વિશ્વના વિકાસને વેગ આપશે ભારતની પ્રગતિ

Wednesday 29th September 2021 03:12 EDT
 
 

યુનાઇટેડ નેશન્સઃ ભારત જ્યારે વિકાસ સાધે છે ત્યારે સમગ્ર વિશ્વના વિકાસને વેગ મળે છે. ભારતની વૃદ્ધિ વિશ્વના પરિવર્તનમાં મહત્ત્વનું યોગદાન આપે છે. યુનાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય મંચ પરથી સમસ્ત વિશ્વને આ સંદેશ આપ્યો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ. પાંચ દિવસના અમેરિકા પ્રવાસના અંતિમ ચરણમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ૭૬મા સત્રને સંબોધતાં વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદથી માંડીને અફઘાનિસ્તાનની અશાંતિ, ચીનની વિસ્તારવાદી નીતિ, કોરોના મહામારી, લોકતંત્ર, ક્લાયમેટ ચેન્જ સહિતના અનેક મુદ્દા આવરી લીધા હતા.
વડા પ્રધાન મોદીએ અતિશય વ્યસ્ત યુએસ પ્રવાસ દરમિયાન પ્રમુખ જો બાઇડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. તેમજ ક્વાડની બેઠકમાં પણ હાજરી આપી હતી. તો આની સાથોસાથ તેમણે અમેરિકાની ટોચની કંપનીના સીઇઓ સાથે બેઠકો યોજીને તેમને ભારતમાં વિવિધ ક્ષેત્રે મૂડીરોકાણ તેમજ ટેક્નિકલ સહયોગ માટે આમંત્રિત કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરતાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની ઝાટકણી કાઢી હતી અને ચીનની પણ ટીકા કરતાં કહ્યું કે આપણા સમુદ્ર આપણો સહિયારો વારસો છે. આથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઓશન રિસોર્સનો આપણે ઉપયોગ કરીએ, દુરુપયોગ નહીં. અફઘાનિસ્તાનનો મુદ્દો ઊઠાવતાં પણ તેમણે ફરી એક વખત કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરતાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની ઝાટકણી કાઢી હતી અને ચીનની પણ ટીકા કરતાં કહ્યું કે આપણા સમુદ્ર આપણો સહિયારો વારસો છે. આથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઓશન રિસોર્સનો આપણે ઉપયોગ કરીએ, દુરુપયોગ નહીં. અફઘાનિસ્તાનનો મુદ્દો ઊઠાવતાં પણ તેમણે ફરી એક વખત કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં.
પાકિસ્તાનની ઝાટકણી
વડા પ્રધાને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા કહ્યું કે વિરોધી વિચારસરણી સાથે જે દેશ આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યો છે તેણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલું જ મોટું જોખમ છે. આજે વિશ્વ સામે વિરોધી વિચારસરણી અને કટ્ટરવાદનું જોખમ વધી રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં આખા વિશ્વે વિજ્ઞાન આધારિત તર્ક સંગત અને પ્રગતિશીલ વિચારસરણીને વિકાસનો આધાર બનાવવો પડશે.
સમુદ્ર સંયુક્ત વારસો...
મોદીએ ચીનનો નામોલ્લેખ કર્યા વિના તેની વિસ્તારવાદી નીતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું, સમુદ્રો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. સમુદ્રી સરહદોનો દુરુપયોગ ન થવો જોઈએ. આપણે સરહદોની વિસ્તારવાદી વિચારસરણી સામે અવાજ ઊઠાવવો જોઈએ. ચીનની સરમુખત્યારશાહી વ્યવસ્થાને દર્પણ બતાવતાં વડા પ્રધાને ભારતના લોકતંત્રના ભરપૂર વખાણ કર્યા હતા.
ભારત લોકતંત્રની જનની, ચાવાળો પીએમ બની શકે
અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસે દુનિયામાં લોકતંત્રો જોખમમાં મૂકાયા હોવાનું નિવેદન કર્યું હતું. તે સંદર્ભે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જેને લોકતંત્રની માતા બનવાનું ગૌરવ હાંસલ છે. ભારતમાં લોકતંત્રની પરંપરા હજારો વર્ષો જૂની છે. અમારી વિવિધતા અમારા સશક્ત લોકતંત્રની ઓળખ છે. ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે, અલગ અલગ પહેરવેશ અને ખાન-પાન છે. આ વાઈબ્રન્ટ લોકતંત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ ભારતના લોકતંત્રની જ તાકાત છે કે એક સમયે રેલવે સ્ટેશન પર ચા વેચતો નાનો બાળક આજે વડા પ્રધાન તરીકે ચોથી વખત યુએનને સંબોધન કરી રહ્યો છે.
ચાણક્યને યાદ કરી યુએન વિસ્તરણ પર ભાર
મોદીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે યુએને પોતાને પ્રાસંગિક બનાવી રાખવું હશે તો તેણે પોતાની અસરકારક્તા સુધારવી પડશે. વિશ્વસનિયતા વધારવી પડશે. યુએન સામે આજે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જળવાયુ સંકટ અને કોરોના મહામારી દરમિયાન આ સવાલો જોયા છે. દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલા છદ્મ યુદ્ધ અને વર્તમાન અફઘાન સંકટે આ સવાલોને વધારી દીધા છે. ભારતના મહાન રણનીતિકાર ચાણક્યે કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં ન આવે તો સમય જ તે કામની સફળતાને નષ્ટ કરી દે છે. યુએને પોતાને પ્રાસંગિકતા જાળવી રાખવી હશે તો પોતાની વિશ્વસનીયતા વધારવી પડશે.
વિકાસમાં કોઈ પાછળ ન રહી જાય તે ભારતનો મત
ક્લાયમેટ ચેન્જનો મુદ્દો ઊઠાવતાં તેમણે કહ્યું કે, પ્રદૂષિત પાણી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયા માટે મોટી સમસ્યા છે. આ પડકારનો સામનો કરવા માટે અમે આખા ભારતમાં ૧૭ કરોડથી વધુ ઘરોમાં સ્વચ્છ, પીવાનું પાણી પૂરું પાડવા મોટું અભિયાન ચલાવ્યું છે. દુનિયામાં દરેક છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. ભારતની પ્રગતિથી વૈશ્વિક વિકાસમાં ઝડપ આવશે. ભારત આગળ વધશે તો દુનિયા આગળ વધશે. ભારત સુધારો કરે છે તો દુનિયા બદલાઈ જાય છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત વિકાસના માર્ગે કોઈ પાછળ ન રહી જાય તે અવધારણા સાથે આગળ વધે છે.
નિર્ભિક થઈ આગળ વધો: ટાગોર સ્મરણ
વડા પ્રધાને કહ્યું હતું, અંતમાં નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો સાથે પોતાની વાત સમાપ્ત કરી રહ્યો છું. પોતાના શુભ કર્મ પથ પર નિર્ભિક થઈને આગળ વધો. બધી જ દુર્બળતા અને આશંકાઓ સમાપ્ત થઈ જશે. આ સંદેશ આજના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માટે જેટલો પ્રાસંગિક છે, તેટલો જ દરેક જવાબદાર દેશ માટે પણ પ્રાસંગિક છે. મને વિશ્વાસ છે કે આપણે બધાના પ્રયાસોથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ વધશે. વિશ્વ સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter