લોસ એન્જલસઃ કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જલસની આગ અમેરિકાનાં ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વિનાશક પુરવાર થઈ છે. અમેરિકાની ઈકોનોમીને આગને કારણે 150 બિલિયન ડોલર કરતાં વધુ નુકસાન થવાની ધારણા છે. કેલિફોર્નિયામાં વીમા ક્ષેત્રે તેણે અભૂતપૂર્વ કટોકટી સર્જી છે. કુદરતી હોનારત માટે મકાનમાલિકોએ કેટલો વીમો ઉતરાવ્યો છે તેનાં પર બધો આધાર છે. જે.પી. મોર્ગનનાં અંદાજ મુજબ વીમા સાથેનું નુકસાન 20 બિલિયન ડોલર અને વીમા છત્ર વિનાનું નુકસાન 100 બિલિયન ડોલરનો આંક વટાવી જાય છે. અંદાજિત નુકસાન 2017નાં ટબ્સ ફાયર અને 2018નાં કેમ્પ ફાયર કરતાં પણ વધારે છે. 12,000 કરતા વધુ મકાનો અને મોંઘી ઈમારતો આગમાં ખાખ થઈ ગઈ છે જેની સરેરાશ કિંમત 30 લાખ ડોલર જેટલી છે. વિકરાળ આગમાં કેલિફોર્નિયાની વાર્ષિક જીડીપીનાં 4 ટકા જેટલું નુકસાન થયું છે.
12,000થી વધુ મકાનો સળગીને ખાખઃ 24ના મૃત્યુ
લોસ એન્જલસની આગમાં 12,000થી વધુ મકાનો સળગીને ખાખ થઈ ગયા છે. 24 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે રાહત અને બચાવ કામગીરી પૂરી થયા પછી સાચો મૃત્યુઆંક જાણવા મળશે. ત્રણ સ્થળે આગને કાબૂમાં લેવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી છે. હજી બીજા ત્રણ સ્થળે આગની જવાળાઓ લપકારા લઈ રહી છે. લોસ એન્જલસનાં આકાશમાં ધૂમાડાનાં કાળા વાદળો છવાયા છે. જેમનાં મકાનો સળગી ગયા છે તે સેલિબ્રિટીઝ અને રહીશો હજી તેનાં આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. લોસ એન્જલસનાં ટાઉનટાઉનથી ઉત્તરે 40 કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલી આગે 36,000 એકર જમીનને ભસ્મીભૂત કરી નાંખી છે.
બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર
આગની લપેટોમાં ફસાયેલા વિસ્તારમાંથી આશરે 2 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. બીજા બે લાખથી વધુ લોકો અંધારપટમાં ફસાયા છે. રહેણાંક વિસ્તારો અને રસ્તા પર પાક કરેલા વાહનો આગની લપેટમાં ભરખાઈ ગયા છે.
સૂકું હવામાન અને તેજ હવાથી આગ પ્રસરી
નિષ્ણાતોના મતે કેલિફોર્નિયાના સુકા હવામાન અને તેજ હવાને કારણે આગ કાબુમાં આવી શકતી નથી. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ સ્થળે આગને કાબુમાં લઈ શકાઈ છે. જ્યારે બાકીના સ્થળે આગની જવાળા લપકારા મારી રહી છે.
ખાલી મકાનોમાં ચોરી-લૂંટફાટ
કેલિફોર્નિયાનાં ધનિક અને સમુદ્ર શહેર લોસ એન્જલસનાં જંગલોમાં લાગેલી આગ તોફાની પવનને કારણે બેકાબૂ બનીને અન્ય વિસ્તારોને તેની લપેટમાં લઈ રહી છે. લાખો લોકોએ ભગ્ન હૃદયે તેમનાં આગમાં ખાખ થઈ રહેલા મકાનોને છોડીને સલામત સ્થળે ભાગવું પડયું છે. લોસ એન્જલસમાં ધનિકોની ઈમારતો અને મકાનોનું હવે કોઈ રણીધણી ન રહેતા ત્યાં શરમજનક રીતે લૂંટફાટ મચી છે. આવારા તત્વો અને ચોરોએ મકાનોમાં બચી ગયેલી માલ મિલક્તોની ચોરી અને લૂંટફાટ શરૂ કર્યાનાં અહેવાલ છે. મકાનોની સુરક્ષા માટે તેમજ લૂંટફાટ રોકવા અને ચોરોને પકડવા માટે નેશનલ ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.
કેટલાક સ્થળેથી ચોરી કરતા 20 લોકોની ધરપકડ કરાઇ છે. આવારા તત્વો અને ચોરો દ્વારા સેલિબ્રિટીઝનાં ઘરને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. જે કંઈ ઘરવખરી બચી છે તેની ચોરી થઇ રહી છે. ગવર્નર ન્યૂસમે કહ્યું છે કે આગને કારણે ખાલી કરવામાં આવેલા વિસ્તારોમાં થતી લૂંટફાટ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. લોસ એન્જલસનાં શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે ચોરી અને લૂંટફાટ રોકવા નાઈટ કરફ્યુ લદાયો છે. નેશનલ ગાર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે. કોઈપણ સંજોગોમાં ચોરી અને લૂંટફાટ ચલાવી લેવાશે નહીં.
અણુ બોમ્બ ઝીંકાયો હોય તેવી સ્થિતિ
આગની વિનાશકતાને જોતા જાણે કોઈએ આ વિસ્તારોમાં અણુ બોમ્બ ઝીંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હજારો લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે. અમેરિકાનાં હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સાન્તા અનાનાં તોફાની પવનોને કારણે આગ કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. આગનું તાંડવ હજી ચાલુ રહે તેવી સંભાવના છે. લોસ એન્જલસનાં અગ્નિશમન વિભાગનાં વડા ક્રિસ્ટિન ક્રાઉલેએ કહ્યું હતું કે આગમાં પેલિસડ્સનાં 5300થી વધુ મકાનો ભસ્મીભૂત થઈ ગયા છે જ્યારે ઈટન ખાતેનાં 5000થી વધુ મકાનોનો નાશ થયો છે. સરવે પછી આ આંકડો ઘણો વધી શકે છે.
સેલિબ્રિટીસના મકાન ખાક, ફિલ્મના પ્રીમિયર રદ
ટોચની અભિનેત્રી અને સિંગર પેરિસ હિલ્ટન સહિત અનેક સેલિબ્રિટીસના મકાન આગમાં હોમાઈ ગયાં છે. હોલિવૂડ સેલિબ્રિટીઓ બિલી ક્રિસ્ટલ અને તેની પત્ની જેનિસ, મેન્ડી મૂર, પેરિસ હિલ્ટન અને કેરી એલ્વેસનાં ઘર આગમાં રાખ થયાં છે. જ્યારે અનસ્ટોપેબલ, વુલ્ફ મેન, બેટર મેન અને ધ પીટ ફિલ્મોના પ્રીમિયર રદ કરાયા છે. 12 જાન્યુઆરીએ સાન્ટા મોનિકામાં યોજાનારા ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સને પણ 26 જાન્યુઆરી સુધી મુલતવી રખાયા છે. 97મા એકેડેમી એવોર્ડ્સ માટે નામાંકનની જાહેરાત બે દિવસ માટે મુલતવી રખાઈ. હવે તે 17 જાન્યુઆરીને બદલે 19 જાન્યુઆરી પછી થશે.
ઝેરી ધુમાડાથી આરોગ્ય પર ગંભીર અસરો
લોસ એન્જેલસમાં જાનહાનિ અને મિલકતના નુકસાન ઉપરાંત આ ભીષણ આગના ઝેરી ધુમાડાને કારણે લાંબા ગાળાના આરોગ્ય પર ગંભીર પરિણામો આવી શકે છે. તેનાથી લોસ એન્જેલસના ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ મોટો ફટકો પડવાની ધારણા છે. આગને કારણે સધર્ન કેલિફોર્નિયાના આશરે 1.7 કરોડની વસ્તી માટે હવા જોખમી બની છે. ઉત્તર કેલિફોર્નિયામાં આશરે 3.10 લાખ ગ્રાહકો વીજળી સપ્લાય વિહોણા બન્યા હતા. લોસ એન્જલસ કાઉન્ટી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે.
બાઇડેને ઇટાલીનો પ્રવાસ રદ કરી
કેલિફોર્નિયામાં ભયાનક દાવાનળની ઘટનાને પગલે પ્રેસિડન્ટ જો બાઇડેને તેમની 3 દિવસની ઇટાલી મુલાકાત રદ કરી હતી અને વોશિંગ્ટનમાં રહેવાનું પસંદ કર્યું હતું. આ સાથે જ તેમણે આગની ઘટનાને નેશનલ ઇમર્જન્સી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ તરીકે રોમ અને વેટિકનની આ તેમની છેલ્લી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન તેઓ પોપ ફ્રાન્સિસ, ઇટાલીને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીને મળવાના હતાં.