નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ 45મી એજીએમને સંબોધતા કહ્યું હતું કે દિવાળી સુધીમાં પસંદગીના અગ્રણી શહેરોમાં 5G સર્વિસ શરૂ થઈ જશે. 5G સાથે અમે 100 મિલિયન ઘરોને અપ્રતિમ ડિજિટલ અનુભવો અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ સાથે જોડીશું. જિયો 5G સાથે, અમે દરેકને દરેક જગ્યાએ અને દરેક વસ્તુને ઉચ્ચતમ ગુણવત્તા તથા સૌથી સસ્તા ડેટા થકી જોડીશું. ભારતની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત અમે વૈશ્વિક બજારોમાં ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. તેમણે કહ્યું કે જિયો 5G એ વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્યતન 5G નેટવર્ક હશે. જિયો 5Gનું નવીનતમ સંસ્કરણ અમલી બનાવશે.
રિલાયન્સના હવે એફએમસીજી બિઝનેસમાં પગરણ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી છે કે તે આ વર્ષે એફએમસીજી સેક્ટરમાં પ્રવેશ કરશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ના ડિરેક્ટર ઈશા અંબાણીએ સોમવારે કંપની એજીએમમાં આ જાહેરાત કરી હતી. દરેક ભારતીયની જરૂરિયાત પૂરી થાય તેવી હાઈ ક્વોલિટી અને પરવડે તેવી કિંમતની પ્રોડક્ટ્સ ડેવલપ કરીને માર્કેટમાં મૂકાશે.
તેમણે કહ્યું કે રિલાયન્સ રિટેલે વિતેલા નાણાકીય વર્ષમાં સ્ટેપલ્સ, હોમ, પર્સનલ કેર અને જનરલ મર્ચન્ડાઈઝ જેવી અનેક કેટેગરીમાં સંખ્યાબંધ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરીને પોતાની બ્રાન્ડ ઊભી કરી છે. રિલાયન્સ રિટેલની સ્ટ્રેટજી લાખો નાના વેપારીઓને જોડવાની અને તેમને સમૃદ્ધ બનાવે તેવું પ્લેટફોર્મ ઊભું કરવાની છે. લોન્ચના બે વર્ષમાં જ તેના મર્ચન્ટ પાર્ટનર્સની સંખ્યા 20 લાખથી વધુ થઈ ગઈ છે. દર વર્ષે તેમાં 1.5 લાખનો ઉમેરો થઈ રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા 1 કરોડને પાર થઈ જશે અને દેશના 7500 શહેરો અને 5 લાખ ગામ સુધી તેનો વ્યાપ વધારવામાં આવશે.
ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલનો હેતુ ફિઝિકલ સ્ટોર્સ અથવા ડિજિટલ તથા ઓમ્ની-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા અમર્યાદિત પસંદગી, આઉટસ્ટેન્ડિંગ વેલ્યૂ પ્રપોઝીશન, શ્રેષ્ઠ ગુણવત્તા અને અજોડ અનુભવ સાથે દરરોજ લાખો ગ્રાહકોને સેવા આપવાનો છે. તેમણે કહ્યું કે અમે એક મજબૂત ટેક્નોલોજી આધારિત સક્ષમ સપ્લાય ચેઇનની સ્થાપના કરીશું, જે ભારતમાં તમામ ભૌગોલિક વિસ્તારોમાં ઉત્પાદનોને સૌથી વધુ કાર્યક્ષમ રીતે પહોંચાડવા સક્ષમ છે. બિનકાર્યક્ષમતા અને કચરાને દૂર કરવાથી ગ્રાહકો તેમજ રાષ્ટ્રીય અર્થતંત્રને મોટો ફાયદો થશે.
જિયો અને રિટેલના આઈપીઓ અંગે આવતા વર્ષે અપડેટ
મુકેશ અંબાણીએ રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના આઈપીઓ અંગે આવતા વર્ષની એજીએમમાં જાહેરાત કરાશે તેમ કહ્યું હતું. શેરધારકોના પ્રશ્નોના જવાબમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘જિયો અને રિટેલના આઈપીઓના સવાલ અંગે હું બોર્ડના ડિરેક્ટર્સ સાથે વાત કરીશ. આઈપીઓના સમય અને વેલ્યૂએશન અંગે સૈદ્ધાંતિક વલણ યથાવત્ છે. બન્ને બિઝનેસ માટે મેં પ્લાન સ્પષ્ટ કરી દીધા છે. આઈપીઓ અંગે હું આવતા વર્ષે મારી સ્પીચમાં અપડેટ આપીશ.’
પેટ્રોકેમિકલ્સમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આગામી પાંચ વર્ષમાં 75,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની એજીએમમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે પીટીએ પ્લાન્ટ સ્થાપવામાં, પોલિએસ્ટર ક્ષમતા વધારવા, વિનાઈલ ચેઈનની ક્ષમતા ત્રણ ગણી કરવા અને યુએઈમાં કેમિકલ યુનિટ સ્થાપવામાં આ રોકાણ કરાશે.
ભારત ગ્રોથ અને સ્થિરતાની દીવાદાંડી
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત દેશ ગ્રોથ અને સ્થિરતાની દીવાદાંડી બન્યો છે. વિશ્વના અનેક દેશોમાં અત્યારે ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ છે તેમ તેમણે કહ્યું હતું. કોરોનાનું સંકટ તો પૂરું થયું છે, પરંતુ ભૌગોલિક-રાજકીય ટેન્શન અને વૈશ્વિક જોખમોને પગલે અનિશ્ચિતતા છે. ઈંધણ, ખાદ્યચીજો અને ફર્ટિલાઈઝરના વધતા ભાવ દરેકને અસર કરી રહ્યા છે. ઊંચો ફુગાવો અને સપ્લાય ડિસરપ્શનને કારણે વૈશ્વિક મંદીનું જોખમ છે. આ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત આર્થિક વૃદ્ધિ અને સ્થિરતાની દીવાદાંડી બનીને ઊભું છે.