અયોધ્યાઃ પાંચમી ઓગસ્ટે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર ૩૨ સેકન્ડ હશે. આ અભિજિત મુહૂર્તની ૩૨ ઘડીમાં ૫૦૦ વર્ષના પ્રયાસોને સાકાર કરવાનો આરંભ થશે. આ શુભ મુહૂર્ત જ્યોતિષશાસ્ત્રમાં ઉત્તર-દક્ષિણના સંગમમાંથી નીકળે છે. ઉત્તર ભારતમાં પાંચમી ઓગસ્ટના રોજ ભાદ્રપદ અને દક્ષિણ ભારતમાં શ્રાવણ મહિનો છે. આ શુભ મુહૂર્તનો સમય મધ્યાહ્ન ૧૨ કલાક ૧૫ મિનિટ અને ૧૫ સેકન્ડનો છે. આ દુર્લભ અભિજિત મુહૂર્તને કાશીના પ્રકાંડ વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે કાઢ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ રામ મંદિર શિલાન્યાસ પ્રસંગને દિવાળી પર્વ જેમ દિવડા પ્રગટાવીને ઉજવવા ભારતીયોને હાકલ કરી છે.
અભિજિત મુહૂર્તમાં જ શિલાન્યાસ વિધિ સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા કાશી વિદ્વત પરિષદના મંત્રી ડો. રામનારાયણ દ્વિવેદીની સાથે ત્રણ આચાર્ય નજર રાખશે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા આચાર્યો ત્રીજી ઓગસ્ટથી શિલાન્યાસ વિધિનો પ્રારંભ કરશે. પ્રારંભ મહાગણેશ પૂજનથી થશે.
ડો. દ્વિવેદીએ કહ્યું કે પ્રથમ દિવસે મહાગણેશ પૂજનની સાથે પંચાગ પૂજન થશે. બીજા દિવસે ચોથી ઓગસ્ટે સૂર્ય સહિત નવગ્રહની પૂજા થશે. ચોથી ઓગસ્ટે વરુણ, ઈન્દ્ર વગેરે દેવતાની સાથે પૂજા થશે. પાયો અગાઉથી જ ખોદીને રખાશે. વડા પ્રધાને અડધી મિનિટમાં શિલાન્યાસની સામગ્રીને સંકલ્પ સાથે સ્પર્શ કરીને પાયામાં સ્થાપિત કરવાની રહેશે.
શિલાન્યાસ પ્રસંગે અયોધ્યા નગરીને સજાવવા માટે દિવસ-રાત કામગીરી ચાલી રહી છે. શહેરના વિવિધ માર્ગો - પુલોની દિવાલોને રંગબેરંગી ચિત્રોથી સજાવાઇ રહી છે તો અનેક સ્થળે વિશાળ રંગોળી પણ કરાશે. મંદિરોની નગરી અયોધ્યાના મંદિરોમાં અનોખો ઉમંગ-ઉલ્લાસ પ્રવર્તે છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગયા શનિવારે અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા હતા અને તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દિવસ સહુ કોઇ માટે અવિસ્મરણીય બની રહેશે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ મોકલાઇ રહ્યા છે, પરંતુ કોરોના મહામારીના કારણે અમારી પણ કેટલીક મર્યાદા છે. આ પ્રસંગે ચોથી અને પાંચમી ઓગસ્ટે સાંજે અયોધ્યા નગરી દીપોત્સવથી ઝળહળી ઉઠશે.
રામાનંદી પરંપરાથી શિલાન્યાસ
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ રામલલ્લાના મંદિરનો શિલાન્યાસ છે, આથી રામાનંદી પરંપરાથી જ પૂજા થશે. પાંચ શિલાઓ નંદા, જયા, ભદ્રા, રિક્તા અને પૂર્ણાની પૂજા કરાશે. ચાર શિલાઓ ચાર દિશાઓમાં અને એક વચ્ચે મુકાય છે. આ પછી તેમાં તમામ નદીઓ અને સમુદ્રનું જળ અર્પિત કરાશે. તમામ તીર્થો ઉપરાંત ગૌશાળા - અશ્વશાળાની માટી અને ઔષધિઓની પણ પૂજા કરાશે. આપણી પૃથ્વી શેષનાગના ફેણ પર ટકેલી છે અને શેષનાગ કચ્છપના ઉપર છે, એટલે ચાંદીના શેષનાગ અને કચ્છપને પંચધાતુ અને પંચરત્નો સાથે કાંસ્ય કળશમાં સ્થાપિત કરાશે.
એક કલાકનું ભૂમિપૂજન
અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ અપાઇ ચૂક્યો છે. વડા પ્રધાન મોદી પાંચ ઓગસ્ટના રોજ હેલિકોપ્ટરમાં અયોધ્યાના સાકેત મહાવિદ્યાલય પહોંચશે. ત્યાંથી તેઓ રામ જન્મભૂમિ રવાના થશે. વડા પ્રધાન મોદી અંદાજે ૧૧.૩૦ના સુમારે અયોધ્યાના રામ મંદિર સંકુલે પહોંચશે. તે પછી એક કલાક ભૂમિપૂજન વિધિનો કાર્યક્રમ યોજાશે. ભૂમિપૂજન કાર્યક્રમ પછી વડા પ્રધાન સંબોધન પણ કરશે.
ભૂમિપૂજનમાં ૨૦૦ મહેમાનો હાજર રહેશે
ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. મહેમાનોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કલા-સાહિત્ય વગેરે ક્ષેત્રના લોકો, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, ધર્મગુરુઓ અને અધિકારીઓને આમંત્રણ અપાયું છે. લગભગ ૨૦૦ જેટલાં મહેમાનો આ કાર્યક્રમમાં હાજર રહેશે. જેમાં ભાજપ નેતા અડવાણી, સંઘના વડા મોહન ભાગવત, વિનય કટિયાર, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે. અયોધ્યામાં જે વીવીઆઈપી ગેટ તૈયાર કરાયો છે, ત્યાંથી તમામ મહેમાનોને એન્ટ્રી અપાશે.
૨૦૦૦ ફૂટ ઊંડે ટાઇમ કેપ્સ્યૂલ મૂકાશે
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે રવિવારે જણાવ્યું હતું કે રામ મંદિર સંકુલમાં આશરે ૨૦૦૦ ફૂટ નીચે એક ટાઇમ કેપ્સ્યૂલ દબાવવામાં આવશે કે જેથી ભવિષ્યમાં મંદિર સંબંધી તથ્યો અંગે કોઇ વિવાદ ના સર્જાય. આ કેપ્સ્યૂલમાં મંદિરના ઇતિહાસ અને તેના સંબંધિત તમામ માહિતી હશે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ ટાઇમ કેપ્સ્યૂલમાં શ્રીરામ જન્મથી માંડીને મંદિર નિર્માણ સુધીની તમામ વિગતોને તામ્રપત્ર પર અંકિત કરીને મૂકવામાં આવી છે. આ સાથે માહિતી સંબંધિત તસવીરો પણ સામેલ હશે.
કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં રામ મંદિરના ઇતિહાસનો કોઇ અભ્યાસ કરવા ઇચ્છશે તો આ કેપ્સ્યૂલ તેને મદદ કરશે અને કોઇ નવો વિવાદ નહીં સર્જાય. તેમણે જણાવ્યું કે આ ભૂમિપૂજન માટે જે નદીઓમાં રામનાં ચરણ પડયાં હતાં તે નદીઓમાં જળ અને તીર્થસ્થાનોમાંથી માટી લાવવામાં આવશે.