વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સંસદમાં નાગરિકતા સંશોધન બિલ પસાર

Wednesday 11th December 2019 05:30 EST
 
 

નવી દિલ્હી: મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતની પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના ટૂંકા નામે જાણીતું આ સિટીઝન (એમેન્ડમેન્ટ) બિલ ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં રજૂ કર્યું હતું. બિલનો કોંગ્રેસ, શિવસેના સહિતના વિપક્ષે વિરોધ કરીને ભારે હંગામો કર્યો હતો.
આ બિલમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના હિંદુ, જૈન, બૌદ્ધો, પારસી, ખ્રિસ્તી શરણાર્થીને ભારતીય નાગરિક્તાની જોગવાઇ છે. જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ કરાયો ન હોવાથી વિપક્ષોની દલીલ છે કે બિલ કોમવાદી વાતાવરણ ઉભુ કરે તેવું છે અને બંધારણ કોઇના ધર્મના આધારે નાગરિક્તા નક્કી કરવાની ના પાડે છે.

આનંદ અને આક્રોશ

સંસદમાં બિલ પસાર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બિલ ભારતની સદીઓ જૂની પરંપરા અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસને અનુરૂપ છે. બિલને પાસ કરવામાં સમર્થન આપનાર પક્ષો અને સાંસદોનો પણ મોદીએ આભાર માન્યો હતો.
બીજી તરફ, મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી હતી, ‘અડધી રાત્રે આખી દુનિયા ઊંઘતી હતી ત્યારે એક ઝાટકે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના ભારતના આદર્શ સાથે દગો કરાયો.’ ચર્ચા વેળા ઓલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમ-આઇએમ)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલની નકલ ફાડી નાખી હતી.

મુસ્લિમવિરોધી નહીં...

બિલ પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે બિલ કોઇ પણ પ્રકારે બંધારણની જોગવાઇઓનો ભંગ કરતું નથી. આનાથી પાડોશી દેશમાં અત્યાચારને કારણે દર્દભર્યું જીવન જીવતા લોકોને રાહત મળશે. આ બિલ મુસ્લિમવિરોધી નથી. અમને મુસ્લિમો સાથે નફરત નથી. દેશના મુસ્લિમોને આ બિલથી કોઇ નિસ્બત નથી. બિલ માત્ર ત્રણ દેશોમાંથી આવનાર બિન-મુસ્લિમોને નાગરિક્તા માટે છે. અગાઉ પણ આ કાયદામાં સુધારા થઇ ચુક્યા છે. જેને પગલે મનમોહન સિંહ અને લાલ કૃષ્ણ અડવાણી પણ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન બની ચૂક્યા છે. અલબત્ત, શાહે રોહિંગ્યા મુસ્લિમોને નહીં સ્વીકારવાની સ્પષ્ટતા કરી હતી. શાહે જણાવ્યું હતું કે આ બિલ લાખો લોકોની યાતનાઓ દુર કરવામાં મદદરૂપ થશે, લાખો શરણાર્થીઓને આ દેશની નાગરિક્તા મળી જશે. જે લોકો પર ધર્મના નામે અત્યાચાર થઇ રહ્યા છે તેમને નાગરિક્તા આપવા બિલ લાવ્યા છીએ. આથી આ બિલ ધર્મના નામે ભેદભાવ કરતું હોવાનો વિપક્ષનો દાવો જુઠો છે. આ બિલથી કોઇ પણ મુસ્લિમના અધિકાર નહીં જાય.

ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ઇનરલાઇન પરમિટ

શાહે કહ્યું હતું કે, આસામ, અરુણાચલ, ત્રિપુરા જેવા રાજ્યોમાં બંગાળ ઇસ્ટ ફ્રન્ટિયર કાયદો જ અમલમાં રહેશે. ઉપરાંત નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં ઇનરલાઇન પરમિટ લાગૂ રહેશે. અત્યાર સુધી મણિપુરમાં ઇનરલાઇન પરમિટ અમલમાં નહોતી પણ હવે લાગુ કરાશે. વિભાજન સમયે લઘુમતી અધિકારોનાં સંરક્ષણ પર નહેરુ-લિયાકત કરાર થયો હતો. ભારતે તેનું પાલન કર્યું છે, પરંતુ પાકિસ્તાને ન કર્યું. પરિણામે હિંદુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ સાથે ત્યાં દુર્વ્યવહાર થતો રહ્યો. ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસે દેશનું ધર્મના આધારે વિભાજન કર્યું છે.

વિપક્ષનો પ્રચંડ વિરોધ

દેશમાં એક વર્ગે બિલનો ભારે વિરોધ કર્યો છે. દિલ્હીમાં અનેક લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સરકારવિરોધી નારેબાજી કરી હતી. આસામમાં બિલના વિરોધમાં બંધનું એલાન અપાયું હતું. જ્યારે પશ્ચિમ બંગાળમાં લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. મમતા બેનરજી સરકાર બિલનો વિરોધ કરી રહી છે અને તેનો અમલ નહીં થવા દેવાની ચીમકી આપી છે. જે પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે તેમાં કોંગ્રેસ, શિવસેના, એનસીપી, સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો વગેરેનો પણ સમાવેશ થાય છે. સિટિઝન (એમેન્ડમેન્ટ) બિલને ‘કેબ’ના ટૂંકાક્ષરી નામે પણ ઓળખાય છે. તે સંદર્ભે વિપક્ષના નેતા કપીલ સિબ્બલે જણાવ્યું હતું કે આ ‘કેબ’ના ડ્રાઇવર જ ભાગલાવાદી નીતિ ધરાવે છે.

વિરોધમાં ઓનલાઇન ઝૂંબેશ

દેશભરમાંથી આશરે ૧૦૦૦ ભારતીય વૈજ્ઞાનિકો, સ્કોલર્સે મોરચો ખોલ્યો છે અને આ બિલનો વિરોધ કર્યો છે. આ સ્કોલર્સ અને વૈજ્ઞાનિકોએ એક ઓનલાઇન અભિયાન શરૂ કર્યું છે. જેમાં માત્ર ૨૪ કલાકમાં જ એક હજારથી વધુ સ્કોલર્સ અને વૈજ્ઞાનિકો જોડાયા હતા. જેમાં જેએનયુથી લઇને ટોરંટો યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકો પણ સામેલ છે. અભિયાનમાં જણાવાયું છે કે સરકાર બિલ લાવી છે તેમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના એવા શરણાર્થીઓ કે જેઓ યાતનાઓ સહન કરી ભારત આવ્યા હોય તેમને નાગરિક્તા અપાશે. આ એક સારું પગલું છે, પણ તે ધર્મના આધારે નાગરિક્તા આપી રહ્યું છે તે યોગ્ય નથી.
આ સ્કોલર્સ અને વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આઝાદી બાદ જે બંધારણ લખાયું છે તેમાં દરેક ધર્મના લોકોની સાથે સમાન વ્યવહાર રાખવાની વાત કરવામાં આવી છે. આ બિલમાંથી મુસ્લિમોને બાકાત રાખવાથી દેશમાં કોમવાદી વાતાવરણ ઉભું થઇ શકે છે અને બિલ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધનું પણ છે. આપણું બંધારણ બિનસાંપ્રદાયિક્તામાં માને છે, બિલ કોમવાદી છે તેથી તેનો સ્વીકાર ન કરી શકાય.

શું છે નાગરિક્તા સંશોધન બિલ? નવી જોગવાઇ શું છે? વિરોધ શા માટે છે?

ભારત દેશનો નાગરિક કોણ છે તેની પરિભાષા માટે વર્ષ ૧૯૫૫માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો. જેને ‘નાગરિકતા અધિનિયમ ૧૯૫૫’ નામ અપાયું હતું. નરેન્દ્ર મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને ‘નાગરિક સંશોધન બિલ ૨૦૧૬’ નામ અપાયું છે.
બિલની જોગવાઇઃ બિનમુસ્લિમોને ૧ વર્ષમાં મળી જશે નાગરિકતા, મુસ્લિમોને ક્યારેય નહીં • પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગલાદેશથી આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તીને નાગરિકતા આસાન • હાલ કોઈ પણ વ્યક્તિએ નાગરિકત્વ માટે ભારતમાં ૧૧ વર્ષ રહેવું જરૂરી છે, પણ નવા બિલમાં આ સમય ઘટાડીને એકથી છ વર્ષ કરાયો છે • બિનમુસ્લિમો દસ્તાવેજો વિના મળશે તો તેમને જેલ નહીં. ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભારત આવેલા લોકો નાગરિકત્વને પાત્ર
વિપક્ષ અને પૂર્વોત્તરના લોકોનો વિરોધ શા માટે? • કોંગ્રેસ, શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, આરજેડી અને ડાબેરી પક્ષો બિલના વિરોધમાં છે. તર્ક છે કે, આ બિલમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવાયો છે. • આ બિલ સમાનતાની વાત કરતી બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન છે, શ્રીલંકા અને નેપાળના મુસ્લિમોને પણ બિલમાં સામેલ કરો • પૂર્વોત્તરના રાજ્યોનું કહેવું છે કે, બાંગ્લાદેશથી મોટા પાયે આવેલા હિંદુઓને નાગરિકતા આપવાથી સ્થાનિકોના હક ઘટશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter