સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ખાનગી માલિકીનો વિશ્વનો સૌથી મોટો જમીન પ્લોટ વેચાણ માટે મૂકાયો છે. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧,૦૧,૪૧૧ ચોરસ કિલોમીટર છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિસ્તાર અમેરિકાના ઇંડિયાના સ્ટેટ જેટલો છે અથવા તો ઈંગ્લેન્ડના ૮૦ ટકા જેટલો છે. એક દેશ અથવા તો રાજ્ય જેટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ એક જ માલિકનો છે. પાંચ પેઢીથી આ પ્લોટ ધરાવતો કિડમેન પરિવાર હવે ૩૨.૫ કરોડ ડોલરમાં તે વેચવા માગે છે.
આ જમીન આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયાના મહાન પશુપાલક સર સિડની કિડમેને લીધી હતી. આ પ્રોપર્ટી માલિકી ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ખાનગી જમીનધારક છે. તેમના દ્વારા હવે વિશ્વના વિવિધ દેશોના બિડર્સને અંતિમ બ્રિફિંગ મોકલાઇ છે.
પશુપાલક કે જગતપાલક?
જમીનના મૂળ માલિક સિડની ૧૩ વર્ષની વયે ઘરેથી ભાગી ગયા હતા. એ વખતે ખિસ્સામાં પૂરો એક ડોલર પણ નહોતો, એમની પાસે વારસાઈ જમીન હતી એવું નથી. એમણે ૧૮૯૬માં પહેલી વખત જમીન ખરીદી. પશુપાલન શરૂ કર્યું અને પછી જમીન ખરીદતાં જ ગયાં. છેવટે મામલો લાખ ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો. સિડની પશુપાલક જ હતાં, ૧૯૩૫માં મૃત્યુ પામ્યા એ પહેલાં તેમની પાસે ૧,૭૬,૦૦૦ ગાય, બળદ, ઘોડા અને ૨,૧૫,૦૦૦ ઘેટાં હતાં.
મોટા ભાગની જમીન ઉજ્જડ
આ જમીનમાં કોઈ હીરા-મોતી ઊગતા નથી. ઓસ્ટ્રેલિયાનો મધ્યમ ભાગ બંજર છે એમ આ જમીન પણ ખાસ ઉપજાઉ નથી. વળી અહીં કોઈ એવી વસ્તી નથી. આખી જમીન આમ તો ગોચર છે. આજે આટલી વિશાળ જમીન પર કેટલ સ્ટેશનનો ૧૫૦ લોકોનો જ સ્ટાફ રહે છે અને તેની આસપાસ દૂર-સુદૂર સુધી કોઈ વસતી નથી. પશુઓ પણ વળી એન્ના ક્રીક નામના એક વાડામાં જ રહે છે. એ વાડાનો વિસ્તાર ૨૪ હજાર ચોરસ કિલોમીટર છે. આમ, પશુ બાંધવાનો એ વાડો પણ જગતનો સૌથી મોટો વાડો છે.
પણ જમીન ખરીદશે કોણ?
ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં પાંચ ટુકડામાં ફેલાયેલી આ જમીન ૧૦૦ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના સિડની કિડમેને ખરીદી હતી. અત્યારે સિડનીની પાંચમી પેઢી પાસે જમીન છે, જેમણે વેચવા કાઢી છે. દુનિયાભરમાંથી ખરીદી માટે ૩૦ જમીનદારોએ સંપર્ક પણ કર્યો છે. ટૂંક સમયમાં વેચાણ કાર્યવાહી શરૂ થશે. ત્યારબાદ એક પછી એક કરીને બધા સંભવિત ગ્રાહકોને વિમાનો દ્વારા જમીન બતાવવામાં આવશે. પ્લેન કે હેલિકોપ્ટમાં બેસીને પ્લોટનું હવાઇ નિરીક્ષણ કરવામાં આવે તો એક અઠવાડિયું લાગી જાય છે તેવો આ વિશાળ પ્લોટ ખરીદવામાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા, ચીન, કેનેડા, સ્વિત્ઝર્લેન્ડ, ઈન્ડોનેશિયા વગેરે દેશોના કેટલાક ધનાઢયોએ રસ દાખવ્યો છે.