નવી દિલ્હીઃ ભારતની સામાન્ય ચૂંટણીના પરિણામો વિશે સમાચાર આપતાં ઇન્ટરનેશનલ મીડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરતે અજેય હોવાનો જે પ્રભાવ ઉભો થયો હતો તે ભારતીય મતદારોએ ભાંગી કાઢ્યો છે જેને કારણે વિરોધ પક્ષોને નવજીવન મળ્યું છે. અમેરિકામાં મોટાં અખબારો ન્યુ યોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને વોલ સ્ટ્રીટ જર્નલમાં આ સમાચારોને મોટાપાયે ચમકાવવામાં આવ્યા છે.
લોકસભાની કુલ 543 બેઠકોમાંથી ભારતીય જનતા પક્ષને 240 બેઠકો અને કોંગ્રેસને 99 બેઠકો મળી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ મોરચાને સરકાર રચવા માટે જરૂરી 272 બેઠકો મળી ગઇ છે પણ ભાજપ તેની બહુમતી ગુમાવી ચૂક્યો છે. ન્યુ યોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે અચાનક નરેન્દ્ર મોદીની ફરતે તેઓ અજેય હોવાનો જે ભ્રમ હતો તે ભાંગી ગયો છે. મોદીનો પક્ષ જીત્યો છે પણ તેને જંગી બહુમતિ મળી નથી.
વોશિંગ્ટન પોસ્ટે લીડ સ્ટોરીમાં જણાવ્યું હતું કે ભારતના મતદારોએ મોદીને ઠપકાર્યા છે. ચૂંટણીના પરિણામો હિન્દુ રાષ્ટ્રવાદીઓ માટે મોટી પીછેહઠ છે. છેલ્લા એક દાયકાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમાનાર્થી હતું પણ મંગળવારે વર્તમાન સ્થિતિ સામે મતદારોએ અંસંતોષ દાખવી સતત વિજેતા બનતાં નેતાને હચમચાવી નાંખ્યા છે. પોસ્ટે પોલિટિકલ સાયન્ટીસ્ટ દેવેશ કપૂરને ટાંકી જણાવ્યું હતું કે આ પરિણામો દર્શાવે છે કે આપણે માનતાં હતા તેમ ભારતની લોકશાહી મરી પરવારી નથી એટલું તો ચોક્કસ છે. આ ચૂંટણીના આશ્ચર્યકારક પરિણામો દર્શાવે છે કે ભારતના મતદારો પાસે હજી સ્વતંત્ર દિમાગ છે. અન્યથા આ મોદીકૂચ ખાળી શકાઇ ન હોત.
વોલ સ્ટ્રીટ જર્નલે વડાપ્રધાનની નવી દિલ્હીમાં આવેલાં ભાજપના વડામથકે થયેલી ઉજવણીની તસવીર છાપી લીડ સ્ટોરીમાં જણાવ્યું હતું કે મોદી વિજયી જાહેર થયા પણ તે પીછેહઠનો સામનો કરી રહ્યા છે. તંત્રીલેખમાં જર્નલે જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો સૂચવે છે કે ભારતીયોને તેમના નેતાઓ પાસેથી મોટી અપેક્ષાઓ છે, અને તેમણે દુનિયાની સૌથી મોટી લોકશાહીનો ઉપયોગ આ નેતાઓને બહેતર કામગીરી કરવાની ચેતવણી આપવા કર્યો છે.સવાલ એ છે કે મોદી આ ચેતવણીને ગંભીરતાથી લેશે કે વધારે ભાગલાવાદી અને એકહથ્થુ સત્તા જમાવવાના પ્રયાસો કરશે તે જોવાનું રહેશે.
ત્રણે મુખ્ય અખબારો ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદીના ટીકાકાર રહ્યા હતા. મોટાભાગના અમેરિકન અખબારો ભારત સરમુખત્યાર શાહી ભણી ધકેલાઇ રહ્યું હોવાનું માનતાં હતા. બીબીસીએ જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે બ્રાન્ડ મોદી તેની ચમક ગુમાવી ચૂકી છે અને મોદીને પણ શાસનવિરોધી પરિબળો નડી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમના ઘણાં ટેકેદારો માને છે તેટલાં તે અજેય નથી. આ પરિણામો વિરોધપક્ષો માટે નવી આશાનો સંચાર કરનારાં છે.