લંડનઃ નોંધપાત્ર રીતે યુકેમાં આવેલી આ વિન્ડરશ જનરેશનમાં કેરેબિયન દેશોમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયના લોકો અને ભારતથી આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે. કેરેબિયન ઇમિગ્રન્ટ્સની માફક ઘણા ભારતીયો પણ યુકે આવ્યાં અને દેશના પુનઃનિર્માણના પ્રયાસોમાં યોગદાન આપ્યું જેના કારણે બ્રિટિશ સમાજ અને સંસ્કૃતિમાં વૈવિધ્યતા સામેલ થઇ.
બ્રિટિશ કોલોનીઓમાં કુલીઓના આગમને વસતી, અર્થતંત્રો અને સંસ્કૃતિઓને નવો આયામ આપ્યો
કોન્કોર્ડિયા યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. નલિની મોહાબિર સંસ્થાનવાદના સમયગાળા પછીના યુગમાં થયેલા માઇગ્રેશનનું શિક્ષણ આપવામાં નિપુણતા ધરાવે છે. તેમની પાસે બ્રિટિશ કોલોનીઓમાં કુલી તરીકે ગયેલા લોકો અંગે ઝાઝી માહિતી નહોતી પરંતુ તેમણે ખણખોદ કરતાં પોતાના જ પરદાદાઓ અંગેની માહિતી મળી આવી હતી.
પ્રોફેસર નલિની કહે છે કે મારા પરદાદાઓ 1912માં બ્રિટિશ ઇન્ડિયાના અજમેરથી સ્થળાંતર કરીને બ્રિટિશ ગુયાના પહોંચ્યાં હતાં. તેમને રોઝહોલ સુગર એસ્ટેટ ખાતે શ્રમિક તરીકે લઇ જવાયાં હતાં. પુરુષોની સાથે મહિલાઓ પણ કુલી તરીકે લઇ જવાતી હતી. મારા પરદાદા સાથે તે સમયે 3 મહિનાના એવા મારા દાદી પણ હતાં. તેમના ઇમિગ્રેશન પાસ પરથી મને જાણવા મળ્યું કે તેમની જાતિ શેખ હતી. મને એમ લાગે છે કે મારા પરદાદી હિન્દુ અને મારા પરદાદા મુસ્લિમ હતાં.
તેઓ કહે છે કે ભારત આઝાદ થયા પછી 1960ના દાયકામાં ટ્રિનિદાદમાં રહેતા મારા માતા અને ગુયાનામાં રહેતા મારા પિતા વધુ અભ્યાસ માટે યુકે પહોંચ્યા હતા. મેં પણ તેમને અનુસરીને યુકેમાં પીએચડી સુધી અભ્યાસ કર્યો.
વિન્ડરશ જનરેશનમાં ભારતીયોના કેટલાક મહત્વના પાસા પર પ્રકાશ ફેંકતા ડો. મોહાબિર કહે છે કે કેરેબિયન દેશોમાં ભારતીય સમુદાયના લોકોનું સ્થાયી થવું અને ત્યારબાદ યુકે પહોંચવું એ ભારતથી કેરેબિયન દેશો અને ત્યાંથી યુકેમાં માઇગ્રેશનની એક જટિલ પ્રક્રિયા હતી. બ્રિટિશ સંસ્થાનોમાં કુલી તરીકે આવેલા લોકોએ વસતી, અર્થતંત્રો અને સંસ્કૃતિઓને નવો આકાર આપ્યો છે. જોકે ઐતિહાસિક માહિતી મર્યાદિત હોવાથી ભારતીય કુલીઓના જીવન અને તેમના અનુભવોનું દસ્તાવેજીકરણ મુશ્કેલ છે.
ડો. મોહાબિર કહે છે કે ખ્રિસ્તી બહુલ અને અંગ્રેજીભાષી એવા કેરેબિયન દેશોમાંથી સ્થળાંતર કર્યું હોવાથી યુકેમાં ઇન્ડો-કેરેબિયન લોકો માટે સ્થિતિ સરળ રહી હતી. તેમ છતાં તમારી હાજરી અનિચ્છનિય ગણતા દેશમાં સ્થાયી થવા માટે ઘણા પડકારો પણ હતાં. તમારી સાંસ્કૃતિક ઓળખ સાથે જીવવાનો મોટો પડકાર તેમની સામે હતો.
આપણા ઇતિહાસમાં આપણે વિન્ડરશ જનરેશનમાં આપણી ભુમિકા શોધી શકીએ છીએ
ગુયાનાના નવલકથાકાર પ્રોફેસર ડેવિડ ડેબીદીન યુનેસ્કો અને ચીનમાં ગુયાનાના રાજદ્વારી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. વોરવિક યુનિવર્સિટી ખાતે કેરેબિયન સ્ટડીઝ માટેના સેન્ટરના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા તેમણે ઇન્ડો-ગુયાનિના જીવનો પર આધારિત નવલકથા લખી હતી. કુલીઓ અંગેના પોતાના જાત અનુભવને યાદ કરતાં તેઓ કહે છે કે મારા પરદાદા પ્લાન્ટેશનમાં કામ કરવા ભારતના કલકત્તાથી કુલી તરીકે બ્રિટિશ ગુયાના પહોંચ્યા હતા. આ પહેલી મુસાફરી હતી. બીજી મુસાફરીમાં અમે વિન્ડરશ જનરેશનના હિસ્સા તરીકે એટલાન્ટિક પાર કરીને યુકે પહોંચ્યાં હતાં. મારા પિતા યુકેમાં અભ્યાસ માટે આવ્યાં અને ત્યારબાદ અમારો પરિવાર તેમની સાથે જોડાયો હતો.
કુલીઓની ધીરજની પ્રશંસા કરતા પ્રોફેસર ડેબિદીન કહે છે કે બહુ ઓછું વેતન મળતું હોવા છતાં તેઓ બચત કરતાં જેથી અભ્યાસ કરી શકે. તેમણે તેમના સંતાનોના શિક્ષણ માટે મોટા બલિદાન આપ્યાં હતાં. તેના કારણે ફક્ત બે જ પેઢીમાં તેમના સંતાનો ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા થઇ ગયાં હતાં. યુકેનો સમાજ આમ તો સહિષ્ણુ છે તેમ છતાં શરૂઆતમાં વિન્ડરશ જનરેશનને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમણે પોતાની કારકિર્દી ઘડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યવસાયો સ્થાપ્યા. અમે અમારા પૂર્વજોએ આપેલા સંસ્કાર અને શિક્ષણના મૂલ્યોનું જતન કર્યું છે.
તેઓ કહે છે કે પોતાનો વારસો જાળવી રાખવામાં ધર્મએ મોટી ભુમિકા ભજવી હતી. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ નડી હતી પરંતુ ત્યારબાદ મંદિરો અને મસ્જિદોનું નિર્માણ કરાયું અને સ્થાયી સમુદાયોની રચના થઇ.