મોસ્કોઃ રશિયા અને ઓસ્ટ્રિયાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્રેમલિનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કરાયા હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ મેળવીને ગૌરવનો અનુભવ કરી રહ્યો છું. હું આ દરેક ભારતીયને સમર્પિત કરું છું.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ માત્ર મારું સન્માન નથી. આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને રશિયાની સદીઓ જૂની ગાઢ મિત્રતા અને પરસ્પર વિશ્વાસનું સન્માન છે.’
પોતાના સંબોધનમાં વડા પ્રધાને કહ્યું, ‘મહામહિમ છેલ્લા લગભગ દોઢ દાયકાથી તમારા નેતૃત્વમાં ભારત અને રશિયાના સંબંધ દરેક દિશામાં મજબૂત બન્યા છે. અને દરેક વખતે નવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપણા બંને દેશો વચ્ચે જે રણનીતિક સંબંધનો પાયો હતો તે સમય સાથે વધુ ઊંડો થતો ગયો છે.’
મોદીએ કહ્યું કે, ‘આજે પણ અમે બધા ક્ષેત્રોમાં પોતાના સહયોગને મજબૂત કરતા નવા અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. અમારા સંબંધ માત્ર બંને દેશો માટે જ નહીં પણ સમગ્ર દુનિયા માટે મહત્ત્વના છે. વૈશ્વિક વાતાવરણમાં ભારત અને રશિયાની પાર્ટનરશિપ વધુ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. આપણને વિશ્વાસ છે કે વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે સતત કોશિશ કરતા રહેવું જોઈએ.’
પુતિન અને મોદી વચ્ચે શું વાતચીત થઈ?
રશિયાની બે દિવસ મુલાકાત પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના હેન્ડલ પર આ મુલાકાતની કેટલીક તસવીર શેર કરી છે.
આ તસવીરો પર પીએમ મોદીએ લખ્યું છે, ‘નોવો-ઓગારિયોવોમાં રાષ્ટ્રપતિ પુતિનની મેજબાની માટે આભાર. મંગળવારે પણ અમારી વાતચીતની ઇંતિજારી છે, જે નિશ્ચિત રીતે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે.’
આ દરમિયાન રશિયાના સરકારી મીડિયા ‘સ્પુતનિક’એ બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતનો વીડિયો જાહેર કર્યો છે. મુલાકાત દરમિયાન પુતિને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં અને કહ્યું, ‘મને લાગે છે કે આ કોઈ સંજોગ નથી. સરકારના વડા તરીકે તમારા કેટલાંય વર્ષોના કામનું આ પરિણામ છે. તમારી પાસે તમારા વિચાર છે અને તમે એક ઊર્જાવાન વ્યક્તિ છો. તમને ખબર છે કે ભારત અને ભારતના લોકોનાં હિતમાં કેવાં પરિણામ હાંસલ કરી શકાય. આર્થિક મોરચા પર ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનવા માટે આત્મવિશ્વાસથી ભરેલું છે. અને હવે તે વસતિના હિસાબે વિશ્વનો સૌથી મોટો દેશ છે.’