નવી દિલ્હીઃ કોરોના એ ચીન દ્વારા બનાવવામાં આવેલો માનવસર્જિત વાઇરસ છે તેવું ફરી એક વાર પુરવાર થઈ રહ્યું છે. ચીનની વુહાન લેબમાંથી જ કોરોનાનો વાઈરસ લીક થયો છે તેવો સનસનાટીભર્યો દાવો અમેરિકાના મીડિયા રિપોર્ટમાં કરાયો છે. આમ કોરોના વાઈરસ મામલે ચીન ફરી એક વાર આરોપોનાં ઘેરામાં મૂકાયું છે.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાના મીડિયાએ ૨૦૧૫માં ચીનમાં કોરોના પર થઈ રહેલા રિસર્ચનો ખુલાસો કર્યો હતો. હવે અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન દ્વારા આખા વિશ્વ તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ - ‘હૂ’)થી મહત્ત્વની માહિતી છુપાવવામાં આવી છે. ‘હૂ’ની સમિતિની મિટિંગ પહેલા પ્રસિદ્ધ થયેલો આ રિપોર્ટ વિસ્ફોટ સર્જશે તેવી ધારણા છે.
ચીનમાં પહેલો કેસ નોંધાયાના મહિના અગાઉ ૩ સંશોધકો બીમાર
રિપોર્ટ મુજબ ચીને ‘હૂ’ને એવું જણાવ્યું હતું કે, વુહાનમાં કોરોનાનો પહેલો કેસ ૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ નોંધાયો હતો. ખરેખર વાઈરસનું સંક્રમણ પહેલો કેસ નોંધાયો તેના એક મહિના અગાઉ શરૂ થઈ ગયું હતું. ચીનની વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજીના ૩ રિસર્ચર્સને નવેમ્બર ૨૦૧૯માં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેઓમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આ પછી વુહાન લેબમાંથી જ કોરોના લીક થયો હોવાનો શક વધ્યો છે.
લેબમાં ડોકટરો જ્યારે સંશોધન કરતા હોય ત્યારે જ તેમને કોરોનાનું સંક્રમણ થયું હોય અને બીમાર પડયા હોય તેવું બની શકે છે. સંશોધકોને થયેલી અસર, તેમનાં લક્ષણો અને માંદગીનો સમયગાળો તેમજ હોસ્પિટલમાં તેમની સારવારનો સમય પણ આ વાતને પુષ્ટિ આપે છે.
ચીનની સંડોવણીની તપાસ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાન પર દબાણ
કોરોનાની વૈશ્વિક મહામારીનું મૂળ ક્યાં છે અને જવાબદાર દેશ સામે વધુ પગલાં લેવા એક ઠરાવ પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લી દ્વારા ત્રણ રિપોર્ટને આધારે કોરોના મહામારીનું મૂળ અને તેનાં કારણો શોધીને ગ્લોબલ પેન્ડેમિક સમજૂતી કરવા વિચારાઈ રહ્યું છે જેથી ભવિષ્યમાં કોઈ મહામારી ફેલાય તો જે તે દેશને જવાબદાર ઠેરવી શકાય. આ અગાઉ WHOની તપાસનાં પહેલા રિપોર્ટ સામે અમેરિકા, નોર્વે, કેનેડા, બ્રિટન સહિત કેટલાક દેશોએ શંકા વ્યક્ત કરી હતી. તે વખતે ચીને ‘હૂ’ની ટીમને પૂરતી માહિતી આપવા ઈનકાર કર્યો હતો.
જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવાનું ચીનનું કાવતરું
ઓસ્ટ્રેલિયાનાં મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે કોરોના વાઈરસ ૨૦૧૯માં અચાનક નથી આવ્યો. તેની તૈયારી ૨૦૧૫થી ચીન કરી રહ્યું હતું. ચીનની આર્મી ૬ વર્ષ પહેલાંથી કોરોના વાઈરસનો જૈવિક હથિયાર તરીકે કાવતરું ઘડી રહી હતી. જ્યારે જ્યારે આ મામલે તપાસની વાત આવી છે ત્યારે એક યા બીજા કારણોસર ચીન તેમાંથી ખસી ગયું છે.
એન્થની ફૌસીને પણ આશંકા
અમેરિકાના વાયરોલોજિસ્ટ અને યુએસ પ્રમુખ જો બાઈડેનના મેડિકલ એડવાઈઝર એન્થની ફૌસીએ પણ શંકા વ્યક્ત કરી હતી કે આ વાઈરસ આપોઆપ પેદા થયો હોય તેવું લાગતું નથી. આની તપાસ થવી જોઈએ. આ પછી અનેક દેશોએ કોરોના વાઈરસના ચાઈનીઝ લેબ સાથેના સંબંધની તપાસ કરવા ‘હૂ’ સમક્ષ માગણી કરી હતી. ટ્રમ્પ સરકારની ફેક્ટ શીટમાં પણ વુહાન લેબમાં સંશોધકોમાં કોરોનાનાં લક્ષણો જણાયાં હોવાનો ઉલ્લેખ હતો.
બાઇડેન સરકાર દ્વારા પણ તપાસઃ ચીન સામે સવાલ ઉઠાવ્યા
અમેરિકામાં હાલની બાઈડેન સરકાર પણ આ મામલે ઝડપથી અને ગંભીરતાથી તપાસ કરાવી રહી છે. આ મુદ્દે ‘હૂ’ના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. રાજકારણમુક્ત તપાસ માટે નિષ્ણાતો દ્વારા મહામારીનું મૂલ્યાંકન થાય અને કારણો શોધવામાં આવે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. બાઈડેન સરકારે પણ આ મુદ્દે ચીન સામે શંકા દર્શાવી સવાલો ઉઠાવ્યા છે.
વાઇરસ લીક થયો હોવાની વાતને ચીનનો રદિયો
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના એ સમાચારોને ચીને વખોડી કાઢયા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે વુહાનના ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીના ત્રણ રિસર્ચર નવેમ્બર ૨૦૧૯માં બીમાર પડયા હતા. ચાઇનાના વિદેશ વિભાગના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે યુએસના અખબારમાં છપાયેલા આ સમાચાર ખોટા અને તથ્યવિહીન છે. અમેરિકા દ્વારા વારંવાર કોરોના વાયરસ લેબમાંથી લીક થયો તેવી સ્ટોરીને ચગાવવામાં આવે છે. આ સિવાય લેબના ડાયરેકટર યુઆન ઝીમિંગે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, મેં આ અંગેના અહેવાલો વાંચ્યા જે પાયાવિહોણા છે. આવી માહિતીઓ ક્યાંથી બહાર આવે છે તે સમજાતું નથી. મહત્વપૂર્ણ છે કે, ‘હૂ’ દ્વારા આગામી સમયમાં કોરોના વાયરસની ઉત્પતીને લઇને આગામી તપાસ પર ચર્ચા અંગે એક બેઠક કરવામાં આવી રહી છે એવા સમયે આ સમાચારો સપાટી પર આવ્યા છે.