રૂ. ૧૧૫૦ કરોડનું લોન કૌભાંડઃ નિક પટેલને ૨૫ વર્ષની કેદ

Wednesday 14th March 2018 07:26 EDT
 
 

ઓર્લાન્ડોઃ ફ્લોરિડા સ્ટેટના બિઝનેસમેન નિકેશ ઉર્ફે નિક પટેલને ૧૭.૯ કરોડ ડોલરના લોન કૌભાંડમાં ૨૫ વર્ષની કેદ થઇ છે. હોટેલઉદ્યોગ સાથે સંકળાયેલો નિક ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૧૭.૯ કરોડ ડોલર એટલે કે રૂ. ૧૧૫૦ કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં દોષિત ઠર્યો હતો.

જુદા જુદા નામે ૨૬ લોન

અહેવાલ અનુસાર, નિક પટેલે ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન પેનન્ટ મેનેજમેન્ટને લોન આપવાના નામે લોન મંજૂર કરાવી હતી અને પછી લોનની આ રકમ પોતાની પાસે રાખી લીધી હતી.
આ લોન કૌભાંડના કારણે પેનન્ટ મેનેજમેન્ટ કંપનીને તાળા લાગી હતા અને પેનન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી બીજી ઘણી કંપનીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડયું હતું. ફ્લોરિડામાં નિક પટેલે ફર્સ્ટ ફાર્મર્સ ફાઈનાન્શિયલ કંપની શરૂ કરી હતી અને એ કંપનીના નામે હોટેલના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું.
લોન વેચવાના બહાને નિક પટેલે જુદા જુદા બનાવટી નામે લગભગ ૨૬ જેટલી લોનની રકમ પોતાની કંપની માટે મેળવી લીધી હતી. બાદમાં આ રકમ તેણે તેની ભવ્ય લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચી નાખી હતી. કોર્ટની સુનાવણી વખતે હાજર રહેવા માટેય તે ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરતો હતો એ જ વાત તેની જાહોજલાલી ભરી જીવનશૈલી દર્શાવે છે.

જામીન પર છૂટ્યા બાદ ફરી કૌભાંડ આચર્યું

૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન આચરાયેલા આ લોન કૌભાંડમાં સપ્ટેમ્બર-૨૦૧૪માં નિક પટેલની ધરપકડ કરાઇ હતી. ૨૦૧૬માં દોષિત જાહેર થયા પછી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેણે તમામ કંપનીઓને પૈસા પરત ચૂકવી દેવાની કોર્ટને ખાતરી આપીને ૨૦૧૬માં જામીન મેળવ્યા હતા.
કોર્ટે એવી આશાએ તેને જામીન આપ્યા હતા કે તે જેલમાંથી છૂટીને જે કંપનીઓ સાથે છેતરપિંડી કરી છે તેને વળતર આપી દેશે. જોકે જેલમાંથી છૂટયા બાદ ફરી તેણે ૧.૯ કરોડ ડોલર એટલે કે અંદાજે ૧૨૩ કરોડ રૂપિયાનું લોન કૌભાંડ આચર્યું હતું.

મિત્ર સાથે એરપોર્ટ પરથી ઝડપાયો

ગત છઠ્ઠી જાન્યુઆરીએ નિક પટેલ અને તેના મિત્ર કેવિન તિમિરચંદને ફ્લોરિડાના કિસિમી એરપોર્ટ પરથી ઇક્વાડોર ભાગી જવાની પેરવી કરતા એફબીઆઇએ ઝડપી લીધા હતા.
બન્ને ઝડપાયા ત્યારે તેમની પાસેથી ૨૦-૨૦ હજાર ડોલર જેટલી જંગી રોકડ, આઠ મોબાઇલ ફોન ઉપરાંત બેગમાંથી રહસ્યમય વ્હાઈટ પાવડર પણ મળી આવ્યો હતો. આ પાવડર નશીલો પદાર્થ છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
નિક પટેલ ઇક્વાડોર જતો રહે તેના બીજા જ દિવસે પત્ની ત્રિશા અને તેના બાળકોને લઈને ઇક્વાડોર જાય એવું આયોજન હતું, પણ આ આખો પરિવાર એફબીઆઈની નજરથી બચી શક્યો ન હતો.
ભારતમાં જેમ કરોડોના આર્થિક કૌભાંડ આચરીને વિજય માલ્યા, લલિત મોદી, નિરવ મોદી જેવા બિઝનેસમેન બીજા દેશમાં જઇ વસ્યા છે એવું જ આયોજન ગુજરાતી મૂળના નિકેશ પટેલ અને તેના સાથીદાર કેવિન તિમિરચંદનું હતું. જોકે, અમેરિકન પોલીસે નિક પટેલને ઝડપી લઈને આવા કૌભાંડીઓને કઈ રીતે પકડી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

હીરા ખરીદી મની લોન્ડરીંગનો ઇરાદો હતો

નિક પટેલે અમેરિકાના કાયદાથી બચવા માટે સાઉથ અમેરિકન દેશ ઇક્વાડોરમાં સેટ થઈ જવાનો તખ્તો તૈયાર કર્યો હતો. આ અગાઉ અમેરિકન આરોપીઓ - જુલિયસ અસાંજે અને એડવર્ડ સ્નોડેન પણ ઈક્વાડોરમાં આશ્રય લઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇક્વાડોર વચ્ચે પ્રત્યાર્પણના કરારો નથી. આ છીંડાનો લાભ લેવા માટે નિક પટેલે પણ પત્ની અને સંતાનો તેમજ સાથીદાર કેવિન તિમિરચંદ સાથે ઇક્વાડોર જઈને બિઝનેસ સેટ કરવાની યોજના ઘડી હતી.
નિક તો ૩.૩ કરોડ ડોલરના ખર્ચે વિશ્વના અજોડ હીરાનો સોદો પાર પાડવાની પેરવીમાં હતો. આ રીતે તે લોન કૌભાંડમાંથી મળેલી જંગી રકમને મની લોન્ડરીંગ થકી બચાવી લેવા માંગતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter