મુંબઈઃ સચીન વાઝેના એન્ટિલિયા પ્રકરણે મહારાષ્ટ્ર સરકારના પાયા હચમચાવી નાંખ્યા છે. એન્ટિલિયા કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ વધતો જાય છે ત્યાં બીજી તરફ રાજકીય કમઠાણ પણ શરૂ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા દેશમુખ સામેના પરમબીરના આરોપોની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. તાજેતરમાં શિવસેનાના નેતા સંજય રાઉતે પક્ષના મુખપત્ર સામનામાં એનસીપી ઉપર ધારદાર પ્રહાર કર્યા છે. તેમણે લેખમાં જણાવ્યું હતું કે, અનિલ દેશમુખને દુર્ઘટનાવશ ગૃહ મંત્રાલય મળ્યું છે. તેઓ એક્સિડેન્ટલ હોમ મિનિસ્ટર છે. જયંત પાટિલ અને દિલીપ વલસે પાટિલે જ્યારે આ પદ સંભાળવાની ના પાડી ત્યારે શરદ પવારે દેશમુખને આ પદ આપ્યું હતું. આ પદની ગરિમા અને મોભો બંને છે. દેશમુખ કારણ વગર અધિકારીઓ સાથે બાથ ભીડી લીધી છે.
ગૃહમંત્રીએ ઓછું બોલવું જોઈએ, કેમેરાની સામે આવીને નિવેદનબાજી કરવી અને તપાસના આદેશ આપવા અયોગ્ય છે. પોલીસ વિભાગનું વડપણ માત્ર સેલ્યૂટ માટે નથી હોતું, પ્રામાણિકતાના પાઠ શીખવવા પણ પડે છે. રાઉતના આ પ્રહારો અંગે દેશમુખે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. હવે સત્ય બહાર આવશે જ. તે ઉપરાંત અજિત પવારે શિવસેના અને સામના ઉપર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાઉતે આવા નિવેદનો ન કરવા જોઈએ.
વઝે વસૂલી કરતો હતો ને દેશમુખને ખબર નહોતી? ‘સામના’માં સવાલ
સામનામાં કહેવાયું હતું કે, વઝે ઘણા પ્રધાનો અને ઉપરી અધિકારીઓના લાડકવાયા હતા. તેઓ પોલીસ સહાયક અધિકારી હતા પણ તેમની પાસે અસીમિત અધિકારો હતા. આ અધિકારો કોના કહેવાથી તેમને મળ્યા હતા. તે ખરેખર તપાસનો જ વિષય છે. મુંબઈ પોલીસની કચેરીમાં બેસીને વઝે વસૂલી કરતો હતો અને ગૃહપ્રધાન કે મંત્રાલયને તેની જાણ જ નહોતી?
ત્રણ પોલીસ અધિકારી શંકાના ઘેરામાં
મુકેશ અંબાણીના ઘરની નજીક મળેલી વિસ્ફોટક ભરેલી એસયુવીના માલિક મનસુખ હિરેનના મોતના કેસમાં મુંબઇના ત્રણ પોલીસ અધિકારી એનઆઇએના રડાર પર હોવાનું કહેવાય છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા તેમને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવે એવી શક્યતા છે. દરમિયાન ધરપકડ બાદ નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ હિરેનનો મૃતદેહ મળ્યા બાદ બીજા દિવસે પાંચ મોબાઇલ ફોન નષ્ટ કર્યા હોવાનું કહેવાય છે.
‘મને બલિનો બકરો બનાવાયો’
સસ્પેન્ડ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને ૩જી એપ્રિલ સુધીની એનઆઈએ કસ્ટડી આપવામાં આવી છે. વાઝેએ કોર્ટમાં જણાવ્યું હતું કે પોતાને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે. મારે આ ગુના સાથે કોઈ સંબંધ નથી. એનઆઈએ અધિકારીએ દાવો કર્યો હતો કે વાઝેએ કબૂલ્યું છે કે તેણે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ગોઠવ્યા હતા. વાઝેએ જણાવ્યું હતું કે પોતે આ કેસના ઈન ચાર્જ હતા ત્યાં સુધી તેની તપાસ કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે પોતે એનઆઈએ પાસે પોતાની જાતે ગયા હતા પણ ઓચિંતાની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે મેં મારો ગુનો કબૂલી લીધો છે, પણ એ વાત સાચી નથી. કોર્ટે વાઝેને તેમનું નિવેદન લેખિતમાં આપવા કહ્યું છે.
મીઠી નદીમાંથી મળ્યા લેપટોપ, હાર્ડ ડિસ્ક, નંબર પ્લેટ
એન્ટિલિયા કેસની તપાસ કરનારી એનઆઇએ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાની તપાસ હાથમાં આવ્યા બાદ એક્શન મોડમાં છે. રવિવારે ટીમે મુંબઈની મીઠી નદીમાંથી એક કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, લેપટોપ, ડીવીઆર, સીડી, એક કારની બે નંબર પ્લેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો શોધી કાઢ્યા છે. આ તમામ ચીજવસ્તુઓ વાઝેની હોવાનું અને તેણે પોતાની વિરુદ્ધના પુરાવાઓનો નાશ કરવા માટે નદીમાં નાંખી દીધા હોવાનું મનાય છે.