બર્લિનઃ જર્મનીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીએ બર્લિનના પોટ્સડેમર પ્લાઝા થિયેટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા લોકોના દિલ જીતી લીધા હતા. વડા પ્રધાને લગભગ એક કલાકની સ્પીચમાં પોતાની સરકારના કામકાજ ગણાવ્યા તો વડા પ્રધાને કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા. મોદીએ કહ્યું કે અમારી સરકારના કાર્યકાળમાં મોટી સંખ્યામાં લોકોના ખાતામાં સીધો લાભ પહોંચ્યો છે, વગર કોઈ વચેટિયાએ. કોઈ કટ મની પણ નહીં. હવે કોઈ વડા પ્રધાનને નહીં કહેવું પડે કે હું એક રૂપિયો મોકલું છું તો 15 પૈસા જ પહોંચે છે. વડા પ્રધાને નામ લીધા વગર કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે કયો પંજો હતો જે 85 પૈસા લઈ લેતો હતો.
તેમણે કહ્યું હતું કે આજે દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પહેલા જ્યાં જાવ ત્યાં વર્ક ઈન પ્રોગ્રેસનું બોર્ડ જોવા મળતું હતું. હવે દેશ પણ તે જ છે, ફાઈલ પણ તે જ, સરકારી મશીનરી પણ તે જ છે પરંતુ દેશ બદલાય ગયો છે. હવે ભારત નાનું નથી વિચારતું.
ભારતનો યુવાન ઇચ્છે છે ઝડપી વિકાસ
વડા પ્રધાને કહ્યું કે આજનો ભારતીય, આજનો યુવાન ભારતીય દેશનો ઝડપી વિકાસ ઈચ્છે છે. તે જાણે છે કે તેના માટે રાજકીય સ્થિરતા અને પ્રબળ ઈચ્છાશક્તિ કેટલી જરૂરી છે. તેથી ભારતના લોકોએ ત્રણ દશકાથી ચાલી આવતા રાજનીતિક અસ્થિરતાના વાતાવરણને એક બટન દબાવીને ખતમ કરી દીધો. આજનું ભારત મન બનાવી ચુક્યો છે, સંકલ્પ લઈને આગળ વધી રહ્યું છે. અને તમે પણ જાણો છો કે જ્યારે કોઈ દેશ મન બનાવી લે છે તો તેઓ દેશને નવા રસ્તે લઈ જાય છે.
આ 21મી સદીનું ભારત છે
વડા પ્રધાને કહ્યું કે સકારાત્મક બદલાવ અને ઝડપી વિકાસની આકાંક્ષા હતી જેના કારણે 2014માં ભારતની જનતાએ પૂર્ણ બહુમતીવાળી સરકાર પસંદ કરી. આ ભારતની મહાન જનતાની દિર્ઘદૃષ્ટિ છે કે વર્ષ 2019માં તેમને દેશની સરકારને પહેલાંથી પણ વધુ મજબૂત બનાવી દીધી. આજે હું મારી નહીં, કરોડો ભારતીયો, જેમાં તમે પણ સામેલ છો તેની વાત કરીશ. મોદીએ કહ્યું કે 21મી સદીનો આ સમય ભારત માટે, ભારતીયો માટે ઘણો જ મહત્વપૂર્ણ છે.
સીએમ હતા ત્યારની વાત યાદ કરી
મને યાદ છે કે હું ગુજરાતના મુખ્ય પ્રધાનની નોકરી કરતો હતો ત્યારે બાબુઓને પૂછતો કે બાળકો શું કરે છે, ત્યારે તેઓ કહેતા હતા IASની તૈયારી. આજે ભારત સરકારના બાબુઓને પૂછું છું કે બાળકો શું કરે છે તો કહે છે કે સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે. આજે નવા ડ્રોન બનાવવા હોય કે નવું કામ કરવું હોય તો ભારત યોગ્ય વાતાવરણ છે. આ ઘણું મોટું પરિવર્તન છે.
યોગ આપણી તાકાત
આપણાં યોગ, આપણી ટ્રેડિશનલ મેડિસિન આપણી તાકાત છે. ભારતના ઋષિ મુનિઓના યોગની એટલી તાકાત છે કે તમે નાક પકડાવવાનું શીખવીને ડોલર કમાઈ શકો છો. 21 જૂને ઈન્ટરનેશનલ યોગ ડે છે, ત્યારે અત્યારથી ગ્રુપ બનાવીને દરેકને યોગ શીખવી દો.
તળાવ બનાવવામાં સહયોગ આપો
દેશમાં 500 દિવસમાં 50 હજાર તળાવ બનશે કે જૂનાં તળાવોને ઠીક કરવામાં આવશે. તમે આ અભિયાન સાથે જોડાય શકો છે. તમે જે ગામડાંમાંથી આવો છો ત્યાં અમૃત સરોવર બનાવવા સહયોગ કરો. તમને પણ આનંદ આવશે. આપણે તો વસુધૈવ કુટુંમ્બકમવાળા લોકો છીએ. તમારા દરેક સપનાં પૂરાં થાય તે મારી તમને શુભેચ્છા છે.
ભારત-જર્મની વચ્ચે ગ્રીન એનર્જી ક્ષેત્રે કરાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારી પછી પ્રથમ વખત વિદેશ પ્રવાસે નીકળ્યા છે. તેઓ સોમવારે જર્મની પહોંચ્યા હતા. જ્યાં મોદીની મુલાકાત જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે થઈ હતી. મોદીનું અહીં રહેતા ભારતીયો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વચ્ચે ગ્રીન અને અક્ષય ઊર્જાના ક્ષેત્રે કરાર થયા છે. આ ઉપરાંત જર્મનીએ બંને વચ્ચેના દ્વિપક્ષીય સહકાર માટે આગામી વર્ષોમાં દસ બિલિયન યુરો પૂરી પાડવાની ખાતરી આપી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે વિકાસશીલ અને ગરીબ દેશો પર રશિયા-યૂક્રેન વચ્ચેના વર્તમાન યુદ્ધની ભારે અસર થશે. આ સંઘર્ષના માનવીય પ્રભાવને લઈને ભારત ઘણું ચિંતિત છે. ભારતે પોતાની તરફથી યૂક્રેનને માનવીય સહાય મોકલી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે લોકતાંત્રિક દેશો તરીકે ભારત અને જર્મની ઘણા સમાન મૂલ્યો ધરાવે છે. આ સંયુક્ત મૂલ્યો અને સંયુક્ત હિતોના આધારે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોમાં મજબૂત વૃદ્ધિ થઈ છે. આ વર્ષે પહેલી વિદેશ યાત્રા જર્મનીથી શરૂ થવા બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.