બેંગ્લૂરુ, દિલ્હીઃ રિટેલ સેક્ટરમાં નીચી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જગવિખ્યાત અમેરિકી જાયન્ટ વોલમાર્ટે ઇ-કોમર્સ સેક્ટરમાં વિશ્વનું સૌથી મોટું ‘શોપિંગ’ કર્યું છે. વોલમાર્ટે તેના અત્યાર સુધીના આ સૌથી મોટા એક્વિઝિશનમાં ભારતની નંબર વન ઓનલાઇન રિટેલર ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ૧૬ બિલિયન ડોલર (આશરે ૧.૦૬ લાખ કરોડ રૂપિયા)માં ખરીદ્યો છે.
વોલમાર્ટે ફ્લિપકાર્ટનું મૂલ્ય ૨૨ બિલિયન ડોલર આંક્યું છે, જેમાં બે બિલિયન ડોલરના નવા મૂડીરોકાણનો સમાવેશ થાય છે. વોલમાર્ટ એમેઝોનના વિશ્વવ્યાપી વિસ્તરણને ટક્કર આપવા માટે ભારતની ઇ-રિટેલિંગ કંપનીમાં જંગી રોકાણ માટે સક્રિય છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં આ ટ્રાન્ઝેક્શન સીમાચિહનરૂપ બની રહેશે.
વોલમાર્ટના આ ટેકઓવરે એસ્સાર ઓઇલ-રોસનેફ્ટના ૧૨.૯ બિલિયન ડોલર અને ભારતી-ઇન્ડસ ટાવર્સના ૧૪.૬ બિલિયન ડોલરના મર્જર સોદાને પણ પાછળ રાખી દીધો છે. આ ઉપરાંત, કંપનીમાંથી પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર્સની પણ આ સૌથી મોટી એક્ઝિટ હશે. વોલમાર્ટને ફ્લિપકાર્ટનો હિસ્સો વેચીને આ રોકાણકારો લગભગ ૧૪ બિલિયન ડોલરની તગડી કમાણી કરશે.
વોલમાર્ટ હવે ઇ-કોમર્સ ક્ષેત્રમાં વૈશ્વિક વિસ્તરણ માટે ફ્લિપકાર્ટની કુશળતાનો ઉપયોગ કરશે. અમેરિકન કંપનીએ ફ્લિપકાર્ટના કર્મચારીઓને સ્ટાર્ટઅપ કલ્ચર ચાલુ રહેવાની ખાતરી પણ આપી છે. વોલમાર્ટના પ્રેસિડન્ટ અને સીઇઓ ડગ મેકમિલને જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે, અમે તમારી પાસેથી ઇકો-સિસ્ટમની રચના, ઇનોવેશન અને પેમેન્ટ સહિતની બાબતો અંગે ઘણું નવું શીખીશું. અમારો ઇરાદો તમારા સશક્તિકરણનો છે. અમે તમને સંચાલનની સ્વતંત્રતા આપીશું. ઝડપ અને નિર્ણયશક્તિનું ઘણું મહત્ત્વ છે.’
૨૦૧૬થી વાટાઘાટનો દોર
આ સાથે સપ્ટેમ્બર ૨૦૧૬માં વોલમાર્ટ અને ફ્લિપકાર્ટના મેનેજમેન્ટ વચ્ચે થયેલી વાટાઘાટનું સફળ પરિણામ આવ્યું છે. ભારતના અગ્રણી આર્થિક દૈનિક ‘ઇકોનોમિક ટાઇમ્સ’એ સૌથી પહેલાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ અને ત્યાર પછી ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે વાટાઘાટ થઇ રહી હોવાના અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા.
૨૩ ટકા હિસ્સો અન્યો હસ્તક
વોલમાર્ટે ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ખરીદ્યો છે. બાકીનો ૨૩ ટકા હિસ્સો ફ્લિપકાર્ટના સહસ્થાપક બિની બંસલ, ચીનની ઇન્ટરનેટ કંપની ટેન્સેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઇગર ગ્લોબલ અને માઈક્રોસોફ્ટ પાસે રહેશે. ફ્લિપકાર્ટના સહસ્થાપક સચિન બંસલે આ સોદામાં સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. ફ્લિપકાર્ટના સહસ્થાપક અને ગ્રૂપ સીઈઓ બિન્ની બંસલે જણાવ્યું હતું કે, ભારત માટે આ રોકાણ પુષ્કળ મહત્ત્વ ધરાવે છે. તેની મદદથી અમારી મહત્ત્વાકાંક્ષાને વેગ મળશે. વધુમાં ખરીદનાર અને વેચનાર સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે.
ગૂગલના મૂડીરોકાણની શક્યતા
ફ્લિપકાર્ટ અને વોલમાર્ટે જણાવ્યું હતું કે, અમે સોદાના ભાગરૂપે અન્ય રોકાણકારોને પણ સામેલ કરવાની યોજના ધરાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ફ્લિપકાર્ટમાં એકથી બે બિલિયન ડોલરના મૂડીરોકાણની યોજના ધરાવે છે.
આ એક્વિઝિશનના કારણે કંપનીના સ્થાપકો, રોકાણકારો અને કર્મચારીઓ માટે પુષ્કળ સંપત્તિનું સર્જન થશે. જાહેરાત પ્રમાણે બંને કંપનીના બોર્ડ અલગ રહેશે. ફ્લિપકાર્ટને વોલમાર્ટની ઓમ્ની-ચેનલ કૌશલ્ય, ગ્રોસરી અને સપ્લાય ચેઇનના બહોળા અનુભવ તેમ આર્થિક પીઠબળનો લાભ મળશે.
હવે એમેઝોન સાથે સીધી ટક્કર
ફ્લિપકાર્ટના ટેકઓવર સાથે ભારતીય બજારમાં એમેઝોન અને વોલમાર્ટ વચ્ચે સીધી સ્પર્ધાનો તખતો ઘડાશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોદાના કારણે ઓનલાઇન રિટેલના હિસ્સામાં નોંધપાત્ર વધારો થશે. વોલમાર્ટે ફ્લિપકાર્ટનો આઇપીઓ લાવવાનો સંકેત આપ્યો છે, પણ તેની સમયમર્યાદા અંગે કોઇ જાણકારી આપી નથી.
ઇબે ફ્લિપકાર્ટનો હિસ્સો વેચશે
અમેરિકામાં હેડ ક્વાર્ટર ધરાવતી ઇબે ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તે ફ્લિપકાર્ટમાં તેનો હિસ્સો આશરે ૧.૧ બિલિયન ડોલરમાં વેચશે અને વેપારની તકો પર ધ્યાન કેન્દ્રીત કરીને ઇબે ઇન્ડિયાને રિ-લોન્ચ કરશે. વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કર્યા પછી ઇબેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇબેએ ફ્લિપકાર્ટ અને વોલમાર્ટને જાણ કરી છે કે તે ફ્લિપકાર્ટમાં તેનો હિસ્સો વેચવાનો ઇરાદો ધરાવે છે. આ સોદો કર્યા પછી ફ્લિપકાર્ટ સાથેના હાલના વ્યૂહાત્મક સંબંધોનો અંત આવશે. આ સાથે eBay.in બ્રાન્ડનો ઉપયોગ કરવા માટે ફ્લિપકાર્ટને અપાયેલા લાઇસન્સનો પણ અંત આવશે. એક નિવેદનમાં ઇબેએ જણાવ્યું હતું કે, ‘અમે ભારતમાં વેપારની તકો પર ધ્યાન કેન્દ્રીત કરવા ઇબે ઇન્ડિયાને રિ-લોન્ચ કરવાની યોજના ધરાવીએ છીએ.’
વડા પ્રધાન કાર્યાલયે સમય ન આપ્યો
વોલમાર્ટના સીઈઓ ડગ મેકમિલન ૧૦ મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ ના તો વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ તેમને સમય આપ્યો હતો અને ન તો કોઈ બીજા વરિષ્ઠ પ્રધાને તેમની સાથે મુલાકાત કરી હતી. સૂત્રો અનુસાર ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુનું પ્લાનિંગ પણ છેલ્લી ઘડીએ બદલાઈ ગયું હતું. તેના વિશે પૂછવામાં આવતા મેકમિલને મીડિયાને કહ્યું કે હું તેને ઠંડો આવકાર નથી માનતો. અમે સરકાર સાથે દરેક સ્તરે ડીલ કરીએ છીએ. ભૂતકાળમાં પણ હું અધિકારીઓને મળી ચૂક્યો છું અને ભવિષ્યમાં પણ મળીશ. વડા પ્રધાન સાથે એપોઇન્ટમેન્ટના પ્રશ્ન પર કહ્યું કે મીટિંગ મહત્ત્વપૂર્ણ નથી. અમને ફોટો ઓપોર્ચ્યુનિટીની જરૂર નથી.
મેકમિલને દાવો કર્યો કે ફ્લિપકાર્ટને ખરીદવાનો નિર્ણય ભારત માટે ફાયદાકારક નીવડશે. ગ્રાહકને તો લાભ થશે જ સાથે સ્થાનિક સ્તરે સોર્સિંગ વધવાથી અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે એક કરોડ રોજગારનું સર્જન પણ થશે.