નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારતરત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. ભાજપના સ્થાપક સભ્યોમાંના વાજપેયી છેલ્લા લાંબા સમયથી બીમારીના કારણે પથારીવશ હતા અને કેટલાક સપ્તાહથી તેમને સારવાર માટે ઓલ ઇંડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સીસ (‘એઇમ્સ’)માં દાખલ કરાયા હતા. જ્યાં આજે - ગુરુવારે સાંજે ૫.૦૫ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેન્દ્રમાં બે વખત એનડીએ સરકારનું સુકાન સંભાળી ચૂકેલા વાજપેયીની તબિયત ગઇકાલે - બુધવારે એકદમ કથળી હતી અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના દસકાઓ જૂના મિત્ર લાલ કૃષ્ણ અડવાણી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિતના નેતાઓએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. વડા પ્રધાને ટ્વિટ કરતા લખ્યું હતું વાજપેયીજીના નિધન સાથે એક યુગનો અંત આવ્યો છે.
‘એઇમ્સ’ના મીડિયા એન્ડ પ્રોટોકોલ વિભાગના ચેરપર્સન ડો. આરતી વીજે આજે સાંજે મેડિકલ બુલેટિનમાં વાજપેયીના નિધનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂન મહિનાથી ‘એઇમ્સ’માં નિષ્ણાતોની નજર તળે ભૂતપૂર્વ વડા પ્રધાનની સારવાર ચાલી રહી હતી. જોકે છેલ્લા ૩૬ કલાકમાં તેમની તબિયત એકદમ કથળી હતી અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.