દુબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ગવર્ન્મેન્ટ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે આજે વિશ્વને વધારે પ્રમાણમાં સર્વસમાવેશી અને ભ્રષ્ટાચારમુકત સરકારોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે તે વર્ષોથી મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના સૂત્ર પર ભાર મૂકતા આવ્યા છે. સરકારોની લોકોના જીવનમાં બને તેટલી ઓછી દખલગીરી હોવી જોઈએ. હું માનું છું કે કોઈ પણ વ્યક્તિને સરકાર છે જ નહીં તેવું લાગવું ન જોઈએ, તેની સાથે સરકાર હોવાના દબાણનો અનુભવ પણ ન થવો જોઈએ.
ભારતમાં લોકોનો સરકારમાં વિશ્વાસ વધ્યો
વડાપ્રધાને 14 ફેબ્રુઆરીએ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં તેમની સરકારના શાસન દરમિયાન લોકોનો સરકારોમાં વિશ્વાસ વધ્યો છે. આ વિશ્વાસ વધવાનું કારણ સરકાર દ્વારા જનલાગણીને અપાતી વાચા છે. ભારત હાલમાં બધી રીતે એક ધરમૂળથી ક્રાંતિકારી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે મહિલાઓના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમા નાણાકીય, સામાજિક અને રાજકીય ઉત્થાનનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે આજે લોકોને ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ જસ્ટિસ, ઇઝ ઓફ મોબિલિટી, ઇઝ ઓફ ઇનોવેશન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પૂરુ પાડતી સરકારોની જરૂર છે. આ દિશામાં કામ કરનારી સરકારને જ લોકો પસંદ કરશે.
50 કરોડ લોકોને જનધન બેન્ક એકાઉન્ટ
મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે નાણાકીય સમાવેશિતાને અગ્રતા આપી છે. તેના જ ભાગરૂપે 50 કરોડ લોકો કે જેમની પાસે બેન્ક ખાતા પણ ન હતા તેમને જનધન એકાઉન્ટ યોજનામાં આવરી લેવાયા છે. અમેરિકાની વસ્તીથી પણ દોઢ ગણી વસ્તીને બેન્ક ખાતા સાથે જોડી દઈને નાણાકીય સમાવેશિતાની દિશામાં ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. ફિનટેક અને ડિજિટલ પેમેન્ટ્સના મોરચે ભારત સમગ્ર વિશ્વમાં ઝળહળતી કામગીરી કરી રહ્યું છે.
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
આજે ટેકનોલોજી હકારાત્મક કે નકારાત્મક બંનેરૂપે મહત્વનું પરિબળ બનીને ઉભરી છે. તેની સાથે આતંકવાદ માનવતા સામે દિનપ્રતિદિન નવા પડકારો ઊભા કરી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જના પડકારો પણ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આમ એકબાજુએ ઘરઆંગણાની સ્થિતિ સંભાળવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કથળતી જતી સ્થિતિ પણ જોવાની છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર હોવાની સાથે પેરિસ કલાઇમેટ ચેન્જની સંધિનું પાલન કરવા સજ્જ છે. પેરિસ ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંક ભારતે બીજા દેશો કરતાં વહેલા પૂરા કર્યા છે. ભારતે સૌર ઊર્જાની ક્ષમતાના મોરચે 26 ગણો વધારો નોંધાવ્યો છે તો અક્ષય ઉર્જાના મોરચે તેની ક્ષમતા બમણી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વની 17 ટકા વસ્તી ધરાવતું હોવા છતાં વૈશ્વિક પ્રદૂષણમાં તેનો હિસ્સો માંડ ચાર ટકા છે. ભારતે તેના પ્રદૂષણ લક્ષ્યાંકો નિયત સમય કરતાં 11 વર્ષ પહેલા અને બિનપરંપરાગત ઉર્જાના લક્ષ્યાંકો નિયત સમયના નવ વર્ષ પહેલા હાંસલ કર્યા છે. ભારતમાં 2030 સુધીમાં 50 ટકા પ્રદૂષણમુક્ત વીજર્ળી ઉત્પન્ન કરતું હશે.