લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ જાહેર શાહી ભૂમિકાની ફરજો નહિ નિભાવે તો હેરીને વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ અટકાવી દેવા પ્રિન્સ ચાર્લ્સે ધમકી આપી છે. પ્રિન્સ ઓફ વેલ્સની ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટમાંથી પ્રિન્સ હેરીને વાર્ષિક અંદાજે ૨.૩ મિલિયન પાઉન્ડ ફંડ આપવામાં આવે છે. પ્રિન્સ ચાર્લ્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હેરીને ‘બ્લેન્ક ચેક’ આપી તેના ખાતે નાણા જમા કરાવવા માગતા નથી.
શાહી ફરજોથી મુક્ત થઈ સ્વતંત્ર કમાણી કરવાની હેરી અને મેગનની યોજનાથી ક્વીન દુઃખી થયા છે. ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમે કટોકટી ઉકેલવા ટેલિફોન પર હેરી સાથે વાતચીત પણ કરી હતી. હેરી અને ક્વીન સાથેની મુલાકાત સહાયકોએ અટકાવવા હેરી નિરાશ થયો હતો. બીજી તરફ, યુગવ દ્વારા કરાયેલા પોલ અનુસાર બે તૃતીઆંશથી વધુ લોકોએ જણાવ્યું છે કે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સને ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટમાંથી ફંડ મળવું ન જોઈએ.
હેરી - મેગન ઈન્ટરવ્યૂમાં તમામ વાત જાહેર કરી શકે
મહેલના સહાયકોને ભય છે કે સાન્ડ્રિઘામ ખાતે રાજપરિવાર સાથેની વાતચીતમાં પોતાનું ધાર્યું ન થાય તો હેરી અને મેગન તેમની મિત્ર ઓપ્રાહ વિન્ફ્રેને કોઈ ગુપ્તતા વિના તમામ વાત જાહેર કરતો ઈન્ટરવ્યૂ આપી શકે છે. મેગનની યુએસસ્થિત પીઆર ટીમ ઓપ્રાહ તેમજ અન્ય ટીવી નેટવર્ક્સ સાથે આવા ઈન્ટરવ્યૂ માટે સંપર્કમાં હોવાનું કહેવાય છે. ઓપ્રાહ અને મેગનની ટીમે ABC, NBC અને CBS ટેલિવિઝન નેટવર્ક્સ સાથે સંપર્ક સાધ્યો હોવાનું મનાય છે. મેગનની માતા ડોરિઆ રેગલેન્ડ પણ ઓપ્રાહના ઘરમાંથી બહાર નીકળતી જોવાઈ હતી.
ગત વર્ષે જ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ સાથે વિસ્ફોટક ડોક્યુમેન્ટરમાં વાતચીત કરનારા ITV ના જર્નાલિસ્ટ ટોમ બ્રાડબીએ ‘કશુ છુપાવ્યા વગર’નો ઈન્ટરવ્યૂ થઈ શકે તેવી ચેતવણી આપી હતી. હવે શાહી સૂત્રે પણ જણાવ્યું છે કે હેરી અને મેગનના પ્રતિનિધિઓ ખુલ્લા ઈન્ટવ્યૂની શક્યતાઓ તપાસવા મોટી યુએસ નેટવર્ક્સ સાથે વાત કરી રહ્યા છે.
ટ્રમ્પ પ્રમુખપદે હોય ત્યાં સુધી મેગન યુએસમાં સ્થાયી નહિ થાય
હેરી અને મેગન અમેરિકામાં સ્થાયી થઈ શકે છે પરંતુ તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુદત પૂર્ણ થવા સુધી રાહ જોશે. મેગનના મિત્રોએ ડેઈલી મેઈલને જણાવ્યું હતું કે દંપતી શરૂઆતમાં તો કેનેડામાં- વાનકુવર આઈલેન્ડ પર નહિ- રહેવાની યોજના ધરાવે છે પરંતુ, છેવટે યુએસમાં સ્થાયી થશે. તેમનું આખરી લક્ષ્ય લોસ એન્જલસમાં ઘર અને બિઝનેસનું છે.
મેગન આ શહેરમાં જ ઉછરી છે અને તેની ૬૩ વર્ષીય માતા ડોરિઆ રેગલેન્ડ પણ હજુ અહીં જ વસે છે. જોકે, ચૂસ્ત ડેમોક્રેટ મેગન પ્રમુખ ટ્રમ્પની વાચાળ ટીકાકાર છે અને ગત વર્ષે ટ્રમ્પની યુકે મુલાકાતથી તે અળગી રહી હતી. તેણે કહ્યું છે કે પ્રમુખ ટ્રમ્પ સત્તા પર હશે ત્યાં સુધી તે યુએસમાં સ્થાયી નહિ થાય. સૂત્રોએ જણાવ્યું છે કે ‘આ તાકીદની બાબત નથી પરંતુ, લાંબા ગાળે તેઓ યુએસમાં સ્થાયી થશે અને કેનેડામાં બીજું ઘર રાખશે અને ત્યાં પણ સારો સમય વીતાવશે. દંપતીએ તેમના નિવેદનમાં રહેવા બાબતે ઈરાદાપૂર્વક નોર્થ અમેરિકા શબ્દનો ઉપયોગ કર્યો છે. આ તેમને ચોક્કસ એક સ્થળ સાથે બાંધતું નથી.’ એક સહાયકે ભારપૂર્વક કહ્યું હતું કે દંપતીના ભાવિ વિશે કેનેડા અને યુકે સરકાર સાથે જ હાલ વાતચીત ચાલુ છે પરંતુ, કશું નકારી શકાય નહિ.
હેરી સાથે મુલાકાત થઈ તે પહેલા ૨૦૧૬માં મેગને ટ્રમ્પને ‘વિભાજક’ અને ‘નારીદ્વેષી’ ગણાવ્યા હતા. તેણે ટ્રમ્પના પ્રમુખપદના હરીફ હિલેરી ક્લિન્ટનને મત આપવા વચન આપ્યું હતું અને ટ્રમ્પ જીતે તો કેનેડા સ્થળાંતર કરવાની ધમકી આપી હતી.