પ્રયાગરાજઃ મહાશિવરાત્રીના છેલ્લા પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં શ્રદ્ધા, એકતા અને સમાનતાના મહાપર્વ મહાકુંભની પૂર્ણાહુતિ થઈ છે. 45 દિવસ ચાલેલા વિશ્વના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં કુલ 66.30 કરોડથી વધુ ભક્તોએ ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરતાં તે વિશ્વના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને અવિસ્મણીય ઘટના બની હતી. આ સંખ્યા ભારત અને ચીન સિવાયના વિશ્વના તમામ દેશોની કુલ વસ્તી કરતાં પણ વધુ છે.
વિશાળ ભીડ માત્ર સંગમ પર જ નહીં, પરંતુ ઉત્તર ભારતના સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર જોવા મળી હતી. ઉત્તરપ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 66.30 કરોડ લોકોએ પ્રયાગરાજની મુલાકાત લીધી છે, જે ચીન અને ભારત સિવાયના તમામ દેશોની વસ્તી કરતા વધારે છે.
શિવરાત્રિના શુભ દિવસે સંગમના પાણીમાં ડૂબકી મારવા લાખો ભક્તો સાથે એકઠા થયાં હતાં અને એક દિવસમાં 1.53 કરોડ કરતા વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કર્યું હતું. ‘હર હર મહાદેવ...’ના નારાની ગુંજ સાથે હેલિકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલોની પાંખડીઓ વરસાવાઇ હતી. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, દર 12 વર્ષે ગ્રહોના દુર્લભ સંયોગ સાથે યોજાતા મહાકુંભમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહાનુભાવોનું પવિત્ર સ્નાન
મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનો, વરિષ્ઠ નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ, કોર્પોરેટ જગતના માંધાતાઓએ પણ પવિત્ર ડૂબકી મારી હતી. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સહિતના વિવિધ મહેમાનોએ મેળાની ખાસ મુલાકાત લીધી હતી અને પવિત્ર સ્નાન પણ કર્યું હતું. બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓએ પરિવારના સભ્યો સાથે મેળાની મુલાકાત લીધી હતી. એપલના સ્થાપક દિવંગત સ્ટીવ જોબ્સના પત્ની લૌરા પોવેલ, બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન પણ ડૂબકી મારવા આવ્યાં હતાં.
અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત
આ ધાર્મિક મેળામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ અને એઆઇ-સજ્જ કેમેરા સહિત અભૂતપૂર્વ સુરક્ષા પગલાં જોવા મળ્યા હતાં. 40 હેક્ટરમાં ફેલાયેલા મહાકુંભનગર છેલ્લા છ સપ્તાહ દરમિયાન ચોવીસે કલાક ધમધમતું જોવા મળ્યું હતું. દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ સ્થળે પવિત્ર ડુબકી લગાવી હતી. મહાકુંભને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા વ્યાપક તૈયારીઓ કરાઈ હતી. મહાકુંભમાં 75,000થી વધુ સુરક્ષા કર્મચારીઓની સાથે અલ્ટ્રા મોર્ડન કેમેરાની પણ મદદ લેવાઈ હતી. લાખો-કરોડો શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રીત કરવા માટે એઆઈની મદદ લેવાઈ હતી. મહાકુંભમાં સંગમ વિસ્તારમાં 1700 કેમેરા લગાવાયા હતા, જેમાં 500થી વધુ કેમેરા એઆઈથી સજ્જ હતા. આ કેમેરાથી એકત્ર કરાયેલા ડેટાથી કરોડો શ્રદ્ધાળુઓની ગણતરી કરાઈ હતી.
કર્મચારીઓને બોનસ-પગારવધારો-રજા
બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના સમાપન બાદ ગુરુવારે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન કર્યું હતું અને તેમના માટે મોટી જાહેરાતો કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે, રાજ્ય સરકારે પ્રયાગરાજમાં મહાકુંભમાં સફાઈ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને રૂ. 10,000નું બોનસ આપવાનો, એપ્રિલથી સફાઈ કર્મચારીઓનું લઘુત્તમ વેતન રૂ. 16000 કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અસ્થાયી સ્વાસ્થ્ય કર્મચારીઓને સ્વાસ્થ્ય કવરેજ માટે આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાશે.
મહાકુંભમાં ફરજ નિભાવનારા પોલીસ કર્મચારીઓ માટે ભેટની જાહેરાત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભમાં તૈનાત બધા જ પોલીસ કર્મચારીઓને એક સપ્તાહનું મિની વેકેશન અપાશે. તેમને સેવા મેડલ અપાશે. આ સિવાય નોન-ગેઝેટેડ પોલીસ કર્મચારીઓને રૂ. 10,000નું સ્પેશિયલ બોનસ અપાશે. મહાકુંભમાં 75,000 પોલીસ કર્મચારીઓ, પીએસી, સીઆરપીએફ, પીઆરડી જવાનો, હોમગાર્ડ્સે ફરજ નીભાવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાવિકો અને ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગના ડ્રાઈવર્સનો પણ વિશેષ આભાર માન્યો હતો. તેમણે નાવિકોનું સન્માન કરતાં તેમના માટે રૂ. 5 લાખની વીમા યોજનાની જાહેરાત કરી હતી. આ સિવાય ગરીબ નાવિકોને હોડી ખરીદવા નાણાં પૂરા પાડશે. જેમની પાસે સ્વાસ્થ્ય વીમો નથી તેમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભ અપાશે.