નવી દિલ્હીઃ ૭૩મા પ્રજાસત્તાક પર્વે પાટનગરમાં રાજપથ પર યોજાયેલી શાનદાર પરેડમાં વિશ્વએ દેશની સૈન્ય તાકાત તેમજ ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝલક નિહાળી હતી. પરેડમાં ૭૫ વિમાનોની ભવ્ય ફ્લાયપાસ્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વખતે પરેડમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, ઓટોરિક્ષા ચાલક અને શ્રમિક વિશિષ્ઠ અતિથિ સ્વરૂપે હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર આયોજિત પરેડની સલામી ઝીલી હતી. કોવિડ પ્રોટોકોલના કારણે માત્ર ૫૦૦૦ લોકોને જ પરેડ નિહાળવાનો મોકો મળ્યો હતો.
દેશના ૭૩મા પ્રજાસત્તાક દિને યોજાયેલી સશસ્ત્ર દળોની પરેડ ઘણી જ ખાસ રહી. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે ત્યારે પ્રજાસત્તાક દિનની પરેડમાં એવું ઘણું બધું હતું કે જે કદાચ પહેલી વાર જોવા મળ્યું. જેમાં આર્મીના નવા યુનિફોર્મથી લઈને હથિયારો તેમજ રાફેલ વિમાન અને હેલિકોપ્ટર્સ સહિત ૭૫ એરક્રાફ્ટ સાથે યોજાયેલી ગ્રાન્ડ ફ્લાયપાસ્ટનો પણ સમાવેશ થાય છે.
એનસીસી દ્વારા તૈયાર થયેલી કૃતિ ‘શહીદો કો શત્ શત્ નમન’ને પરેડમાં પહેલીવાર સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત ૪૮૦ નૃત્યકારોએ સાંસ્કૃતિક ઝલક રજૂ કરી હતી. પરેડમાં ૭૫ મીટર લાંબી અને ૧૫ ફૂટ ઊંચી કુલ ૧૦ પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેને ૬૦૦ કલાકારોએ તૈયાર કરી હતી.
ધ્વજવંદન અને ૨૧ તોપોની સલામી બાદ શરૂ થયેલી પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડની આગેવાની લેફ્ટનન્ટ જનરલ વિજયકુમાર મિશ્રા દ્વારા કરવામાં આવી હતી. પરેડના સેકન્ડ ઈન કમાન્ડ ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ આલોક કાકર હતા. પરેડમાં રાજપૂતાના રેજિમેન્ટ, અસમ રેજિમેન્ટ, જમ્મુ અને કાશ્મીર લાઈટ રેજિમેન્ટ, શીખ લાઈટ રેજિમેન્ટ, આર્મી ઓર્ડિનન્સ કોર્પસ, પેરાશૂટ રેજિમેન્ટે ભાગ લીધો હતો. આ ઉપરાંત મદ્રાસ રેજિમેન્ટ સેન્ટર, કુમાઉ રેજિમેન્ટ સેન્ટર, મરાઠા લાઈટ રેજિમેન્ટ સેન્ટર, જમ્મુ અને કાશ્મીર લાઈટ રેજિમેન્ટ સેન્ટર, આર્મી મેડિકલ કોર્પસ સેન્ટર એન્ડ સ્કૂલ, ૧૪ ગોરખા ટ્રેઈનિંગ સેન્ટર, આર્મી સપ્લાય કોર્પસ સેન્ટર એન્ડ કોલેજ, બિહાર રેજિમેન્ટ સેન્ટર અને આર્મી ઓર્ડિનન્સ કોર્પસ સેન્ટરના સંયુક્ત બેન્ડે પણ પરેડમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત ૬૧ કેવેલરી, ૧૪ મિકેનાઈઝ્ડ કોલમ્સ, સિક્સ માર્ચિંગ કન્ટિજેન્ટ્સ અને આર્મી એવિએશનના એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર્સે પણ પરેડની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા. પીટી-૭૬ ટેન્ક, અર્જુન એમકે-આઈ ટેન્ક, ધનુશ ગન સિસ્ટમ, પીએમએસ બ્રીજ અને બે સર્વત્ર બ્રીજ સિસ્ટમ, એચટી-૧૮ અને બે તરંગ શક્તિ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, ટાઈગર કેટ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ પણ પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પરેડમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત નવ મંત્રાલયો અને વિભાગો દ્વારા બનાવાયેલા ટેબ્લોને પણ સમાવાયા હતા. અરુણાચલના એંગ્લો-એબોર, હરિયાણાના સ્પોર્ટ્સ, ગોવાના સ્થાનિક હેરિટેજની થીમ પર ટેબ્લો બનાવાયા હતા. જ્યારે ગુજરાતનો ટેબ્લો આદિવાસી સંસ્કૃતિ પર બનાવાયો હતો. રિપબ્લિક ડે પરેડમાં પહેલીવાર ઇંડિયન એરફોર્સે દૂરદર્શન સાથે કોઓર્ડિનેશન કરીને ફ્લાય પાસ્ટના કોકપીટ વીડિયો રજૂ કર્યા હતા. ફ્લાયપાસ્ટમાં વિન્ટેજ ઉપરાંત હાલના રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-૧૭, સારંગ, અપાચે, ડાકોટા જેવા આધુનિક એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટમાં જોવા મળ્યા હતા.