અયોધ્યાઃ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થતાં જ એ લોકોનું સપનું પૂરું થશે કે જેમણે પોતાનું સમસ્ત જીવન રામલલાની સેવામાં વીતાવી દીધું. આવા લોકોમાં આચાર્ય સત્યેન્દ્ર દાસનો સમાવેશ થાય છે. આચાર્ય સત્યેન્દ્ર દાસ રામજન્મભૂમિના મુખ્ય પૂજારી છે અને વીતેલા 28 વર્ષથી તેઓ જ રામલલાની પૂજા કરતા આવ્યા છે. એક વાતચીતમાં તેમણે રામજન્મભૂમિ પરથી વિવાદિત માળખું તોડી પાડયું તે દિવસ અર્થાત 6 ડિસેમ્બર 1992ની માંડીને વાત કરી હતી.
આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, ‘23 માર્ચ 1949ના રોજ રામલલા પોતાના મૂળ સ્થાને પ્રગટ થયા હતા, તે પછી કોર્ટના આદેશ મુજબ તેમની સેવાપૂજા થતી રહી. 1 માર્ચ 1992ના રોજ એ જ સ્થાને રામલલાના મુખ્ય પૂજારી તરીકે અમારી નિમણૂક થઇ. તે પછી વિશ્વ હિંદુ પરિષદે કારસેવાની જાહેરાત કરી. 6 ડિસેમ્બરે અયોધ્યામાં કારસેવા માટે ખૂબ લોકો આવ્યા. ભાજપ અને વિહિપના ઘણા મોટા નેતા પણ પહોંચ્યા. તે દિવસે એટલી ભીડ ઉમટી હતી કે સમગ્ર અયોધ્યા કારસેવકોથી ભરાઈ ગયું હતું.’
આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે તેમણે રામલલાને કામચલાઉ પૂજાસ્થળેથી લઈ જઈને લીમડાના વૃક્ષ નીચે મૂકી દીધા કે જેથી તેમને નુકસાન ના થાય. વિવાદિત માળખું તૂટી ગયું તો સાંજે સાત વાગે કારસેવકોએ ત્યાં મંડપ અને ટેન્ટ તૈયાર કર્યો. ત્યાં રામલલાને સિંહાસન સહિત સ્થાપિત કરવામાં આવ્યા. તે દિવસે રામલલા દિવસે આઠ કલાક લીમડાના વૃક્ષ નીચે રહ્યા હતા. બીજા દિવસે સરકારે કરફયૂની જાહેરાત કરી. વહીવટીતંત્ર સમક્ષ પૂજા કરવાની માગણી કરવામાં આવી.
અને વિવાદિત માળખું તોડી પડાયું
આચાર્યએ કહ્યું કે, ‘કારસેવા દરમિયાન કહેવામાં આવ્યું કે કારસેવકો સરયુમાંથી જળ લાવીને ચબુતરાને ધોવે અને આમ તેઓ પ્રતીકાત્મક કારસેવા કરી શકે છે. આ સાંભળીને કારસેવકો ગુસ્સે થઇ ગયા. તેમનું કહેવું હતું કે તેઓ કારસેવામાં ચબુતરો ધોવા નથી આવ્યા. તે પછી લોકો ચબૂતરા પર ચઢી ગયા અને વિવાદિત માળખાને તોડવાનું શરૂ કર્યું.’
આચાર્ય સત્યેન્દ્ર દાસજી કહે છે કે બાબરીના માળખાને તોડવા કોઇ સાધન નહોતું તો સ્થાનિક લોકોએ હથોડા, કોસ વગેરે પૂરા પાડ્યા. તેની મદદથી વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું. ત્યાં ત્રણ ગુંબજ હતા. તે પૈકી વચ્ચેના ગુંબજ નીચે રામલલા બિરાજમાન હતા. બાકીના બે ગુંબજમાં સીઆરપીએફના મહિલા અને પુરુષ સૈનિકો રહેતા હતા. ભીડને જોઇને સીઆરપીએફના સૈનિકો ત્યાંથી હટી ગયા. કારસેવકોએ વિવાદિત માળખું તોડવાનું શરૂ કર્યું અને સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં માળખું તોડી પાડયું.