વૈષ્ણવ એટલે “વિશ્વનો મિત્ર” અને મનને જ્યાં સાચી દિશા મળે એ મંદિર: વૈષ્ણવાચાર્યશ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)

વિશેષ અહેવાલ - કોકિલા પટેલ Wednesday 06th February 2019 11:41 EST
 
 

હેરોના રોસલીન ક્રેસન્ટ પર “જાસ્પર સેન્ટર”ની જગ્યાએ હવે વૈષ્ણવસંઘ યુ.કે.ના નેતૃત્વ હેઠળ “શ્રીનાથધામ” હવેલી અને કોમ્યુનિટી સેન્ટર બનશે એની વિસ્તૃત વિગત ગયા સપ્તાહના “ગુજરાત સમાચાર”માં પ્રસિધ્ધ થઇ છે. વૈષ્ણવસંઘ યુ.કે. આ શુભકાર્ય કરી રહ્યા છે એ મંગલ પ્રસંગે જેજેશ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (અમદાવાદ-કડી)ની લંડનમાં ખાસ પધરામણી થઇ છે. ગુરૂવારે જેજેશ્રીને કીંગ્સબરી ખાતે ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલા પટેલને આપેલી ખાસ મુલાકાત  દરમિયાન થયેલી પ્રશ્નોત્તરી અમે સહર્ષ રજૂ કરીએ છીએ.

પ્રશ્ન: લંડન-હેરોમાં શ્રીનાથધામ હવેલી કરવા પાછળનું પ્રયોજન શું છે?
જેજેશ્રી: ૪૦ વર્ષથી સમગ્ર વૈષ્ણવ સમાજ અને વલ્લભકૂળના આચાર્યોની એવી ઇચ્છા હતી કે વિશ્વના હાર્દ સમા યુ.કે.ના પાટનગર લંડનમાં એક એવું કેન્દ્ર ઉભું થાય કે જેમાં હવેલી સાથે પુષ્ટીમાર્ગની ફિલોસોફી સમજવાની સૌ હિન્દુઓને તક સાંપડે. વર્ષોથી એ માટે પ્રયાસો થઇ રહ્યા હતા અને આજે ઠાકોરજીની અસીમ કૃપાથી હેરોમાં સંપૂર્ણ શ્રીનાથધામ હવેલી બની રહી છે. શ્રીનાથજીના દર્શન કરવાના લંડનમાં અનેક ધામ છે પણ શ્રીનાથજી અને પુષ્ટીમાર્ગને સમજવાનું અને જાણવાનું આ પ્રથમ કન્દ્ર બન્યું છે. આ કેન્દ્ર મંદિર અથવા હવેલી પૂરતું ના રહેતાં યુ.કે.નું પ્રથમ વૈષ્ણવ કોમ્યુનિટી સેન્ટર બનવા જઇ રહ્યું છે. વૈષ્ણવ એટલે “વિશ્વનો મિત્ર” એ ન્યાયે આપણા સમસ્ત સમાજને ઉપયોગી થાય એવા વિવિધ આયોજનોથી આ કેન્દ્ર સતત પ્રવૃત્તમય બનશે. નાથદ્વારામાં અષ્ટ સમાના દર્શન થાય છે એવા આબેહૂબ દર્શન લંડનના ભક્તસમાજને હેરોના શ્રીનાથધામમાં થશે.

પ્રશ્ન: વૈષ્ણવ પુષ્ટી સંપ્રદાય જુદા જુદા વલ્લભાચાર્યોની ગાદીઓમાં વહેંચાયેલો કેમ છે? શું બધા એકછત્ર હેઠળ થઇ શકે નહિ?
જેજેશ્રી: વલ્લભકૂળના બધા જ આચાર્યો વલ્લભાચાર્યના સિધ્ધાંતો હેઠળ એકછત્ર હેઠળ જ કાર્યરત છે. પરંતુ સૌની કાર્ય કરવાની વિવિધ પધ્ધતિને કારણે આપને એમ લાગે છે . આ વિભાજન નથી પણ વિવિધતા છે. દરેક પોતપોતાના છત્ર હેઠળ કાર્ય કરી રહ્યા છે. કોઇ સંગીતના માધ્યમ દ્વારા તો કોઇ સેવા, શૃંગાર, કોઇ કથા-આખ્યાન દ્વારા પુષ્ટી પરંપરા અને સંસ્કૃતિનું જ્ઞાન આપે છે. આ ભાગલા નથી પણ વૈવિધ્ય છે. જેમ વિશ્વના દરેક દેશની આગવી વિવિધતા છે એમ પુષ્ટીમાર્ગની વિવિધતાથી એનું સૌંદર્ય નિખરે છે. વલ્લભાચાર્યના સિધ્ધાંતો બહાર કોઇ છે જ નહિ બધા એકછત્ર હેઠળ જ છે. હેરોમાં શ્રીનાથધામ હવેલી માટે સમસ્ત વલ્લભકૂળ અને સમસ્ત વૈષ્ણવ સમાજનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે. બધા જ આચાર્યોને આ શ્રીનાથધામ હવેલી અને કોમ્યુનિટી સેન્ટરના સમાચાર મળ્યા ત્યારે ખૂબ જ આવકાર્ય શુભસંદેશા મળ્યા છે.

પ્રશ્ન: હેરોની શ્રીનાથધામ હવેલીના કોમ્યુનિટી સેન્ટરમાં કેવી કેવી પ્રવત્તિ કરવામાં આવશે?
જેજેશ્રી: અહીં જાસ્પર સેન્ટરમાં જે રીતે વડીલો અને બાળકોની પ્રવૃત્તિઓ થતી હતી એ પ્રવૃત્તિઓ ચાલુ જ રહેશે. એ ઉપરાંત કેન્દ્રમાં સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થશે. અહીં વૈષ્ણવ સંપ્રદાય વિષયક એજ્યુકેશન સેન્ટર, રાગ, ભોગ, શૃંગાર વિષે શિક્ષણ અપાશે. રાગમાં અષ્ટ છાપ હવેલી સંગીત કલા, ભોગમાં પાકશાસ્ત્રકલા એમાં કેટલીક હિન્દુ પૌરાણીક કલા,, શૃંગારમાં ઠાકોરજીને નિત્ય ધરાવાતા વાઘા, શૃંગાર સજાવટ કલા ઇત્યાદિ શીખવવામાં આવશે. અહીંના સ્થાનિક બ્રિટીશ નાગરિકોને પણ વલ્લભાચાર્યજીએ બતાવેલી વૈષ્ણવી સંસ્કૃતિ જાણવા, સમજવામાં ખૂબ રસ છે. હવે એ લોકોને ભારત જવાની જરૂર નથી તેઓને અહીં જ વૈષ્ણવ પુષ્ટીમાર્ગના અધ્યયનનો લાભ મળશે. જેજેશ્રી કહે છે કે, “અમારું વીઝન સેવા, સંસ્કૃતિ, કલા અને સામાજિક કાર્ય સાથે ઉત્તમ કલ્ચર સેન્ટર બને એવું છે અને એ શ્રીનાથધામ પૂરું પાડશે”.

પ્રશ્ન: શ્રીનાથધામ હવેલીમાં કેવા ઉત્સવોનું આયોજન થશે?
જેજેશ્રી: પુષ્ટીમાર્ગમાં રોજ નવો તહેવાર ઉજવાતો હોય છે. દુનિયામાં લોકો રોજ આનંદ ગોતે છે અને શ્રીનાથજીમાં રોજ નવો આનંદ મળે છે. નાથદ્વારામાં વર્ષ દરમિયાન ઉજવાતા બધા જ ઉત્સવો એ જ પ્રણાણિકા અનુસાર શ્રીનાથધામ-હેરોમાં ઉજવાશે.

પ્રશ્ન: પુષ્ટી સંપ્રદાયમાં કેટલીક રૂઢીચૂસ્ત પ્રણાલિ અથવા પ્રથાને કારણે કેટલાક હિન્દુઓ પુષ્ટીમાર્ગમાં જતા ખચકાય છે, એ પ્રથા બાબત આપનું શું મંતવ્ય છે?
જેજેશ્રી: વલ્લભાચાર્યએ જે પુષ્ટી પરંપરાના સિધ્ધાંતો સ્થાપ્યા એ પરંપરા અથવા પ્રથાને માન્યતામાં પ્રવર્તીત થઇ ગઇ છે. એ માન્યતાઓ છે, સિધ્ધાંતો નથી. ૫૦૦ વર્ષ પહેલાં મહાપ્રભુજીએ જે સિધ્ધાંતો સ્થાપ્યા એ જાગૃત કરવા છે. મહાપ્રભુજીની ઉત્તમ ફિલોસોફી હતી એ ભૂલાઇ ગઇ અને ખોટી માન્યતામાં અટવાઈ ગયા. એમાં કૃષ્ણભક્તિ મુખ્ય હતી અને આપણે આચાર વિચાર વ્યવસ્થામાં અટવાઇને કૃષ્ણ ભક્તિ ભૂલી ગયા. હવે આ હવેલી દ્વારા કૃષ્ણભક્તિ જાગૃત કરાશે.

જેજેશ્રીએ મર્જાદીનું અર્થઘટન કરી સુંદર રીતે સમજાવતાં કહ્યું કે, “મર્જાદી એટલે મર્યાદામાં રહીને કૃષ્ણની ભક્તિ કરવી. કૃષ્ણની સેવા કરવી. પરંતુ કૃષ્ણ સેવા ભૂલાતાં આચાર વિચારને એટલું બધું પ્રાધાન્ય આપ્યું જેથી પુષ્ટી સંપ્રદાય વિષે સમાજને ગલત મેસેજ ગયો. પુષ્ટીમાર્ગમાં મર્જાદીનું સુંદર અર્થઘટન છે પણ લોકોએ સમજ્યા વિના રૂઢીચૂસ્ત માન્યતા ઉભી કરી અને એના વિષેની ખોટી ધારણાઓ બંધાઇ ગઇ”.

જેજેશ્રી કહે છે “મનને જયાંથી સાચી દિશા મળે એ મંદિર”. ૮૦ ટકા ખોટી ધારણાઓ કાઢવામાં અમારો ટાઇમ જાય છે બાકી નવું જ્ઞાન તો અમે ૨૦ ટકા જ આપી શકીએ છીએ. વલ્લભકૂળના યુવાન આચાર્યો નવી પેઢીને અંગ્રેજીમાં સરસ રીતે સમજાવી શકે છે. હેરોનું શ્રીનાથધામ એક પ્લેટફોર્મ બનશે જેના દ્વારા નવી વિચારધારા હું યુવાપેઢી સુધી પહોંચાડી શકીશ. જેજેશ્રીનું દ્રઢપણે માનવું છે કે યુ.કે. (લંડન)નો પૈસો ભારતમાં નહિ પણ યુ.કે.માં જ રહેવો જોઇએ. અહીંના વૈષ્ણવોનું દ્રવ્ય અહીંના બાળકોના સાંસ્કૃતિક ઉત્થાનમાં વપરાય એ જરૂરી છે. જે ભૂમિ પર આપણે રહેતા હોઇએ ત્યાં ભગવાનને પધરાવો ત્યારે એ ભૂમિનું ઋણ અદા કરીએ છીએ”.

વૈષણવ સંઘ સાત વર્ષથી યુ.કે.માં પ્રવૃત્ત છે. બાળકોની પાઠશાળા અને વિવિધ કાર્યક્રમો દ્વારા અમે સમાજોત્થાનનું કાર્ય કરી રહ્યા છીએ. લેસ્ટર ખાતે જ્યાં વર્ષોથી શ્રીનાથજીની સેવા થતી હતી એ સ્થળે છ વર્ષ પહેલાં વ્રજધામ શ્રીનાથજી હવેલીની લાફબરો રોડ પર સ્થાપના કરવામાં આવી. જે આજે ખૂબ સરસ રીતે પ્રવૃત્ત છે. ત્યાં જતીપુરી ગિરિરાજ ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સાક્ષાત વ્રજની અનુભૂતિ કરાવે છે. વૈષ્ણવ સંઘ એ મૂળ આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંસ્થા છે. જેમાં હવે મુખ્ય પાંચેય ખંડોમાં ઓસ્ટ્રેલિઆ, આફ્રિકા, યુએસએ, યુ.કે. અને ભારતમાં ઠાકોરજીની કૃપાથી હવેલી કાર્યરત છે. હવે છઠ્ઠુ મોરપીંછ સમુ લંડનમાં શ્રીનાથધામ સાકાર થયું છે. વધાઇના ક્ષણે અમને સમગ્ર હિન્દુ સમાજનો સહકાર પ્રાપ્ત થશે તો લંડનની ભૂમિને નાથદ્વારા બનાવી શકીશું. સૌને જયશ્રી કૃષ્ણ.

લંડન બનશે શ્રીનાથદ્વારા (વૈષ્ણવ સંઘ ઓફ Ukનો ઐતિહાસિક પ્રોજેક્ટ)

૪૦ વર્ષથી લંડનનો સમસ્ત વૈષ્ણવ સમાજ જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યો હતો તે ઘડી હવે આવી ચૂકી છે. પ.પૂ.ગો.૧૦૮શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના આશીર્વાદ અને પ્રેરણાથી વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા હમણાં જ જાસ્પર સેન્ટરની ભૂમિ પર ‘શ્રીનાથધામ હવેલીનું નિર્માણ થશે. તેવી જાહેરાત ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ હેરો લેઝર સેન્ટર ખાતે શ્રીનાથજી ચરિત્ર મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો. ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. કાતિલ ઠંડીના દિવસો હોવા છતાં બે દિવસ હજારો વૈષ્ણવોએ લાભ લીધો. જે વૈષ્ણવ સંઘ ઓફ યુકેની સફળતા દર્શાવે છે. આ મહોત્સવમાં નંદમહોત્સવ અન બીજે દિવસે ફૂલફાગ હોરી ખેલનો પણ આનંદ વૈષ્ણવોને પ્રાપ્ત થયો. અનેક મહાનુભાવોને આમંત્રિત કરી વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. ટ્રસ્ટીશ્રી સુભાષ લાખાણી, મીનાબેન પોપટ, પ્રમોદભાઈ ઠક્કર, દલપતબાઈ કોટેચા, જગદીશભાઈ પટેલના અથાગ પ્રયાસ અને પૂ. જેજેશ્રીના આશીર્વાદથી આ પ્રોજેક્ટને લંડનના વૈષ્ણવોએ તો વધાવી લીધો. સાથે સાથે વિદેશના વૈષ્ણવોએ પણ સહયોગ આપ્યો છે. જે સમસ્ત હિંદુ (વૈષ્ણવ) સમાજ માટે ગૌરવવંતી બાબત કહેવાય. ‘૮૪ વૈષ્ણવ’ની સ્કીમ દ્વારા શ્રીનાથધામના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. તેમાં અનેક વૈષ્ણવો સહભાગી બની આ સ્કીમને સફળ બનાવી. શ્રીનાથધામ, એક એવું વિશિષ્ટ ધામ બનવા જઈ રહ્યું છે. જ્યાં શ્રીનાથજીના દર્શનની સાથે સાથે શ્રી વલ્લભ મંદિર, શ્રી યમુના મંદિર, શ્રી ગિરિરાજમંદિરનો પણ લાભ મળશે. સાથોસાથ એજ્યુકેશન સેન્ટર, બાલ પાઠશાળા, યુવાકેન્દ્ર, વડીલ વિહાર કેન્દ્ર તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ તેમાં થશે તેમજ લગ્ન માટેના હોલની સુવિધા પણ તેમાં હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter