ન્યૂ યોર્કઃ કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને પોતાના ઉદ્યોગોમાં ધરખમ સુધારા કરનારી ટોચની ૨૫ હસ્તીઓના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ટોચનું સ્થાન મળ્યું છે. ‘ગ્લોબલ ગેમ ચેન્જર્સ’ નામનું આ લિસ્ટ અમેરિકાના પ્રખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયું છે.
યાદીમાં સામેલ અન્ય મહાનુભાવોમાં ૧૩ અમેરિકી છે, ત્રણ ચાઇનીઝ અને બે બ્રિટિશ છે. અન્ય છમાં ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સાઉદી અરબ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ યાદીમાં બ્રિટનની હોમ એપ્લાયન્સ કંપની ડાયસનના ફાઉન્ડર જેમ્સ ડાયસન, અમેરિકી કંપની બ્લેકરોકના ફાઉન્ડર લેરી ફ્રાન્ક, સાઉદી અરબના ડેપ્યુટી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, સાઉથ આફ્રિકાના રિટેલ ટાઇકૂન ક્રિસ્ટો વિજે, સોશિયલ મીડિયા કંપની સ્નેપના કો-ફાઉન્ડર એવન સ્પીગલ અને ચીનની રાઈડ શેરિંગ કંપની દીદી ચૂશિંગના ટાઈકૂન ક્રિસ્ટો વીઝને સામેલ કરાયા છે.
‘ફોર્બ્સ’એ ૬૦ વર્ષના મુકેશ અંબાણીને ભારતમાં ઈન્ટરનેટ સેવામાં ક્રાંતિ લાવવા માટે પ્રથમ સ્થાન આપ્યું છે. ક્રમે રાખ્યા છે. ઓઈલ અને ગેસ ક્ષેત્રના આ મહારથીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશના ટેલિકોમ બજારમાં ધમાકેદાર પ્રવેશ કર્યો. ખૂબ ઓછા દરે ઈન્ટરનેટ સેવા આપી છ મહિનામાં ફક્ત ૧૦ કરોડ ગ્રાહકો તો બનાવ્યા સાથે સાથે ટેલિકોમ ઉદ્યોગમાં વિલય- એકીકરણની લહેર પણ શરૂ કરી. હરીફ કંપનીઓને બજારમાં ટકી રહેવા માટે માર્કેટિંગની નવી નવી રણનીતિ અપનાવવા મજબૂર કરી. ‘ફોર્બ્સ’એ મુકેશ અંબાણીના એ શબ્દોનો ઉલ્લેખ પણ કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે જે કંઈ ડિજિટલ થઈ શકે છે તે ડિજિટલ થઈ રહ્યું છે. ભારત તેમાં પાછળ ન રહી શકે.
બીજી વાર્ષિક યાદી જાહેર કરતાં ‘ફોર્બ્સ’એ જણાવ્યું છે કે જ્યાં અનેક બિઝનેસમેન ફક્ત તેમનું ટર્નઓવર વધારવા મથી રહ્યા છે ત્યાં બીજા અનેક એવા લોકો છે જેઓ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન આણી રહ્યા છે. સાથે સાથે જ તેમનું ભવિષ્ય પણ કંડારી રહ્યા છે.
ત્રણ કારણોસર મુકેશ અંબાણી પ્રથમ સ્થાને
• સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી સાથે ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ લાવ્યા.
• ખૂબ ઓછા દરેક ઈન્ટરનેટ પૂરું પાડી લોકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા.
• છ મહિનામાં ૧૦ કરોડ ગ્રાહક બનાવીને ઉદ્યોગ ક્ષેત્રે મર્જર-એક્વિઝીશનની લહેર પેદા કરી.
નેટવર્થમાં ૩૧ ટકાનો વધારો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વેલ્યુએશન વધવાથી મુકેશ અંબાણીની નેટવર્થ ચાલુ વર્ષે પાંચ મહિનામાં ૩૧ ટકા વધી છે. તેમની નેટવર્થ ૧.૯૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે ડિસેમ્બર ૨૦૧૬ના અંતમાં લગભગ ૧.૪૬ કરોડ રૂપિયા હતી. રિલાયન્સ જિયોનો ઉલ્લેખ કરીને ‘ફોર્બ્સ’ મેગેઝિને લખ્યું છેઃ ક્રૂડ ઓઇલ અને ગેસ ક્ષેત્રના બિઝનેસમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી કરીને ખૂબ જ ઓછા દરે લોકોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડી છે. જિયોએ છ મહિનામાં જ ૧૦ કરોડથી વધુ ગ્રાહકો મેળવ્યા છે અને માર્કેટમાં અનેક કંપનીઓને તેમની સ્ટ્રેટેજી બદલવા મજબૂર થવું પડ્યું છે.
લિસ્ટમાં સામેલ અન્ય મહાનુભાવો
જિવ અવિરામ - અમનોન શાશુઆઃ ૫૮ વર્ષના જિવ અવિરામ અને ૫૬ વર્ષના અમનોન શાશુઆ ઇઝરાયલી છે અને મોબાઇલઆઇ નામની કંપનીનું સંચાલન કરે છે. આ બંને સહ-સ્થાપકોએ કાર્સને સ્માર્ટ, સુરક્ષિત બનાવી છે. એમની કંપની કેમેરા આધારિત આસિસ્ટેડ-ડ્રાઇવિંગ સિસ્ટમની મુખ્ય પ્રોવાઇડર છે. કંપની એવા મેપ્સ પણ બનાવી રહી છે, જે વાહનો દ્વારા મળતા ડેટાનું વિશ્લેષણ કરીને કાર્સને માનવી જેવા નિર્ણય લેવાની ક્ષમતા આપે છે.
સ્ટુઅર્ટ બટરફિલ્ડઃ ૪૪ વર્ષના સ્ટુઅર્ટ બટરફિલ્ડ અમેરિકામાં સ્લેક નામની કંપનીના સ્થાપક અને સંચાલક છે. એમના મેસેજિંગ પ્લેટફોર્મનો વિશ્વની ઘણી કંપનીઓ ઉપયોગ કરે છે. બટરફિલ્ડ કહે છે કે આગામી ૧૦ વર્ષમાં દરેક કંપની આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હશે. બટરફિલ્ડની કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી છે.
જ્હોન અને પેટ્રિલક કોલિસનઃ યાદીમાં સામેલ સૌથી યુવાન સભ્યો છે ૨૬ વર્ષનો જ્હોન અને ૨૮ વર્ષનો પેટ્રિક. અમેરિકામાં વસતા અને સ્ટ્રાઇપ નામની કંપનીની માલિકી ધરાવતા આ આઇરીશ બંધુઓએ પોતાની ડિજિટલ પેમેન્ટ સર્વિસ દ્વારા દુનિયાભરમાં ઓનલાઇન અને મોબાઇલ લેવડદેવડ આસાન બનાવી છે. તેમની ડિજિટલ પેમેન્ટ સેવા ‘સ્ટ્રાઇપ’ દ્વારા ૨૫ દેશોમાં અબજો ડોલરની લેવડદેવડ થાય છે.
જેમ્સ ડાયસનઃ બ્રિટિશ નાગરિક એવા ૭૦ વર્ષના જેમ્સ ડાયસન વ્યવસાયે ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર અને હોમ એપ્લાયન્સિસ કંપની ડાયસનના સ્થાપક છે. જેમ્સ ડાયસને બેગલેસ વેક્યુમ ક્લીનરની શોધ કરી છે. તેમના બેટરી ઓપરેટેડ વેક્યુમ ક્લીનરને લોકો બહુ પસંદ કરે છે. આ વેક્યુમ ક્લિનર વિકસાવવામાં તેમને ૧૭ વર્ષ લાગ્યા હતા. આ દરમિયાન તેમણે ૧,૦૦૦થી વધુ પ્રોટોટાઇપ બનાવ્યા હતા.