નવી દિલ્હીઃ સમેત શિખરજી મુદ્દે જૈન સમુદાયના ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકારે જાહેરનામું બહાર પાડી સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું રદ કર્યું છે. આ મુદ્દે જૈન સમુદાય છેલ્લા ઘણા દિવસથી આંદોલન કરી રહ્યો હતો. કેટલાક જૈન મુનિઓએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા હતા. જયપુરના સાંગાનેર સ્થિત સંઘીજી જૈન મંદિરમાં ત્રીજી જાન્યુઆરીથી આમરણ ઉપવાસ પર બેસેલા મુનિ સમર્થ સાગરનું પાંચમી જાન્યુઆરીએ નિધન થયું હતું. આના બે દિવસ પહેલાં ત્રીજી જાન્યુઆરીએ મુનિ સુજ્ઞેય સાગર મહારાજે સમેત શિખરજી માટે પોતાના પ્રાણ આપ્યા હતા. મુનિ સુજ્ઞેય સાગર મહારાજના નિધન બાદ મુનિ સમર્થ સાગર મહારાજ અન્ન-જળનો ત્યાગ કરીને આમરણ ઉપવાસ પર બેઠા હતા.
દરમિયાન સમગ્ર મુદ્દે રાજકારણ શરૂ થયું હતું. ભાજપ, સપા અને બસપા સહિતના રાજકીય પક્ષો જૈન સમુદાયના પક્ષમાં ઊતર્યાં હતાં. વિવાદ એ વાતનો હતો કે સમેત શિખરજી જૈનોનું પવિત્ર સ્થાન છે. જૈન સમુદાયના લોકો સમેત શિખરજીના કણકણને પવિત્ર માને છે. ઝારખંડના ગિરડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર આવેલા સમેત શિખરજીને પાશ્વનાથ પર્વત પણ કહેવામાં આવે છે. આ સ્થાન લોકોની આસ્થા સાથે સંકળાયેલું છે. હિંદુ પણ મોટી સંખ્યામાં તેને આસ્થાનું કેન્દ્ર સમજે છે. જૈન સમુદાયના લોકો સમેત શિખરજીના દર્શન કરે છે અને 27 કિમી વિસ્તારમાં આવેલા મંદિરોના દર્શન કરે છે. અહીં પહોંચતાં લોકો પૂજાપાઠ પછી જ કંઈ પણ પણ આરોગે છે.
તીર્થંકર ભિક્ષુઓનું મોક્ષસ્થાન
સમેત શિખરજી જૈન સમુદાયનું પવિત્ર તીર્થસ્થળ છે. લોકો સમેત શિખરજીના કણ-કણને પવિત્ર માને છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર સ્થિત છે શ્રી સમેત શિખરજીને પાર્શ્વનાથ પર્વત પણ કહેવાય છે. ઝારખંડ સરકારે તેને પર્યટન સ્થળ જાહેર કર્યુ હતું, જેની સામે સમગ્ર જૈન સમુદાયમાં પ્રચંડ વિરોધ ઉઠ્યો હતો.
જૈન ધાર્મિક માન્યતા મુજબ અહીં 24માંથી 20 જૈન તીર્થંકર અને ભિક્ષુઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. જૈન સમુદાયના આ પવિત્ર સ્થાનને ઝારખંડ સરકારે ફેબ્રુઆરી 2019માં પર્યટન સ્થાન જાહેર કરી દીધું છે. તે સાથે જ દેવધરના બૈજનાથ ધામ અને દુમકના બાસુકીનાથ ધામને પણ પર્યટન સ્થાનોની યાદીમાં સામેલ કરી દીધા હતા. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પણ પારસનાથ પહાડીને પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરીને કહ્યું કે આ પ્રદેશ પર્યટનને પ્રોત્સાહન આપવાની ક્ષમતા ધરાવે છે. જૈન સમુદાયનું કહેવું હતું કે, આ આસ્થા કેન્દ્ર છે. પર્યટન સ્થાન નથી. પવિત્ર ધાર્મિક સ્થાનની પવિત્રતા યથાવત્ રહેવી જોઈએ.
શું કહેવું છે ઝારખંડ સરકારનું ?
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, સમેત શિખરજી મુદ્દે જાહેરનામું ભાજપ સરકાર વખતે બહાર પડ્યું હતું. સોરેનના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાએ જણાવ્યું કે, ભારત સરકારે સમેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કર્યું છે. ભાજપ હવે લોકોને ગુમરાહ કરી રહી છે. તો ભાજપનું કહેવું છે કે, ઝારખંડમાં ભાજપ સરકાર હતી ત્યારે સમેત શિખરજીને તીર્થસ્થાન જાહેર કરવામાં આવ્યું હતું. તેના સંરક્ષણ માટે કામ થયું હતું. હવે ઝારખંડ મુક્ત મોરચો તેને ખંડિત કરીને જૈન સમુદાયના લોકોની આસ્થા સાથે રમત રમી રહ્યા છે.