લોકલ કાઉન્સિલ ઇલેક્શનઃ ન કોઈ જીતા, ન કોઈ હારા

Wednesday 09th May 2018 06:28 EDT
 
 

લંડનઃ દેશની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી માટે ‘ન કોઈ જીતા, ન કોઈ હારા’ જેવો તાલ થયો છે. બ્રિટિશ રાજકારણમાં ત્રિશંકુની સ્થિતિ જોવાં મળી છે. પરિણામો જાહેર થઇ ગયા છે, પણ પરિસ્થિતિમાં ખાસ કંઇ પરિવર્તન જણાતું નથી. લાખો લોકોએ ૩ મેના રોજ ૧૫૦ કાઉન્સિલની કુલ ૪,૩૭૧ બેઠક માટે મતદાન કર્યું હતું, જેને ગત સામાન્ય ચૂંટણી પછી લોક-લાગણીના સૌથી મહત્ત્વના પરીક્ષણ તરીકે જોવામાં આવે છે.
શાસક કન્ઝર્વેટિવ અને વિપક્ષ લેબર પાર્ટી વચ્ચે વધુમાં વધુ કાઉન્સિલો પર અંકુશ મેળવવા રસાકરી હતી. પરિણામ અનુસાર, લેબર પાર્ટીએ ૭૪ કાઉન્સિલ કબ્જે કરીને ૨,૩૫૦ બેઠકો પર અને શાસક ટોરી પાર્ટીએ ૪૬ કાઉન્સિલ કબ્જે કરીને ૧,૩૩૨ બેઠકો પર વિજય મેળવ્યો છે.
પૂર્વ લંડનની ન્યૂહામ બરો કાઉન્સિલમાં ભરૂચ જિલ્લાના વતની બે યુવતી - બે યુવાન ચૂંટાયા છે તે નોંધનીય છે.
મતદાન અગાઉ એમ જણાતું હતું કે લેબર પાર્ટી ટોરીઝને ધોબીપછાડ આપશે અને ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં ધારી બહુમતી મેળવી નહિ શકનાર વડા પ્રધાન થેરેસા મેની સરકાર પર સંકટના ઘેરા વાદળ છવાઈ જશે. જોકે, આમ થયું નથી.
લેબર પાર્ટીને કાઉન્સિલોમાં સાધારણ સરસાઈનો વધારો હાંસલ થયો છે, જ્યારે કન્ઝર્વેટિવ્સને માત્ર બે કાઉન્સિલમાં અંકુશ ગુમાવવાનું સહન કરવાનું આવ્યું છે. બ્રેક્ઝિટવિરોધી વિસ્તારોમાં કન્ઝર્વેટિવ્સને સફળતા હાંસલ થઈ નથી. બીબીસી દ્વારા પરિણામો પર આધારિત રાષ્ટ્રીય મતહિસ્સાનું અનુમાન લગાવાયું હતું, જેમાં બંને મુખ્ય પક્ષોને લગભગ ૩૫ ટકા મત મળ્યા છે.

કન્ઝર્વેટિવ્ઝની સફળતાને બિરદાવતાં થેરેસા મે

વડા પ્રધાન થેરેસા મેએ ઈંગ્લેન્ડની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ભવ્ય વિજયની આગાહીઓ કરાઈ હતી તેવી પરિસ્થિતિમાં કન્ઝર્વેટિવ્ઝની સફળતાને બિરદાવી હતી.
વડા પ્રધાને મધ્યસત્ર સામાન્ય ચૂંટણીના સૂચનને હસી કાઢ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સ્થાનિક ચૂંટણીઓમાં આંચકાજનક પરિણામો પછી તેમણે સામાન્ય ચૂંટણીઓ જાહેર કરી હતી.
શાસક કન્ઝર્વેટિવ પાર્ટીએ રાજધાની લંડનની બહાર લેબરની ચાવીરુપ કાઉન્સિલો એમ્બર વેલી, વોલ્સાલ અને સ્વીન્ડનમાં પ્રભુત્વ મેળવ્યું હતું જ્યારે પીટરબરા અને બેસિલડન કાઉન્સિલો આંચકી લીધી હતી.

‘નક્કર પરિણામો’ઃ જેરેમી કોર્બીન

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તમાચો મારીને પોતાના ગાલને લાલ રાખતા આ ચૂંટણી પરિણામોને ‘નક્કર’ ગણાવ્યા હતાં.
પરિણામો જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં મેળવેલા લાભને સુગઠિત બનાવ્યો છે. ઘણા સ્થળે નિષ્ફળતાને સ્વીકારતા તેમણે કહ્યું હતું કે આમ છતાં, સમગ્રતયા સમગ્ર દેશમાં પાર્ટીને લાભ મળ્યો છે.
પાર્ટીના ‘જેરેમી મધ્યાહ્ન’નો અંત આવ્યાના સૂચનને તેમણે ફગાવી દીધું હતું. પાર્ટીએ ૫૦થી વધુ બેઠકનો લાભ મેળવ્યો હતો છતાં, વેસ્ટ યોર્કશાયરની માત્ર બે કાઉન્સિલ પ્લીમથ અને કિર્કલીઝમાં અંકુશનો લાભ મેળવ્યો છે.

લેબર પાર્ટીએ લંડનમાં બેઠકો વધારી

લંડનની પ્રતિષ્ઠાજનક કાઉન્સિલોમાં ટોરીઝે લેબરના આક્રમણને ખાળ્યું છે. લેબર પાર્ટીએ લંડનમાં બેઠકો વધારી છે પરંતુ, દાયકાઓનાં લાંબા સમયથી ટોરીઝના કિલ્લા સમાન વોન્ડ્સવર્થ, કેન્સિંગ્ટન, બાર્નેટ, વેસ્ટમિન્સ્ટર અને ચેલ્સીમાં અંકુશ મેળવવામાં તેને નિષ્ફળતા મળી હતી.
લેબર પાર્ટીની એન્ટિસેમિટિઝ કટોકટીએ વિશાળ યહુદી વસ્તી ધરાવતા બાર્નેટ વિસ્તાર ટોરીઝ પાસેથી આંચકી લેવાની યોજના નિષ્ફળ બનાવી હતી.
ટોરી પાર્ટીએ ગ્રેટર માન્ચેસ્ટરમાં તેમની એક માત્ર કાઉન્સિલ ટ્રેફોર્ડ પરનો અંકુશ ગુમાવ્યો છે. બન્ને પાર્ટીએ ઈંગ્લેન્ડમાં અન્યત્ર ચાવીરુપ વિસ્તારોમાં અંકુશ ગુમાવ્યો હતો. મુખ્ય પક્ષોને લંડન અને લંડનની બહાર મળેલાં લાભની સ્થિતિ અલગ રહી હતી. લેબર પાર્ટીએ કેપિટલમાં ૬૫ કાઉન્સિલર્સ સાથે લાભ મેળ્યો હતો, જ્યારે કન્ઝર્વેટિવ્ઝે ૯૦ બેઠક ગુમાવી હતી. લંડન સિવાયના બાકીના ઈંગ્લેન્ડમાં ટોરીઝને ૫૭ બેઠકનો લાભ થયો હતો, જ્યારે લેબરને વધારાની ૧૨ બેઠક મળી હતી. લિબ ડેમ્સ અને ગ્રીન પાર્ટીને બાકીના ઈંગ્લેન્ડની સરખામણીએ લંડનમાં વધુ કાઉન્સિલ બેઠકો મળી હતી.
સર વિન્સ કેબલના નેતૃત્વ હેઠળ લિબરલ ડેમોક્રેટ્સને રીમેઈનતરફી ટોરી વિસ્તારોમાં સફળતા સાથે સ્થાનિક ચૂંટણીઓ ફળી છે. તેણે સાઉથ કેમ્બ્રિજશાયર, કેન્સિંગ્ટન અને રિચમન્ડ સહિત નવ કાઉન્સિલ પર અંકુશ મેળવ્યો હતો. બીજી તરફ, ગત સ્થાનિક ચૂંટણીઓની સરખામણીએ વર્તમાન ચૂંટણીમાં UKIP નો રકાસ થયો હતો. ટોરીઝને UKIP ના મતના ધોવાણનો વિશેષ લાભ મળ્યો હતો. સંસદીય પેટાચૂંટણીમાં સિન ફિન પાર્ટીએ વેસ્ટ ટાયરોન બેઠક જાળવી રાખી છે.

મેયરપદની ચૂંટણીમાં લેબરનો દબદબો

સ્થાનિક ચૂંટણીઓની સાથોસાથ શેફિલ્ડ, હેકની, લેવિશામ, ન્યૂહામ, ટાવર હેમલેટ્સ અને વોટફોર્ડમાં મેયરપદની ચૂંટણી પણ યોજાઈ હતી.
શેફિલ્ડ સિટી એરિયા માટે મેયરની આ પ્રથમ ચૂંટણી હતી. લેવિશામમાં લેબર પાર્ટીના ડેમિયન એગાન, ટાવર હેમલેટ્સમાં લેબર પાર્ટીના જ્હોન બિગ્સ, વોટફોર્ડમાં લિબરલ ડેમોક્રેટ્સના પીટર ટેઈલર, ન્યૂહામમાં લેબર પાર્ટીના રુખસાના ફીઆઝ, હેકનેમાં લેબર પાર્ટીના ફિલ ગ્લાનવિલે, શેફિલ્ડ સિટીમાં લેબર પાર્ટીના ડાન જાર્વિસ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter