લંડનઃ મોટા ભાગના બ્રિટિશરો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરતા હોવાના અહેવાલો છતાં નિયમોની અવગણના કરનારા બ્રિટિશરોની સંખ્યા પણ ઓછી નથી. ઈસ્ટરના શોકાતુરો પુષ્પાંજલિ કરવા પહોંચી ન જાય તે માટે કાઉન્સિલોએ કબ્રસ્તાનોને તાળાં મરાવી દીધા હતા. બીજી તરફ, બ્રિટિશરો ૭૩ ફે. ગરમીમાં સૂર્યસ્નાનનો લાભ લેવા સમુદ્રતટો અને પાર્ક્સમાં ઉમટી પડ્યા હતા.
બ્રિટનમાં કોરોના વાઈરસના ફેલાવાને કાબુમાં લેવા જંગ કેલાઈ રહ્યો છે અને ચેપગ્રસ્તોની સંખ્યા ૮૪,૦૦૦ને પાર થઈ છે ત્યારે દેશભરમાં બ્રિટિશરો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવાના બદલે ઈસ્ટર સન્ડેના દિવસે સૂર્યસ્નાન અને પગપાળા ફરવા માટે નીકળી પડ્યા હતા. ગ્રીનિચ, લેમ્બેથ અને બેટરસી પાર્ક્સ તેમજ ઈસ્ટ સસેક્સના બીચી હેડ ખાતે હુંફાળા હવામાનને માણવા લોકો ઉભરાયા હતા. ઘણા લોકોએ બ્રાઈટનના પાયર પર સ્કૂબા ડાઈવિંગ અને ફિશિંગની પણ મોજ માણી હતી.
સરકારના સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરાવવા માટે બે સપ્તાહ સુધી બંધ રખાયેલા લંડનના વિક્ટોરિયા પાર્કના દરવાજા ખોલી નખાયા પછી લોકો ત્યાં સૂર્યસ્નાન માટે ઉમટ્યા હતા. પોલીસે અનેક સ્થળોએ નિયમોના ભંગ કરવા બદલ લોકોને દંડ પણ કર્યો હતો. ડરહામના સ્ટોકટોન ખાતેની પ્રોપર્ટીમાં મોટી હાઉસ પાર્ટીને પોલીસે વિખેરી હતી. ગેરકાયદે ભીડને કાબુમાં લેવા ચાર પેરામેડિક્સ સાથે બે ડઝન પોલીસ ઓફિસરોએ કામગીરી બજાવવી પડી હતી.