ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની સુવર્ણજયંતી ઉજવણીના ભાગરુપે મંગળવાર, 23 મે 2023ના દિવસે શીખગુરુ અરજન દેવની શહીદીને સ્મરણરુપે આદરાંજલિ વ્યક્ત કરવાના ઝૂમ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ અગ્રણી શીખ સંસ્થાઓ-સંગઠનો અને શીખ મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સહેલી એન્ફિલ્ડના સીઈઓ કૃષ્ણાબહેન પૂજારાએ કાર્યક્રમના મોડરેટર તરીકે કામગીરી સંભાળી હતી. મહેમાનોના મનોરંજન અર્થે સુપ્રસિદ્ધ ગાયિકા માયાબહેન દીપક દ્વારા સુમધુર સંગીત પરફોર્મન્સની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નરિન્દર એસ. મુધાર દ્વારા અરદાસ પ્રાર્થના કરાઈ હતી.
કૃષ્ણાબહેન પૂજારાએ જણાવ્યું હતું કે, ‘ગુરુ અરજન દેવ મહાન શીખ ગુરુઓમાં એક હતા જેમણે પિતા ગુરુ રામ દાસ પાસેથી નેતૃત્વ સંભાળ્યું હતું. તેમનો જન્મ ભારતના પંજાબના ગોઈન્ડવાલ ખાતે વર્ષ 1563ની 15 એપ્રિલે થયો હતો. તેઓ ભાઈ જેઠા જેઓ પાછળથી ગુરુ રામ દાસ થયા અને માતા ભાનીના સૌથી નાના પુત્ર હતા. તેઓ કુલ 10 શીખ ગુરુઓમાં પાંચમા ગુરુ હતા અને ધર્મ માર્ટે શહાદત વહોરનારા બે ગુરુઓમાં પ્રથમ હતા. તેમણે અમૃતસરમાં શ્રી હરમિન્દર સાહિબ ગુરુદ્વારાનું નિર્માણ કરાવ્યું હતું જેથી તમામ શીખો મુક્તપણે તેમના ધર્મનું પાલન કરી શકે. તેમણે પવિત્ર ધર્મસ્થળોનો વાણિજ્ય કેન્દ્રો તરીકે વિકાસ કર્યો હતો. તેઓ શીખોના સાંસારિક અને આધ્યાત્મિક વડા તરીકે સેવા કરનારા સૌપ્રથમ ગુરુ બન્યા હતા.’
બ્રિટિશ-શીખ એસોસિયેશનના ચેરમેન લોર્ડ રેમી રેન્જર CBEએ જણાવ્યું હતું કે, ‘ગુરુ અરજન દેવજી ભારતમાં ઘાર્મિક સ્વાતંત્ર્ય માટે અવાજ ઉઠાવનારા સૌપ્રથમ શહીદ હતા. તેઓ શીખ ધર્મના પાંચમા ગુરુ હતા. તેઓ સૌથી ગુણવાન અને તેજસ્વી ગુરુઓમાં એક હતા જેમણે આપણને ઘણું આપ્યું છે. તેમણે આપણને ગુરુ ગ્રંથ સાહેબ આપ્યા છે જેને દરેક શીખ હૃદયથી સ્વીકારી દરરોજ વાંચન-પઠન કરે છે. તેમાં અનેક હિન્દુ અને શીખ સંતોના ઉપદેશો સમાવિષ્ટ છે. તેઓ લખે છે કે આપણે કોઈ પણ હિંસા, તિસ્કાર અથવા તેના જેવી કોઈ પણ લાગણી વિના ભોજન કરાવીશું. તેમણે આપણને અમૃતસરમાં સુવર્ણ મંદિર -ગોલ્ડન ટેમ્પલ આપ્યું છે જ્યાં દરરોજ 100,000 લોકો જાતિ, ધર્મ અને સંસ્કૃતિના ભેદભાવ વિના ભોજન કરે છે. કોઈ પણ ત્યાં આવીને નિઃશુલ્ક ભોજન કરી શકે છે. તમે બધા જોઈ શકો છો કે હિન્દુ અને શીખોના ઈતિહાસ પરસ્પર વણાયેલા છે; તમે એક ઈતિહાસને ધ્યાનમાં લીધા વિના બીજાની વાત કરી શકતા નથી કારણકે ગુરુ અરજન દેવજી પર જુલ્મ ગુજારનારા બાદશાહ જહાંગીર અને અન્ય મોગલ બાદશાહોના હાથે શીખો અને હિન્દુઓએ એકસમાન અત્યાચારો સહન કર્યા છે.’
તેમણે ઉમેર્યું હતું કે, ‘ગુરુજીની લોકપ્રિયતાથી મુલ્લાઓમાં ભારે ચિંતા અને દુઃખ સર્જાયા હતા કારણકે તેમના ધર્મની ચોક્કસ બાબતોને ગુરુજીએ ફગાવી દીધી હતી. ઉદાહરણ લઈએ તો, મોટા ભાગના ધર્મોની માફક એક ધર્મ તરીકે શીખ ધર્મમાં સ્ત્રીઓને સમાનતા અપાય છે જે મુસ્લિમોની બાબતમાં આમ નથી. આથી મુલ્લાઓએ ફરિયાદો કરી કે આ વ્યક્તિ તેમના સિદ્ધાંતોને પડકારી રહ્યો છે. આથી, મુસ્લિમ નેતાઓ દ્વારા ગુરુજીને હાજર થવાનું ફરમાન કરાયું અને કહેવામાં આવ્યું કે તમારી પાસે સૌથી શ્રેષ્ઠ ઉપાય ઈસ્લામમાં ધર્માન્તર કરવાનો છે. ગુરુજી પર ભારે અત્યાચાર ગુજારાયો, તેમને ગરમ તવા પર બેસાડાયા. પાંચ દિવસના અત્યાચારો પછી તેમના શરીરમાં ભારે ફોલ્લાં ઉપસી આવ્યા હતા અને પીડા થતી રહી. આ પછી, ગુરુજીને નજીકની રાવિ નદીમાં ફેંકવાનું ફરમાન થયું. પાણીમાં ફેંકાયેલા, ગુરુજી કદી નદીમાંથી બહાર આવ્યા નહિ, અને તેમને કદી શોધી શકાયા જ નહિ.’
‘અહીંથી આપણી પરંપરા મિરિ-પિરિ (સાંસારિક અને આધ્યાત્મિક પ્રાધિકરણ-સત્તા)નો આરંભ થયો. ગુરુ ગોવિંદ સિહે ત્રણ શબ્દ કહ્યા. તેમણે કહ્યું હતું કે વૈવિધ્યતાનો સ્વીકાર, સન્માન અને સંરક્ષણ કરાવા જોઈએ. વૈવિધ્યતા મોટી તાકાત હોવાથી આજે યુનાઈટેડ કિંગ્ડમમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રી લંકા અને કેરેબિયન્સ સહિત ઘણા દેશના લોકોની વૈવિધ્યતા આ દેશને આટલો મજબૂત બનાવે છે.’ તેમ લોર્ડ રેન્જરે કહ્યું હતું.
લેબર પાર્ટીના રાજકારણી ડો. ઓંકાર સાહોતાએ જણાવ્યું હતું કે, ‘ગુરુ અરજન દેવજીએ વર્ષ 1606ની 16 જૂને શહાદત વહોરી હતી પરંતુ, તેની ઉજવણી વર્ષના ચાન્દ્રમાસમાં કરાય છે. તમામ 10 ગુરુને એક ગુચ્છના 10 ફૂલ-પુષ્પ તરીકે ગણાવી શકાય પરંતુ, તેમની તમામની સુવાસ એક જ છે અથવા તેમને એક જ દોરીમાં પરોવાયેલા 10 મોતીના હાર સ્વુપે પણ વિચારી શકાય.’
તેમણે ઉમેર્યું હતું કે, ‘ગુરુ નાનકનો જન્મ 1469માં થયો હતો. આ એ સમય હતો જ્યારે મોગલોએ પ્રથમ વખત ભારત પર આક્રમણ કર્યું હતું. નાનક માનવજાતના ઈતિહાસમાં સૌથી વધુ પદયાત્રા કરનારા બીજા ક્રમના પદયાત્રી હતા. તેમણે ચાર યાત્રા કરી હતી અને અજાણ્યા વિશ્વના તમામ જ્ઞાનકેન્દ્રોની મુલાકાત લીધી હતી. તેમણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એમ ચારે દિશામાં પ્રવાસો કર્યા હતા. તેઓ જ્યારે જ્ઞાનપ્રવાસ ખેડતા તે વખતે તમામ વિદ્વાનોના ઉપદેશો સાંભળતા, તેમના ઉપદેશ સાહિત્ય, લખાણોનો સંગ્રહ કરતા અને જાતે પણ લખતા રહેતા. તેમના જીવનના છેલ્લા 17 વર્ષો દરમિયાન તેઓ હાલ પાકિસ્તાનમાં આવેલા કરતારપુર નામના ટાઉનમાં રહ્યા જ્યાં તેમણે તેઓ જે શીખ્યા હતા તે પ્રમાણે જીવન જીવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિચારવાની પ્રક્રિયા જ ઘણી મહત્ત્વની છે. આ બધા લખાણો ગુરુ અરજન દેવ માટે ભારે મહત્ત્વપૂર્ણ બની રહેવાના હતા. તેઓ માત્ર ભાગ્યથી ગુરુ બન્યા ન હતા. તેમના પિતાએ તેમની પસંદગી કરી હતી. તેઓ સૌથી નાના અને ત્રીજા નંબરના પુત્ર હતા, છતાં તેઓ ગુરુ બન્યા. તેઓ ગુરુ બન્યા કારણકે તેમનામાં ગુરુ બનવાની તેમજ જ્ઞાનના ઉપદેશોને આગળ વધારવા લાયકાત-ગુણો હોવાનો નિર્ણય ચોથા ગુરુએ લીધો હતો.
ડો. સાહોતાએ જણાવ્યું હતું કે, ‘જો તમે પ્રાચીન ભારતીય પરંપરાને જોશો તો કોઈ પણ વ્યક્તિ માટે આધ્યાત્મિક માર્ગે વિકાસ સાધવાનું પ્રથમ પગથિયું તમારે સારા ગુરુના ચરણોમાં બેસવાનું છે. જો તમે મહાભારત પર નજર નાખશો તો તમને જણાશે કે્ રાજાના બાળકો પણ ગુરુ પાસે ગયા હતા જેમણે તેમને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું અને તે પછી તેઓ યુદ્ધશાસ્ત્ર, લડવાની કળા શીખ્યા અને કોઈ સૈનિક જે ધાર્મિક માન્યતાઓથી નિયંત્રિત ન હોય, જે નીતિમત્તાથી બંધાયેલો ન હોય, જે શું સાચું કહેવાય તેવી લાગણીથી દોરવાતો ન હોય તેવો સૈનિક ખરાબ જ કહેવાય.’
બ્રેન્ટ શીખ સેન્ટરના ટ્રસ્ટી નરિન્દર એસ. મુધારે જણાવ્યું હતું કે, ‘ગુરુપરબની મુખ્ય વાત એ છે કે ગુરુનો અર્થ છે શિક્ષક અને આપણા સર્વોચ્ચ ગુરુ ઈશ્વર છે. અને આપણા ગુરુ તો ઈશ્વરની સમકક્ષ હતા અને આપણે એમ જ માનીએ છીએ. આથી, આપણા 10 ગુરુના સમગ્ર જૂથની સાથોસાથ ગુરુ અરજન દેવનું વિશેષ યોગદાન છે જેના વિશે સારી રીતે ઉલ્લેખ, વર્ણન અને અને સમજણ આપવામાં આવી છે. ગુરુ અરજન દેવજી તો વાહેગુરુ સાથે એટલા ઉચ્ચ નૈતિક સ્તરે હતા કે જેઓ તેમને અનુસરે છે તેઓ પુનઃ જન્મના ફેરાથી અને ગુરુ ગ્રંથ સાહિબ અનુસાર આપણા જીવનના સમગ્ર હેતુથી તરી જાય છે.’
તેમણે ઉમેર્યું હતું કે, ‘આપણે જીવન જીવતા હોઈએ અને મુશ્કેલીઓનો સામનો કરવાનો થાય ત્યારે, ઓ ઈશ્વર, મેં એવું તો શું ખોટું કરી નાખ્યું છે? મારે શા માટે આવા અત્યાચારો સહન કરવા પડે છે? હું શા માટે ગરીબ છું, અમીર શા માટે નથી? હું પરીક્ષામાં શા માટે નિષ્ફળ ગયો? વગેરે કહેતા રહીએ છીએ. આસ્થા કે ધર્મને ધિક્કાર્યા વિના ઈશ્વરે જે આપ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ.’ મુધારે જણાવ્યું હતું કે, ‘ આપણા ગુરુ અરજન દેવજી કેટલા મહાન છે તે સમજવું હોય તો તેમણે અત્યાચારો સહન કરવા છતાં ગુરુ ગ્રંથ સાહિબ લખવાની ક્ષમતા કેળવી હતી. ગુરુ ગ્રંથ સાહિબનું સંકલન કરતી વેળાએ તેમાં ઉમેરી શકાય તેવા અસંખ્ય ઉપદેશો તેમની સમક્ષ આવ્યા હતા. ગુરુ ગ્રંથ સાહિબમાં હિન્દુ અને મુસ્લિમ વિદ્વાનો તેમજ અન્ય ઘણા નામનો ઉલ્લેખ થયો છે. આ બધાની પસંદગી કરતી વખતે શું લખી શકાય અને શું નહિ તે જાણવા ઉચ્ચ કક્ષાના વિદ્વાન હોવું આવશ્યક છે.’
ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે,‘અરજન દેવજીની શહાદતનો દિવસ શીખ ધર્મમાં ભારે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. તેમણે ધર્માન્તરનો વિરોધ કરવા બદલ અસહ્ય અત્યાચારનો સામનો કરવો પડ્યો અને પોતાના ધર્મ માટે તેમણે તીવ્ર જુલ્મ સહન કર્યો હતો. તેમનો જન્મ પંજાબના ગોઈન્ડવાલમાં 15 એપ્રિલ, 1563ના દિવસે થયો હતો. ગુરુ અરજન દેવજી શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસજી અને માતા ભાનીજીના પુત્ર હતા. આજે અમૃતસરના વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ, હરમિન્દર સાહિબનો શિલાન્યાસ ગુરુ અરજન દેવજીના હસ્તે 1588માં કરાયો હતો. તેમના દાદા ગુરુ અમરદાસજી અને પિતા ગુરુ રામ દાસજી શીખ ધર્મના અનુક્રમે ત્રીજા અને ચોથા ગુરુ હતા. ગુરુ રામ દાસજીના નિધન પછી તેઓ 1581માં પાંચમા ગુરુ બન્યા હતા. તેમણે પ્રથમ સિદ્ધ ગ્રંથની સત્તાવાર આવૃત્તિ આદિ ગ્રંથનું સંકલન કર્યું હતું. ગુરુ અરજન દેવજી પોતાની માન્યતાઓ અને ઉપદેશો બાબતે મક્કમ- અડગ હતા. મોગલ બાદશાહ જહાંગીરના આદેશથી ગુરુ અરજન દેવજીને 24 મે, 1606ના દિવસે બંદી બનાવી લાહોર લઈ જવાયા હતા. તેમનું ધર્માન્તર કરાવવા તેમના પર અમાનુષી અત્યાચારો કરાયા હતા પરંતુ, ગુરુજીએ તેને નકારી કાઢતા તેમનો વધ કરવાનો આદેશ કરાયો હતો. ગુરુજીના પરિવારને મુર્તુઝા ખાનને સુપરત કરાયો હતો. સમગ્ર પંજાબ અને ગુરુદ્વારાઓમાં ગુલાબસભર ઠંડુ દૂધ, શરબત અને લસ્સી પીને ગુરુજીની શહાદતની મહાનતાના ગુણગાન ગવાય છે. આપણે પણ આજે ગરુજીની શહાદતનું સ્મરણ કરીએ અને આદરાંજલિ પાઠવીએ.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ જણાવ્યું હતું કે,‘ ગુરુ અરજન દેવની શહાદત આપણા સહુ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમનું બલિદાન સમાનતા, સામાજિક ન્યાય અને ધાર્મિક સ્વાતંત્ર્ય સહિતના શીખ સિદ્ધાંતો પ્રતિ અવિચળ પ્રતિબદ્ધતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે. તેમની અગાઉના તમામ ગુરુઓની માફક ગુરુ અરજન દેવજીએ સમગ્ર વિશ્વના લોકો માટે શાંતિ અને સંવાદિતા તરફ કટિબદ્ધતા, કરુણા, પ્રેમ, સમર્પણ, પરિશ્રમ અને એક જ ઈશ્વરની પૂજાનો ઉપદેશ આપ્યો હતો. એશિયન કોમ્યુનિટીઓના અગ્રણી અખબારો ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ વતી હું દૂરદર્શી વિદ્વાન, કવિ અને ફીલોસોફર ગુરુ અરજન દેવજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ગુરુ અરજન દેવજીથી પ્રેરણા મેળવીને અમારા મીડિયા ઓર્ગેનાઈઝેશને તેના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. હું સનાતન ધર્મના અનુયાયીઓ અને ખાસ કરીને પ્રતિષ્ઠિત શીખ કોમ્યુનિટીને શ્રી સી.બી. પટેલ દ્વારા આરંભ કરાયેલા સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ અભિયાનોમાં જોડાવાની હાકલ કરું છું.’
ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું હતું કે,‘સુવર્ણ જયંતી ઉજવણીઓના સંદર્ભે ગુજરાત સમાચારે વિવિધ પ્રકારના પ્રેરણાદાયક અને સશક્તિકરણ ઈવેન્ટ્સના આયોજનો કર્યા છે. ગુરુ અરજન દેવજીએ કોઈ પણ દિશામાં જઈ રહેલા તમામ જાતિ અને પંથોના લોકોને માર્ગદર્શન આપ્યું હતું તેમના જ પગલે ABPL ગ્રૂપ ચાલી રહ્યું છે અને આપણા સમાજના નિર્માણમાં યોગદાન આપનારી મહાન પ્રતિભાઓ- વ્યક્તિત્વોની ઉજવણી કરી રહ્યું છે.’