લંડનઃ યુકેમાં લોકડાઉન વધુ ત્રણ સપ્તાહ માટે લંબાવાયું છે. લોકડાઉનમાં શું કરવાની પરવાનગી છે અને શું નહિ કરી શકાય તેનું ચેકલિસ્ટ પોલીસ દ્વારા જારી કરાયું છે. ઘરની બહાર નીકળવા માટેના વાજબી કારણો દર્શાવાયા છે જેમાં, લક્ઝરી આઈટમ્સ અને આલ્કોહોલ સહિત કેટલાક દિવસો માટે ખાદ્યપદાર્થોની ખરીદી ઉપરાંત, મિત્રો પાસેથી વધારાની બેઝિક ફૂટ આઈટમ્સ મેળવવા લોકોને છૂટ અપાશે પરંતુ, કિચનને રિડેકોરેટ કરવા પેઈન્ટ્સ જેવી અનાવશ્યક વસ્તુઓ ખરીદવા બહાર જવાની છૂટ નથી.
લોકડાઉનમાં શું કરી શકાશે
નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ અને કોલેજ ઓફ પોલિસિંગ દ્વારા જારી કરાયેલી યાદી એમ પણ જણાવે છે કે લોકોને મિત્ર પાસેથી વધારાની પાયારુપ ખોરાકી ચીજો એકત્ર કરવા જવાની છૂટ મળવી જોઈએ. આ ઉપરાંત, ઘરમાં દલીલબાજીઓ પછી ગુસ્સાને શાંત કરવા થોડા દિવસ મિત્રને ત્યાં રહેવા જવા અથવા અસુરક્ષિત લોકોને સપોર્ટ કરવાની પણ છૂટ અપાઈ છે.
પોલીસે લોકોને શરાબ ખરીદવા, પાલતુ પ્રાણીને વેટરનરી ડોક્ટર પાસે લઈ જવા અથવા લોકડાઉન દરમિયાન લાંબુ ચાલવા દરમિયાન આરામ અને ભોજન કરવા અટકવાની પણ છૂટ આપી છે. ચાલવા માટે વાહન હંકારી કન્ટ્રીસાઈડ જવાની છૂટ છે પરંતુ, ડ્રાઈવિંગ કરતા ચાલવામાં વધુ સમય લેવાવો જોઈએ.
દોડવા, સાઈકલ ચલાવવા, યોગ કરવા, કન્ટ્રીસાઈડ કે શહેરોમાં ચાલવા જેવી સ્વીકાર્ય કસરત માટે છૂટ છે.
કર્મચારીઓ માટે ઘેર રહીને કામ કરવું શક્ય ન હોય તેવા સંજોગોમાં ચાવીરુપ અથવા સામાન્ય સ્ટાફ હોય તો પણ કામ કરવા જવા પ્રવાસની છૂટ છે.
શું કરવાની પરવાનગી નથી.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કિચનના રંગરોગાન કે ડેકોરેશન માટે પેઈન્ટ અને બ્રશ ખરીદવા જવું તે યોગ્ય કારણ નથી.
ટુંકા સમયની કસરત માટે લાંબો સમય ડ્રાઈવિંગ કરવા પર પ્રતિબંધ છે. પાર્ક બેન્ચ સુધી ટુંકુ ચાલવા જવું વાજબી કારણ નથી કારણકે લોકો બેન્ચ પર લાંબો સમય બેસી રહે છે.
પોલીસ એમ પણ કહે છે કે જો ઘરમાં રહીને કામ કરી શકાતું હોય તો વ્યક્તિએ સ્થાનિક પાર્કમાં બેસીને કામ કરવું નહિ. આ ઉપરાંત, રોકડિયા કામકાજ માટે લોકોના બારણા ખટખટાવવા ન જોઈએ.
પ્રિસ્ક્રીપ્શન રિન્યુ કરાવવા વેટરનરી ડોક્ટરની સર્જરીની મુલાકાત લઈ શકાશે નહિ કારણકે આ કાર્ય ફોન દ્વારા કરી શકાય છે.
આ ઉપરાંત, ૨૩ માર્ચે લોકડાઉન જાહેર કરાયું તે મુજબ સામાજિક મેળમિલાપ માટે મિત્રોને તેમના ઘરે મળવા જવું અથવા જાહેરમાં લોકોને મળવા પર પણ પ્રતિબંધ છે.