટી મેયર બનીશ. એક વાર નહિ પણ બે વખત. હું સીબીને ગત 20 વર્ષથી જાણું છું. તેમનો કરિશ્મા આજે પણ એટલો પ્રેરણાદાયી છે જેટલો 20 વર્ષ અગાઉ હતો. અમે લેબર પાર્ટીની કોન્ફરન્સમાં મળ્યા હતા. તેમણે મને લિફ્ટ ઓફર કરી અને બ્રાઈટોનથી લંડન સુધી અમે લાંબી વાતો કરી. મેં ઘણા વર્ષો સુધી એશિયન વોઈસમાં લખ્યું હતું. જ્યારે મારા જેવું કોઈ પરદેશમાં આવે ત્યારે તેને સીબી જેવી વ્યક્તિની ખરેખર જરૂર પડે છે જે, કાળજી લેતા હોય, પ્રેરણા આપે અને આગળ વધારે. ન્યૂઝપેપર્સના માધ્યમ થકી તેઓ કોમ્યુનિટીને એક સાથે લાવે છે અને લેસ્ટરમાં હું પણ તેમ જ કરવા માગું છું. અલગ અલગ કોમ્યુનિટીઓને સાથે લાવવાનું.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ કોમ્યુનિટીનો અવાજ ઉઠાવવામાં સફળઃ ગેરેથ થોમસ
ગેરેથ થોમસMPએ જણાવ્યું હતું કે,‘રાજેશનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે,લેસ્ટર ઈસ્ટના લેબર ઉમેદવાર તરીકે રાજેશની પસંદગી કરવામાં અમને ઘણી ખુશી છે. સીબી બ્રિલિયન્ટ ન્યૂઝપેપરમેન છે. વર્ષો દરમિયાન તેમણે પોતાનું જીવન કોમ્યુનિટીને સોંપી દીધું છે. તેમના અખબારો સારી રીતે વંચાય છે. અલગ અલગ સ્થળોએ વસતા લોકોને સાંકળવાનો આ માર્ગ છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ કોમ્યુનિટીનો અવાજ ઉઠાવવામાં ઘણા સફળ રહ્યા છે.’
સીબીના પ્રકાશનો કોમ્યુનિટીની ઉન્નતિ કરે છેઃ ઉન્મેષ દેસાઈ
ઉન્મેષ દેસાઈ AMએ કહ્યું હતું કે,‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ કોમ્યુનિટીની ઉન્નતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાજેશ, સીબીએ લાલનપાલન કર્યું હોય તેવા રાજકારણીઓના લાંબા કન્વેયર બેલ્ટમાં તમારો છેલ્લો ઉમેરો છે. મેં એંસીના દાયકાની મધ્યથી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસનો વિકાસ નિહાળ્યો છે. રાજેશે ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ તરીકે, 330,000 નોકરીઓના સર્જન અને લંડન એન્ડ પાર્ટનર્સ થકી ઘણા બધા દેશોમાંથી રોકાણો લાવવાની નોંધપાત્ર કામગીરી બજાવી છે.’
લેબર પાર્ટી માટે આ ટર્નિંગ પોઈન્ટ બનશેઃ કાઉન્સિલર બટ
કાઉન્સિલર મુહમ્મદ બટે જણાવ્યું હતું કે,‘મનેં રાજેશનું કાર્ય નિહાળ્યું છે અને તેણે અનેક એકમો અને તકોના સર્જન તથા બિઝનેસીસ સાથે મને બ્રેન્ટ કાઉન્સિલમાં સપોર્ટ કર્યો છે. એક બાબત મારે કહેવાની છે કે આપણી પોતાની કોમ્યુનિટીઓમાંથી પૂરતાં પ્રમાણમાં ઉચ્ચ સ્તરે બેઠા નથી. રાજેશભાઈ ટુંકમાં ચૂંટાઈ આવે તે આપણે જોઈશું. લેબર પાર્ટી માટે આ ટર્નિંગ પોઈન્ટ બની રહેશે. ભારતીય કોમ્યુનિટી બિઝનેસમાં આગળ છે અને આ દેશની સફળતામાં તેનું સફળતાદાયી યોગદાન રહ્યું છે. સીબી જેવા લોકોએ ઘણા વર્ષોથી કોમ્યુનિટીને મજબૂત બનાવવાની શરૂઆત કરી હતી અને તે મજબૂત પાયા થકી આપણે અહીં છીએ.’
સુસંવાદિતાને સર્વોચ્ચ પ્રાધાન્યઃ સીબી પટેલ
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘ અમે પાર્લામેન્ટના એવા મેમ્બરને ઈચ્છીએ છીએ જેઓ સેતુનિર્માતા અને સર્જક બની શકે. માત્ર સંપત્તિને જ નહિ, સુસંવાદિતાને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાવું જોઈએ. હું સાચે જ માનું છું કે રાજેશ અગ્રવાલ કરતા વધુ લાયક કોઈ હોઈ શકે નહિ. તમારો કોઈ પણ ધર્મ કે રાજકીય પસંદગી હોય, ભાવિ સરકાર આ દેશને બનાવશે કે તોડી નાખશે. રાજેશ લેબર પાર્ટી અને આ દેશ માટે અદ્ભૂત કામ કરી શકે તેમ છે. તેઓ લેસ્ટર ઈસ્ટના લેબર ઉમેદવાર અને આ દેશના રાજકારણ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે લંડન અને યુકે માટે ઈન્વેસ્ટમેન્ટ્સ ખેંચી લાવવા ઘણું કર્યું છે, 300,000 થી વધુ નાની નોકરીઓનું સર્જન કર્યું છે. આપણે આ જ જોઈએ છે - ઈન્વેસ્ટમેન્ટ, રોજગાર સર્જન અને નવી ઈન્ડસ્ટ્રી.’
સંગત સેન્ટરના સીઈઓ કાન્તિ નાગડા MBEએ જણાવ્યું હતું કે,‘લેબર પાર્ટી દ્વારા રાજેશ અગ્રવાલને લેસ્ટર ઈસ્ટના ઉમેદવાર તરીકે પસંદ કરાયા તે ઘણી સારી વાત છે. બે વર્ષ અગાઉ જ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશનનું અમારું હેડક્વાર્ટર્સ લેસ્ટરમાં હતું. ઉમેદવાર તરીકે તમારી પસંદગી થયાનો આ યોગ્ય સમય છે.’
હેરો બિઝનેસ સેન્ટરના ડાયરેક્ટર દેવેન સાંગાણીએ કહ્યું હતું કે,‘ પાર્ટી લીડર્સનો મત જાણીને અમને ખરે જ ઘણો આનંદ થયો છે. અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. તમે કયા પક્ષના છો તેને કોઈ સંબંધ નથી પણ દેશ માટે તમારી સેવા અને પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તમારા ઉદ્દેશ અને લક્ષ્ય પ્રેરણાદાયી છે.’
ABPLગ્રૂપના વરિષ્ઠ સભ્ય સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,‘કોઈ પણ રાજકીય નેતા માટે સંપ,શાંતિ અને સમૃદ્ધિ મુખ્ય પ્રાથમિકતા બની રહેવા જોઈએ.’
અલ્બરી એસોસિયેટ્સના પ્રિન્સિપાલ કિરણ પટેલે જણાવ્યું હતું કે,‘રાજેશ માટે મને એક બાબત ઘણી સારી લાગી કે તેઓ તમને પ્રશ્ન પૂછશે, ઉત્તર શું હશે તેની તેમને જાણ હશે અને બીજો પ્રશ્ન શું હશે તે પણ તેઓ જાણતા હશે. હું માનું છું કે આ જ બાબત લોકોને અલગ પાડે છે. તમે કયા પક્ષના પ્રતિનિધિ છો, તમે ક્યાથી આવો છો તેનો કોઈ મતલબ નથી, જો તમે પાર્લામેન્ટમાં જઈ બ્રિટનનો વહીવટ કરી શકશો, જે રીતે તમે તમારો બિઝનેસ ચલાવ્યો છે, તો આપણે બધા મિલિયોનેર્સ બની શકીશું.’
સુભાષ પટેલે જણાવ્યું હતું કે,‘દરેક કાઉન્સિલ નાણા પાછળ દોડે છે. કાઉન્સિલો પાર્કિંગ માટે નાણા વસૂલે છે અને આના કારણે લોકો પાર્કમાં જવાનું ટાળે છે.’
લંડન ઓવરસીઝ સેન્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ (ઓફ ઈન્ડિયા)ના ચેરમેન અને હેરિટેજ બંગાળ ગ્લોબલના ડાયરેક્ટર અનિર્બન મુખોપાધ્યાયે કહ્યું હતું કે,‘ ઘણી વખત મેં નીરિક્ષણ કર્યું છે કે આપણે ભારતીયો મતદાન વિશે કોઈ દરકાર રાખતા નથી. તમારે લોકોમાં જાગૃતિ કેળવવી જોઈએ કે તેઓએ મત આપવા જવું જ જોઈએ. લેસ્ટર અને ભારત વચ્ચે ઘણું મજબૂત કનેક્શન છે. લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ ભારે લોકપ્રિય ઈસ્ટ બેંગાલ ક્લબની સિસ્ટર ક્લબ છે.’
ABPLના સીનિયર એડવર્ટાઈઝિંગ મેનેજર કિશોર પરમાર, બિઝનેસ મેનેજર પૂજા રાવલ અને પ્રેયા મણિયારે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.