કરાચીઃ રવિવાર ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી માટે દેશવિદેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભારતમાં કેટલાક રાજકીય અને ધાર્મિક નેતાઓએ યોગના નામે એવો વિવાદ શરૂ કર્યો છે કે મુસ્લિમોને યોગ દિનની ઉજવણીમાં સામેલ થવા માટે ફરજ પાડવી જોઇએ નહીં... યોગ ઇસ્લામ ધર્મની વિરુદ્ધ છે વગેરે વગેરે. પરંતુ મુસ્લિમોની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શમશાદ હૈદરે યોગગુરુ તરીકે ભારે નામના મેળવી છે. ભારતમાં જેમ યોગગુરુ બાબા રામદેવની બોલબાલા છે તેમ પાકિસ્તાનમાં શમશાદ હૈદરની બોલબાલા છે. ઘણા લોકો મજાકમાં હૈદરને ભારતના બાબા રામદેવનો ‘પાકિસ્તાની જવાબ’ પણ ગણાવે છે.
ભારતમાં ભલે યોગ એ રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો હોય, પરંતુ પંજાબ પ્રાંતનો હૈદર આખા પાકિસ્તાનમાં યોગનો પ્રચાર અને પ્રસાર કરવામાં લાગેલો છે. તે સાર્વજનિક સ્થળોએ લોકોને વિનામૂલ્યે યોગ શીખવે છે. શમશાદ આ યોગ ભારતમાંથી શીખ્યો છે. આ ઉપરાંત તે તિબેટ અને નેપાળમાં પણ ખૂબ ફરેલો છે. તે પાકિસ્તાનના રૂઢિચુસ્ત લોકોને હેલ્થ માટે યોગ શીખવવાની નેમ ધરાવે છે. તે યોગમાં કોઇ પણ ધર્મને જોતો નથી. તે યોગ કરાવતી વખતે અલ્લાહૂ બોલે છે.
ગયા વર્ષે હૈદરના કેટલાક મિત્રો દ્વારા શરૂ કરવામાં આવેલું યોગ સેન્ટર અસામાજિક તત્વોએ બાળી નાખ્યું હતું, તેમ છતાં તે અડગ રહ્યો હતો. તેના માતા-પિતાનો પણ આ યોગ પ્રવૃતિમાં ટેકો છે. સાત વર્ષ પહેલા હૈદરે પાકિસ્તાનમાં એક મનોચિકિત્સકને પહેલી વાર યોગ શીખવીને તેના યોગ કાર્યની શરૂઆત કરી હતી. હાલમાં તેણે હજારો લોકોને યોગ શીખવાડીને તૈયાર કર્યા છે.
ભારતમાં શાળામાં યોગ દાખલ કરવા અંગે કેટલાક મુસ્લિમ નેતાઓ વિરોધ કરી રહ્યા છે તે અંગે હૈદરનું માનવું છે કે આ આખો વિરોધ જ રાજકીય છે, હકીકતમાં યોગને કોઇ પણ ધર્મની વિચારસરણી સાથે સંબંધ નથી. તે એમ પણ માને છે કે ઇસ્લામ હંમેશા અન્ય સ્ત્રોત દ્વારા જ્ઞાન એકત્ર કરવામાં પ્રોત્સાહિત કરે છે, તેમાં યોગનો પણ કોઇ બાધ હોઇ શકે નહી.
શમશાદના યોગ ક્લાસમાં દાઢી-ટોપી ધારણ કરેલા મુસ્લિમો પણ આવે છે. આ પાકિસ્તાની યોગ ગુરુ નિકમ અને યોગ ગુરુ ગોએન્કાથી ખૂબ જ પ્રભાવિત છે. હૈદરને એ પણ યાદ છે કે યોગના પ્રાચીન ગુરુ પતંજલીનો જન્મ મુલતાનમાં થયો હતો.
હૈદરના યોગ કલાસમાં શ્વાસની બીમારીથી પીડાતી શુમેલા નામની એક છોકરી પણ આવતી તેને આ બીમારી મટી ગઇ હતી. બે વર્ષ પહેલા શુમેલાએ હૈદર સાથે લગ્ન કર્યા અને આજે તે પણ પાકિસ્તાનમાં યોગના પ્રચારનું કામ કરી રહી છે. જોકે હૈદર યોગના પ્રાઇવેટ કોચિંગ કલાસ ફી લઇને ચલાવે છે. તેનું માનવું છે કે પાકિસ્તાન જેવા દેશમાં યોગ શીખવવા એ ખૂબ જ અઘરું કામ છે.