નવી દિલ્હીઃ લદ્દાખ ક્ષેત્રમાં આવેલી ગલવાન વેલીમાં ચીનની ઘૂસણખોરીને પાપે સર્જાયેલા લોહિયાળ સંઘર્ષ બાદ ભારત-ચીનની સેનાએ લદાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની સરહદો પર સામસામો મોરચો માંડયો છે. તો બીજી તરફ, સરહદી તણાવ ઘટાડવા બન્ને દેશના લશ્કરી કમાન્ડરો વચ્ચે મંત્રણાનો દોર ચાલી રહ્યો છે.
લેહમાં ભારતીય સેના દ્વારા મિગ-૨૯ અને અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કરાયા પછી ચીને પણ લદ્દાખ બોર્ડર પર તેનાં હોટાન, નગ્યારી, સિક્કિમ પાસેનાં શિગાત્સે અને અરુણાચલ પ્રદેશ પાસેનાં નયિંગચી એરબેઝ પર ફાઈટર જેટ અને હેલિકોપ્ટર્સ ગોઠવ્યાં છે. ચીનની આર્મીએ પેંગોંગ ત્સો લેક ખાતે ફિંગર-૪ પોઈન્ટ પર ભારતીય સૈનિકોનું પેટ્રોલિંગ રોકવા દેખરેખ વધારી છે. નોંધનીય છે કે ચીનની સેના અહીં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) સાથે ચેડાં કરવા માગે છે. આ ઉપરાંત ચીને ગોગરા હોટ સ્પ્રિંગમાં પણ મોટા પાયે સૈનિકો અને શસ્ત્રો ખડક્યાં છે.
કમાન્ડર સ્તરની બેઠક
લદ્દાખ ક્ષેત્રમાં સંઘર્ષ બાદ ભારત-ચીન વચ્ચે સોમવારે કોર કમાન્ડર સ્તરની મંત્રણાનો પ્રથમ રાઉન્ડ ચુશુલ - લદ્દાખ ખાતે યોજાયો હતો. ગયા સપ્તાહે - ૧૫ જૂને જ્યાં હિંસક અથડામણ થઇ હતી તે ગલવાન વેલીમાં ચીને પેટ્રોલ પોઇન્ટ ૧૪ (પીપી ૧૪) પોસ્ટ ખાલી દીધી છે તેની ખાતરી કર્યા બાદ જ ભારતે મંત્રણા શરૂ કરી હતી. હવે બન્ને દેશો પેંગોંગ ત્સો ખાતેની સ્થિતિ પર તણાવ હળવો કરવા ઉપરાંત ગલવાન વેલી સાથે સંકળાયેલા કેટલાક મુદ્દે વાતચીત શરૂ કરવાની દિશામાં વિચારી રહ્યા છે.
આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ લેફ્ટનન્ટ જનરલ હરીન્દર સિંહે કર્યું હતું જ્યારે ચીનનું પ્રતિનિધિત્વ મેજર જનરલ લિયુ લીને કર્યું હતું. બંને દેશનાં લશ્કરી અધિકારીઓએ પૂર્વ લદાખની તેમજ ગલવાન વેલીની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. ભારતે ગલવાન વેલીમાંથી લશ્કર પાછું ખેંચી લેવા અગાઉ પણ ચીનને કહ્યું હતું. છઠ્ઠી જૂને બંને દેશો વચ્ચે થયેલા કરારનાં અમલ માટે ચર્ચા કરાઈ હતી. સવારના ૧૧ વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક ૧૧ કલાક કરતાં પણ વધુ ચાલી હતી.
અહેવાલ અનુસાર આ બેઠકમાં ભારતે ચીનને સ્પષ્ટ જણાવ્યું છે કે બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા અને સરહદે તંગદિલી હળવી કરવા ચીન પાંચમી મે પૂર્વેની સ્થિતિએ પાછું ખસી જાય. ઉલ્લેખનીય છે કે ચીનની વિનંતીને ધ્યાનમાં લઈને ભારત કમાન્ડર સ્તરની વાટાઘાટો માટે તૈયાર થયું હતું. એવું જાણવા મળે છે કે લશ્કરી અધિકારી સ્તરની વાતચીત પછી બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે મંત્રણાનો રાઉન્ડ યોજાશે.
૩૪૮૮ કિમી લાંબી વાસ્તવિક અંકુશ રેખા
ગલવાન વેલીમાં ૧૫ જૂને હિંસક ઘર્ષણ પછી ભારત અને ચીને ૩૪૮૮ કિમી લાંબી લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ ખાતે ફુલ આર્મી ગોઠવી છે. બંને દેશનાં એરબેઝ પર જેટ ફાઈટર ગોઠવાઈ ગયાં છે અને નેવીને પણ હિન્દ મહાસાગર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આમ ગમેત્યારે ચિનગારી ભડકી ઊઠે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચીને લદ્દાખમાં વધુ ઊંચાઈ પર ઊડી શકે તેવાં યુદ્ધવિમાનો જે-૧૧ અને જે-૧૬એસ ગોઠવ્યાં છે. ભારતે લેહ અને શ્રીનગર ખાતે ફ્રન્ટ એરબેઝ પર સુખોઈ-૩૦ તેમજ જગુઆર અને મિરાજ-૨૦૦૦ તથા અપાચેને તૈનાત કર્યા છે.
ભારતે માઉન્ટેન ટુકડી ગોઠવી
ભારતે ગલવાન વેલી સહિત લેહ અને લદ્દાખની એલએસી ખાતે પહાડો પર ચીનની સેનાનો સામનો કરવા સ્પેશિયલ તાલીમ પામેલી માઉન્ટેન ટુકડીઓ ગોઠવી છે. એટલું જ નહીં, ચીનના દુઃસાહસનો આક્રમક જવાબ આપવા ભારતની ટુકડીઓને છૂટો દોર અપાયો છે. ભારતીય જવાનોને જરૂરત અનુસાર લશ્કરી કાર્યવાહી કરવાની મંજૂરી આપી દેવાઇ છે. આ જવાનો ચીની સેનાને પશ્ચિમ, મધ્ય તેમજ પૂર્વ સેક્ટરમાં જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. ભારતની માઉન્ટેનિયરિંગ ટુકડીને ગમે તેવા વાતાવરણમાં યુદ્ધ કરવા ખાસ તાલીમ અપાઈ છે. તેઓ ગેરિલા યુદ્ધ લડવાની ક્ષમતા ધરાવે છે. કારગિલ યુદ્ધમાં આ જવાનોએ જ બહાદુરી દર્શાવીને યુદ્ધ જીત્યું હતું.
ભારતની ૭ બોર્ડર પોસ્ટ પર ખતરો
ભારતની ૭ બોર્ડર પોસ્ટ પર ખતરો વધ્યો છે. જેમાં દેપસાંગ, મુર્ગો, ગલવાન, હોટ સ્પ્રિંગ, કોયલૂ, ફુકચે અને દેમચોક માટે જોખમ વધ્યું છે. જોકે ભારતે પડકારોનો સામનો કરવા તમામ બોર્ડર પોસ્ટ પર સૈનિકોની અને શસ્ત્રોની જમાવટ કરી છે. ભારતે અંકુશ રેખા પર ફાઈટર જેટ અને યુદ્ધવિમાનો તેમજ ટેન્ક તહેનાત કરી છે.
ભારતીય સેનાને છૂટો દોર
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે આવી ગયા બાદ સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભારતીય સેનાધ્યક્ષ જનરલ એમ. એમ. નરવણે, ભારતીય નેવીના વડા એડમિરલ કરમબીર સિંહ અને ભારતીય વાયુસેનાના વડા એરમાર્શલ આર.કે.એસ. ભદૌરિયા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ભારતીય સેનાની ત્રણે પાંખના વડાને ચીન સાથેની ૩,૫૦૦ કિમી લાંબી એલએસી પર ચીની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા અને સેના, એરફોર્સ અને નેવીને જમીની સરહદ, હવાઇ સીમા અને દરિયાઇ સીમા પર ચીની ગતિવિધિઓ સામે કડક વલણ અપનાવી ચીની સેનાઓના કોઇ પણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા સૂચના આપી હતી.
ભારતનાં સશસ્ત્ર દળોને એલએસી પર ચીન દ્વારા હુમલાનો કોઇ પણ પ્રયાસ કરાય તો તેનો આકરો જવાબ આપવા સરકાર તરફથી છૂટો દોર આપી દેવાયો છે.
રાજનાથ સિંહ રશિયા પહોંચ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે રશિયાની સૂચક મુલાકાતે પહોંચ્યા છે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર ઉગ્ર તણાવ જારી છે ત્યારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની રશિયા મુલાકાત અત્યંત સૂચક મનાઇ રહી છે. તેથી રવિવારે સંરક્ષણ પ્રધાને સેનાના ટોચના અધિકારીઓની બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ભારત એલએસી પર તણાવમાં વધારો કરશે નહીં, પરંતુ જો ચીન દ્વારા તણાવમાં વધારવા પ્રયાસ કરાશે તો તેને તેની જ ભાષામાં જવાબ અપાશે. અગાઉ સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે, જમીન પરની સ્થિતિના આધારે જરૂરી જણાય તે તમામ પગલાં સેના લઇ શકે છે.
ચીને સ્વીકાર્યું કમાન્ડિંગ ઓફિસરનું મૃત્યુ
ગલવાન ખીણમાં ૧૫ જૂને થયેલી હિંસક અથડામણમાં ચીનનો પણ એક કમાન્ડિંગ ઓફિસર માર્યો ગયો છે. ઘટનાના આશરે એક સપ્તાહ બાદ ચીનની સેનાએ આ વાત સ્વીકારી છે. સૂત્રો મુજબ ચીનની સેનાએ સોમવારે બંને દેશોના લેફ્ટનન્ટ જનરલ સ્તરના અધિકારીઓની બેઠક દરમિયાન આ વાત સ્વીકારી હતી. ચીને સોમવારે પહેલી વાર સ્વીકાર્યું કે ૧૫ જૂને લદાખમાં એલએસી પર થયેલી હિંસક અથડામણમાં તેણે ૨૦થી ઓછા સૈનિકો ગુમાવ્યા.
ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’માં નિષ્ણાતોના હવાલાથી કહેવાયું છે કે સરહદે સંઘર્ષથી બચવા માટે ચીન આ સંખ્યા જણાવવા ઇચ્છતું નથી. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે અમારી જાનહાનિની સંખ્યા ૨૦થી ઓછી છે. જો સાચો આંકડો જણાવાશે તો ભારત સરકાર દબાણ હેઠળ આવશે. અખબારે દાવો કર્યો કે ભારતીય અધિકારી રાષ્ટ્રવાદીને સંતુષ્ટ કરવા માટે ચીનની જાનહાનિનો આંકડો વધારી-ચઢાવીને બતાવી રહ્યા છે.
ચીને જ પલિતો ચાંપ્યોઃ જયશંકર
ચીની વિદેશ પ્રધાને ઘર્ષણના બે દિવસ બાદ ૧૭ જૂને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને ફોન કરી આ મુદ્દે ભારત ઠંડુ પડે એવી અપીલ કરી હતી. ચીની વિદેશ પ્રધાન વાંગ યી સાથેની જયશંકરની વાતચીત પછી બન્ને દેશો શાંતિ જાળવવા સહમત પણ થયા હતા. જયશંકરે ચીન સાથેની વાતમાં સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે જે કંઈ ગરબડ થઈ એ ચીનને કારણે જ થઈ છે. ચીને શાંતિનો ભંગ થાય એવાં પગલાં લીધા તેનું આ પરિણામ છે. આ ગરબડની અસર બન્ને દેશોના સબંધો પર અચૂક પડશે એમ પણ જયશંકરે કહ્યું હતું. જયશંકરે ત્યાં સુધી કહ્યું હતું કે ચીને જે કંઈ કર્યું એ પૂર્વઆયોજિત હતું. એટલે ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કરશો નહીં.
ગલવાન વેલી પર ચીનનો દાવો અસ્વીકાર્ય: ભારત
ચીને ગલવાન વેલી પર કરેલા દાવાને ભારતે ભારપૂર્વકર નકારી કાઢ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, ગલવાન વેલીની સ્થિતિ ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે. ચીન દ્વારા ઊપજાવી કાઢેલા અને ટકી ન શકે તેવા દાવા સ્વીકાર્ય નથી. ચીનનો આ દાવો તેણે ભૂતકાળમાં કરેલા દાવા સાથે જ મેળ ખાતો નથી. ભારતીય સેના ચીન સાથેની સરહદ પરના તમામ સેક્ટરમાં એલએસીની સ્થિતિ સંપૂર્ણપણે જાણે છે. ભારતીય સેના તેનું પાલન પણ કરતી આવી છે. ભારતીય સેનાએ એલએસી પાર કરીને ક્યારેય કોઇ કાર્યવાહી કરી નથી.
ઘણા લાંબા સમયથી ભારતીય સેના ગલવાન વેલીમાં પેટ્રોલિંગ કરતી આવી છે. ભારતીય સેના દ્વારા એલએસી પરના ભારતીય વિસ્તારમાં જ નિર્માણકાર્ય કરાયાં છે. લદ્દાખમાં ચીની સેના દ્વારા ઘૂસણખોરી કરાઈ નથી તેવા વડા પ્રધાન મોદીના નિવેદન પર સર્જાયેલા વિવાદ મધ્યે ચીને સમગ્ર ગલવાન ઘાટી પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શનિવારે શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને ગલવાન વેલી પર બૈજિંગના દાવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
• ઉત્તરાખંડમાં પુલ તૂટતાં સૈન્ય માટે મુશ્કેલી •
હાલમાં ભારત-ચીન વચ્ચે એલએસી પર તનાવની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઉત્તરાખંડમાં ચીની સીમાથી માત્ર ૬૫ કિમીના અંતરે આવેલા પિથોરાગઢ જિલ્લામાં મુનસ્યારી-મિલને જોડતો પુલ તૂટી જતાં ૧૫થી વધુ ગામ સંપર્કવિહોણા બની ગયા છે. વજનદાર પોકલેન્ડ મશીનને લઈ જતી મોટી ટ્રક સેનરગાડ નદી પર બનેલા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ભારથી બ્રિજ તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. બ્રિજ તૂટી જતાં ૧૫થી વધુ ગામોની સાથે સીમા પર તૈનાત સૈન્ય સાથેનો સડક સંપર્ક કપાઈ ગયો હતો. ૨૦૦૯માં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા બ્રિજનું નિર્માણ કરાયું હતું. ૧૮ ટન વજન સહન કરવાનની ક્ષમતા ધરાવતા બ્રિજ પર ૨૬ ટનના પોકલેન્ડ સહિતની ટ્રક ચડાવી દેવાતા આ અકસ્માત થયો હતો.