ઢાકા, નવી દિલ્હીઃ બાંગ્લાદેશની સેનાએ 15 ઓગસ્ટ 1975ના રોજ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને તેમના કુટુંબીજનોની હત્યા કરી સત્તા પોતાના હાથમાં લીધી હતી. લગભગ 49 વર્ષે તેમના પુત્રી શેખ હસીનાને માત્ર 45 મિનિટમાં હટાવી સેના અને વિરોધ પક્ષોએ ભેગા મળી ફરી એક વખત સત્તા આંચકી લીધી છે. જાન્યુઆરીમાં વિવાદિત ચૂંટણીમાં ચોથી વખત સત્તા મેળવનાર હસીના ભાગીને અત્યારે ભારત પહોંચ્યા છે અને લંડન ખાતે રાજકીય આશરો મળે એવી આશા રાખી રહ્યા છે.
બીજી તરફ, સેનાએ સત્તા હસ્તગત કર્યાના બીજા દિવસ મંગળવારે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની વચગાળાના વડાપ્રધાન તરીકે નિમણૂક કરી છે. લશ્કરના આ પગલાંથી જનાક્રોશ શાંત પડવાની શક્યતા છે કેમ કે આંદોલનકારીઓની એક માગ એ પણ હતી કે દેશની શાસનધૂરા સેનાએ સંભાળવાના બદલે વચગાળાની સરકારની રચના કરીને તેને સત્તાના સૂત્રો સોંપી દેવા જોઇએ.
ભારત માટે ચિંતાનો વિષય
બાંગ્લાદેશની રાજકીય અનિશ્ચિતતા ભારત માટે ચિંતાનો વિષય છે. પાડોશી દેશોમાં પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને માલદિવ્સ પછી હવે વધુ એક દેશ ભારત માટેના સૌથી મોટા દુશ્મન ચીનના હાથમાં સરકી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ 4156 કીલોમીટરની સરહદ ધરાવે છે. બાંગ્લાદેશના ઘૂસણખોરો માત્ર આસામ, પશ્ચિમ બંગાળ નહીં સમગ્ર દેશ માટે હંમેશ તકલીફ ઉભી કરતા આવ્યા છે. ˘
બીજું, શેખ હસીનાનો વિરોધ કરનારા રાજકીય પક્ષો, સેના અને અન્ય સંગઠનો અંતિમવાદી મનોવૃત્તિ ધરાવે છે. આ સ્થિતિમાં ભારતે ચોક્કસ સાવધ રહેવું પડશે. વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીના ખાલેદા ઝિયા ચીન અને પાકિસ્તાન તરફ કુણું વલણ ધરાવે છે. બાંગ્લાદેશમાંથી ભારતીયોને કાઢવાના અભિયાન ઝિયા અને અન્ય વિરોધ પક્ષ જમાત-એ-ઇસ્લામી ચલાવી ચૂકયા છે. બંને પક્ષ ઇસ્લામી કટ્ટરપંથીને સમર્થન પણ આપે છે. શેખ હસીનાએ છેલ્લા 15 વર્ષમાં ભારત સાથે મજબૂત સંબંધો રાખ્યા હતા જેમાં સૈનિક, રાજકીય, રાજદ્વારી અને આર્થિક સહકારોનો સમાવેશ થાય છે. વર્ષ 2009 અગાઉના બાંગ્લાદેશમાં ભારત વિરોધી ત્રાસવાદી કેમ્પ, ત્રાસવાદીઓને શરણ આપવા, ભારતમાં ત્રાસાદીઓની ઘૂસણખોરી સરળ હતી. આ ભૂતકાળ ફરી જીવંત થાય એવી શક્યતા છે. અને એટલે જ બાંગ્લાદેશની સ્થિતિ, ત્યાં કોની સરકાર બને છે, સેના સત્તા સાથે ચોંટેલી રહે છે કે ફરી લોકશાહી સ્થપાશે એના ઉપર ભારતે ચાંપતી નજર રાખવી પડશે.
બે હિન્દુ કાઉન્સીલરની હત્યા, મંદિરોમાં તોડફોડ
બાંગ્લાદેશમાં ચાલતાં રમખાણો હવે હિન્દુઓ તરફ વળી રહ્યા છે. અરાજક તત્વોએ રવિવારે ૧૦૦થી વધુ લોકોની હત્યા કરી હતી, જેમાં બે હિન્દુઓ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. કટ્ટરવાદી તત્વોએ કાલી મંદિર તથા ઇસ્કોન મંદિરો સહિત અનેક હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી છે. આ રમખાણોમાં માર્યા ગયેલા રંગપુર સીટી કોર્પોરેશનના કાઉન્સિલર હર્ષવર્ધન રોય તેમજ અન્ય કાઉન્સિલર કાજલ રોયની પણ હત્યા કરાઈ છે. કાજલ રોયને તો ગોળીથી ઠાર મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કટ્ટરવાદીઓના હુમલા દર્શાવે છે કે, તેની પાછળ પાકિસ્તાન અને ચીનનો હાથ હોવાની આશંકા છે.