લંડનઃ બ્રિટનની રાણીના સ્તંભ બની રહેલા પતિ પ્રિન્સ ફિલિપના અવસાનથી સમગ્ર વિશ્વમાં આદરાંજલિઓનો ધોધ વહ્યો છે. વિશ્વનેતાઓ અને રાજપરિવારોએ ફિલિપના સંમોહન, રમૂજવૃત્તિ, નિખાલસતા અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવ્યા હતા અને ક્વીન એલિઝાબેથ દ્વિતીય, શાહી પરિવાર અને બ્રિટનની પ્રજા તરફ ઊંડી સંવેદના સાથે દિલસોજી વ્યક્ત કરી હતી.
પોપ ફ્રાન્સિસ, નોર્વેના કિંગ હેરલ્ડ અને સ્વીડનના કિંગ કાર્લ ગુસ્તાવ ૧૬મા, બેલ્જિયમના કિંગ ફિલિપ અને ક્વીન મેથિલ્ડે, યુએસના પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેન તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ, બરાક ઓબામા, ક્લિન્ટન સહિતના પૂર્વ પ્રમુખો, ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં, રશિયન પ્રેસિડેન્ટ વ્લાડિમીર પુતિન, ચીનના પ્રમુખ ક્સી જિનપિંગ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ, તેમજ ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, આયર્લેન્ડ અને કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર્સે પ્રિન્સ ફિલિપને આદરાંજલિ અર્પી હતી.
યુએસ પ્રમુખ જો બાઈડેને શોકસંદેશામાં જણાવ્યું હતું કે,‘દાયકાઓની સમર્પિત જાહેર સેવા તેમણે પર્યાવરણ પ્રયાસોની કરેલી હિમાયત, આર્મ્ડ ફોર્સીસના સભ્યોને સપોર્ટ, યુવાનોને પ્રેરણ સહિતની બાબતોમાં દેખાઈ આવે છે. તેમનો વારસો માત્ર તેમના પરિવાર થકી જ નહિ પરંતુ, તેમણે આકાર આપેલા ચેરિટેબલ સંગઠનો થકી જીવંત રહેશે.’
પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરેલી શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું કે બકિંગહામ પેલેસની મુલાકાત લીધી ત્યારે ક્વીન અને પ્રિન્સ ફિલિપે તેમને અને મિશેલને મોકળાશની સ્થિતિમાં મૂક્યાં હતાં. તેમણે કહ્યું કે, ‘પ્રિન્સ ફિલિપ તેમની તીવ્ર રમૂજ અને હાસ્ય સાથે દયાળુ અને ઉષ્માસભર હતા. એક ટાઈટલની પાછળ રહેલી વ્યક્તિ સાથે આ અમારી પ્રથમ મુલાકાત હતી અને તે પછીના વર્ષોમાં તેમના પ્રતિ અમારી ચાહના વધતી જ ગઈ હતી. અમને તેમની ઘણી ખોટ સાલશે.’
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રિન્સ ફિલિપની નોંધપાત્ર લશ્કરી કારકીર્દિ અને અનેક કોમ્યુનિટી સર્વિસ ઈનિશિયેટીવ્ઝને યાદ કર્યા હતા. તેમણે આ શોકના સમયમાં તેઓ બ્રિટિશ પ્રજા અને શાહી પરિવારની સાથે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પોપ ફ્રાન્સિસે ‘તેમના લગ્ન અને પરિવાર પ્રત્યેના સમર્પણ’ને બિરદાવ્યું હતું જ્યારે ક્સી જિનપિંગે ક્વીન અને તેમના પરિવારને ‘ઊંડી દિલસોજી’ પાઠવી હતી.