મૈસુરઃ ભારત દેશમાં ભલે રાજાશાહી પ્રવર્તતી હોય, પણ એક સમયે રજવાડું સંભાળનાર પરિવારો આજે પણ ભૂતકાળને ભૂલવા તૈયાર નથી. આથી જ કર્ણાટકમાં આવેલા મૈસુરના રાજપરિવાર માટે ૨૯ મે, ગુરુવારનો દિવસ ખાસ બની રહ્યો હતો. સન ૧૩૯૯થી ચાલી આવતી મૈસૂરની રિયાસતને નવા ‘રાજા’ મળ્યા છે. અંબા વિલા પેલેસમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં યદુવીરના કપાળે રાજતિલક કરાયું હતું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સાથે જ ભલે દેશમાં રાજાશાહી ખતમ થઈ ગઈ હોય, જોકે મૈસૂરમાં રાજાનું આજે પણ વિશેષ મહત્ત્વ છે.
યદુવીર મૈસૂરના ૨૭મા રાજા બન્યા છે. રાજ્યાભિષેકની વિધિ ૧૧૮ મિનિટ ચાલી હતી. જેમાં ૧૫ મંદિરના ૪૦ પૂજારીઓએ પૂજાઅર્ચના કરી હતી. આ પ્રસંગે કર્ણાટકના ટોચના રાજકીય નેતાઓથી માંડીને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રૂ. ૧૦ હજાર કરોડનો વારસો
અમેરિકાના બોસ્ટનમાં ઇકોનોમિક્સ અને અંગ્રેજીમાં ગ્રેજ્યુએટ થયેલા યદુવીરને ટેનિસ રમવાનો અને વાંચનનો શોખ છે. વડિયાર પરિવાર પાસે કુલ ૧૦ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. અલબત્ત, મૈસુર, બેંગલુરુ અને હાસનમાં ફેલાયેલી આ ૧૫૦૦ એકર જમીન અંગે વિવાદ ચાલે છે.
રાજગાદી ખાલી હતી
મૈસૂરવાસીઓએ પોતાના રાજા પસંદ ન કર્યા હોવાથી છેલ્લા બે વર્ષથી રાજગાદી ખાલી હતી. સૌપ્રથમ ૧૩૯૯માં મૈસૂર પર આ વાડિયાર રાજઘરાનાએ રાજ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી રાજાની તાજપોશી કરવામાં આવે છે. છેલ્લે ૧૯૭૪માં મૈસૂરના રાજાનું પદ હાલ રાજા બનેલા યદુવીરના કાકા શ્રીકાંતદત્તા નરસિંહા વાડિયારે સંભાળ્યું હતું. જોકે શ્રીકાંતદત્તાનું બે વર્ષ પૂર્વે ૨૦૧૩માં નિધન થયા બાદ આ પદ ખાલી હતું. તેમને કોઈ સંતાન ન હોવાથી તેમના ભત્રીજા યદુવીરને રાજા બનાવવામાં આવ્યા છે.
દશેરા પર્વે રાજાનું મહત્ત્વ
ભારતમાં જે રીતે દશેરાની ઉજવણી થાય છે તેવી જ રીતે મૈસૂરમાં પણ ઉજવણી થાય છે. જોકે મૈસૂરના દશેરાની ખાસિયત એ છે કે અહીં રાજા દ્વારા આ તહેવારને ખુલ્લો મૂકવામાં આવે છે. અહીં આવેલા અંબા વિલા પેલેસને રોશનીથી શણગારમાં આવે છે. મૈસૂરની શેરીમાં એક હાથી પર ૭૫૦ કિલો સોનાથી બનેલ યમૂનદેશ્વરી દેવીની મૂર્તીને મૂકી ફેરવવામાં આવે છે, અને આ પરંપરાને રાજા અને રાણી દ્વારા નિભાવવામાં આવે છે, જેને મૈસૂરની જનતા વધાવે છે.
લોકતંત્રમાં રાજતંત્ર
સન ૧૯૪૭ પહેલા મોટા ભાગના રાજ્યોમાં રાજપુતોનું પણ રાજ હતું. હવે જે રાજતિલક થઈ રહ્યા છે તે ઔપચારિક જ હોય છે. જોકે મૈસૂરવાસીઓ આજે પણ પોતાના રાજાને માનપાન આપે છે. અહીં કેટલાક તહેવાર આજે પણ જનતા પરંપરાગત રીતે રાજાને સામેલ કરીને જ ઊજવે છે.
સંપત્તિનો મામલો કોર્ટમાં
કર્ણાટક સરકાર મૈસૂરની સંપત્તિને હસ્તગત કરવા માગે છે, જેને પગલે આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. મૈસૂરમાં અત્યાર સુધી જે પણ રાજા આવ્યા તેમાંથી મોટા ભાગનાને કોઈ સંતાન ન હોવાથી સંપત્તિનો વિવાદ રહ્યો છે.
યદુવીર સામે પડકાર
નવા ‘રાજા’ યદુવીર માટે સૌથી મોટો પડકાર પરિવારમાં ચાલી રહેલી સંપત્તિ માટેની ખેંચતાણ છે. યદુવીરે રાજગાદી સંભાળી તે પહેલા આ પદ પર તેમના કાકા શ્રીકાંતદત્તા હતા, જેમને કોઈ સંતાન નહોતું અને તેમનું નિધન ૨૦૧૩માં થયું. જોકે તેમના ગયા બાદ સંપત્તિનો વિવાદ શરૂ થયો. શ્રીકાંતદત્તાએ સંપત્તિની વહેંચણી નહોતી કરી કે ન તો કોઈ વારસદારની વિલ કરાવી હતી. હવે પરિવારના અન્ય સભ્યો સંપત્તિની વહેંચણી કરવા માગે છે. યદુવીરના સાવકા ભાઈ કંઠરાજ ઉર્સે પણ સંપત્તિમાં ભાગની માગણી કરી છે.