વિશ્વકલ્યાણ માટે સબકા સાથ, સબકા વિકાસ મોડેલ સિદ્ધાંત બની શકેઃ વડાપ્રધાન

Thursday 07th September 2023 15:18 EDT
 

નવી દિલ્હીઃ રાજધાનીમાં G-20 સમિટના સપ્તાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના કલ્યાણ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ મોડેલ માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. G-20 તેની સંયુક્ત આર્થિક તાકાતના સંદર્ભમાં એક પ્રભાવશાળી જૂથ છે, પરંતુ વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિત અભિગમમાં બદલાઈ રહ્યો છે. જેમ બીજા વિશ્વ યુદ્ધ પછી એક નવી વિશ્વ વ્યવસ્થા જોવા મળી હતી, તેમ કોવિડ પછી નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે.

આપણા G-20ના પ્રમુખપદની થીમ – ‘વસુધૈવ કુટુંબકમ્ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ તે માત્ર એક સૂત્ર જ નહીં પરંતુ એક વ્યાપક ફિલસૂફી છે, જે આપણી સાંસ્કૃતિક નૈતિકતામાંથી ઉતરી આવી છે. આ તે અભિગમ છે જે વૈશ્વિક સ્તરે પણ આપણને માર્ગદર્શન આપે છે. અમે એવા લોકોના સમાવેશ માટે કામ કરીએ છીએ જેમને લાગે છે કે તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો નથી. દરેક દેશનો અવાજ મહત્વનો છે, પછી ભલે તે કદ, અર્થવ્યવસ્થા અથવા ક્ષેત્ર હોય.

ભારત એક બિલિયન કુશળ લોકોનો દેશ
80 મિનિટના એક વિશેષ ઇન્ટરવ્યૂમાં મોદીએ જણાવ્યું હતું કે જીડીપીના કદને ધ્યાનમાં લીધા વિના દરેક અવાજ મહત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે માનવકેન્દ્રિત અભિગમ તરફ પરિવર્તન ચાલુ થયું અને આપણે એક ઉદ્દીપકની ભૂમિકા ભજવી રહ્યા છીએ. પીએમએ જણાવ્યું હતું કે પહેલા ભારત એક બિલિયનથી વધુ ભૂખ્યા પેટ ધરાવતા દેશ તરીકે જાણીતો હતો, પરંતુ હવે ભારતને એક બિલિયનથી વધુ મહત્વાકાંક્ષી લોકો, બે બિલિયનથી વધુ કુશળ હાથો અને કરોડો યુવાનોના રાષ્ટ્ર તરીકે જોવામાં આવે છે. 2047 સુધીનો સમયગાળો વિશાળ તકનો છે. આ સમયગાળા સુધીમાં આપણો દેશ વિકસિત દેશોમાં સામેલ થશે.

આફ્રિકન યુનિયનને પૂર્ણ સભ્યપદની તરફેણ
પીએમ મોદીએ ભારતની આર્થિક પ્રગતિ, ભારતના વધતાં વૈશ્વિક પ્રભાવ, સાયબર-સિક્યોરિટી, ડેટ ટ્રેપ, બાયો-ઈંધણ નીતિ, યુએન સુધારા, ક્લાઈમેટ ચેન્જ અને ભારત અંગેના તેમના વિઝનની વિગતો રજૂ કરી હતી. વૈશ્વિક દેવા કટોકટીને તેમને ખાસ કરીને વિકાસશીલ દેશો માટે મોટી ચિંતાનો વિષય ગણાવ્યો હતું અને નાણાકીય શિસ્ત પર ભાર મૂક્યો હતો. યુનાઇટેડ નેશન્સમાં સુધારાની જોરદાર તરફેણ કરતાં તેણે જણાવ્યું હતું કે 20મી સદીનો અભિગમ 21માં સદીને ચાલી શકે નહીં. મોદીએ G-20ના સંપૂર્ણ સભ્ય તરીકે આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવાની પણ તરફેણ કરી હતી.

પીએમ મોદીને કરાયેલા અનેક સવાલો પર જવાબ...

• ભારતને મળેલી G-20ના યજમાની અસર...
1 લાખથી વધુ પ્રતિનિધિઓએ વિવિધ પ્રદેશોમાં જતા ભારતની મુલાકાત લીધી હશે અને આપણી જનસંખ્યા (ડેમોગ્રાફી), લોકશાહી (ડેમોક્રસી) અને વિવિધતા (ડાઈવર્સિટી)ના સાક્ષી હશે. તેઓ એ પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે ચોથો ડી, વિકાસ (ડેવલપમેન્ટ), છેલ્લા એક દાયકાથી લોકોને સશક્ત બનાવી રહ્યો છે. ભારતના G-20 પ્રેસિડેન્સીએ પણ કહેવાતા ‘થર્ડ વર્લ્ડ’ના દેશોમાં વિશ્વાસના બીજ રોપ્યા છે. ભારતમાં માર્ગ બતાવનાર ‘સબકા સાથ સબકા વિકાસ’ મોડેલ પણ વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. જીડીપીના કદને ધ્યાનમાં લીધા વિના દરેકનો અવાજ મહત્વપૂર્ણ છે.

• કાશ્મીરમાં G-20 બેઠકો સામે ચીન અને પાક.ના વાંધા અંગે...
જો આપણે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત તો આવો પ્રશ્ન વાજબી હતો. આપણું રાષ્ટ્ર આટલું વિશાળ, સુંદર અને વિવિધતાસભર રાષ્ટ્ર છે. જ્યારે G-20 બેઠકો થઈ રહી છે, ત્યારે શું એ સ્વાભાવિક નથી કે આપણા દેશના દરેક ભાગમાં બેઠકો યોજાય?

• બાયો-ફ્યુલ જોડાણ અંગે ...
આપણે છેલ્લાં થોડાં વર્ષોમાં સૌર ઊર્જાની ક્ષમતા 20 ગણી વધારવા જેવી આબોહવા કેન્દ્રિત પહેલોમાં મોટી પ્રગતિ કરી રહ્યાં છીએ. આપણે કદાચ G-20 દેશોમાં પ્રથમ છીએ કે જેમણે નિર્ધારિત તારીખથી 9 વર્ષ પહેલાં આપણા આબોહવા લક્ષ્યોને પ્રાપ્ત કર્યા છે.

• સાયબર ગુનાઓ મામલે...
એવા ઘણા ડોમેન્સ હોઈ શકે છે જેમાં વૈશ્વિક સહકાર ઇચ્છનીય છે. પરંતુ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગ ઈચ્છનીય હોવાની સાથે અનિવાર્ય પણ છે. કારણ કે ધમકીની ગતિશીલતા વિતરિત કરવામાં આવે છે.

• 2047ના અમૃત કાલ વર્ષમાં ભારત પર...
આ યુગમાં જીવી રહેલા ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની એક મોટી તક છે જે આગામી વર્ષો સુધી યાદ રહેશે! મને ખાતરી છે કે 2047 સુધીમાં આપણો દેશ વિકસિત દેશોમાં સામેલ થઈ જશે. આપણું અર્થતંત્ર હજુ વધારે સર્વસમાવેશક અને નવીનતાસભર હશે. આપણા ગરીબ લોકો ગરીબી સામેની લડાઈને વ્યાપકપણે જીતશે. ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter