હ્યુસ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’ની જ્વલંત સફળતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષ્યું છે. શાનદાર શોમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિને કોઇ દ્વિપક્ષીય સંબંધોનું સોનેરી પ્રકરણ ગણાવે છે તો કોઇ ભારત-અમેરિકી સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ ગણાવે છે. ભારતીય વડા પ્રધાન અને અમેરિકી પ્રમુખની એક મંચ પર આવીને ૫૦ હજાર લોકોને સંબોધવાની ઘટનાને સહુ કોઇ ઐતિહાસિક ગણાવે છે.
દુનિયાભરના માધ્યમોએ ‘હાઉડી મોદી’ની પ્રશંસા કરતાં બે સૌથી મોટા લોકતંત્રના વડાના સહયોગને આવકાર્યો છે તો રાજદ્વારી નિષ્ણાતો સ્વીકારે છે કે આંતરરાષ્ટ્રીય તખ્તે મોદીનું કદ વધ્યું છે. આ શોમાં હાજર કે ગેરહાજર અમેરિકન સાંસદો અને ગવર્નરોએ ત્યાં એકત્રિત થયેલા મહેરામણને બિરદાવ્યો હતો. પ્રમુખ ટ્રમ્પે પણ કાર્યક્રમ પછી ટ્વિટ કરીને લોકોના ઉત્સાહને અદભુત ગણાવ્યો હતો. સહુ કોઇ એક અવાજે કહે છે કે અત્યાર સુધીમાં કોઇ પણ ભારતીય વડા પ્રધાનના માનમાં આવો ભવ્ય સમારોહ યોજાયો નથી. અમેરિકામાં આવો પહેલો ઇવેન્ટ છે.
‘આતંકવાદને પોષનારાને આજે આખી દુનિયા ઓળખે છે’
હ્યુસ્ટનઃ રવિવારે મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’માં ઉમટેલા ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આતંકવાદને પાળતા-પોષતા પાકિસ્તાન પર પસ્તાળ પાડતાં તેમણે કહ્યું હતું કે આ એવા લોકો છે જે અશાંતિ ઇચ્છે છે, આ લોકો એવા છે જે અશાંતિ ઈચ્છે છે, આતંકના સમર્થક છે, આતંકને ઉછેરે છે. તેમની ઓળખ માત્ર તમે જ નહીં, સમગ્ર દુનિયાએ કરી લીધી છે. દુનિયા તેમને ઓળખી ગઈ છે. અમેરિકામાં ૯/૧૧ હોય કે મુંબઈમાં ૨૬/૧૧ હોય, તેના ષડયંત્રકારીઓ ક્યાં મળે છે તે બધા જાણે છે. હવે સમય છે કે આતંકવાદ સામે અને આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સામે નિર્ણાયક લડાઈ લડવામાં આવે. હું અહીંયા ભારપૂર્વક કહેવા માગું છું કે, આ લડાઈમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ મજબૂતી સાથે આતંક સામે ઊભા છે.
તેમણે કહ્યું હતું કે, ભારતે પોતાના દેશમાં કરેલા ફેરફારથી એવા દેશને તકલીફ પડી રહી છે જે પોતાને પણ સંભાળી શકતો નથી. આ લોકોએ ભારત પ્રત્યે નફરતને પોતાની રાજનીતિનું કેન્દ્ર બનાવી લીધું છે. આપણા દેશ સમક્ષ ૭૦ વર્ષથી મોટો પડકાર હતો, જેને ભારતે થોડા સમય પહેલા ફેરવેલ આપી છે. આ વિષય છે આર્ટિકલ ૩૭૦નો. ૩૭૦એ જમ્મુ-કાશ્મીર ને લદાખના લોકોને વિકાસથી અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા છે. આ કાયદાનો ઉપયોગ અલગતાવાદ અને આતંકવાદ ફેલાવનારા લોકો કરતા હતા. હવે તમામ અધિકાર કાશ્મીર - લદાખના લોકોને મળી ગયા છે.
હું સામાન્ય માણસ...
મોદીએ જણાવ્યું કે, કાર્યક્રમનું નામ હાઉડી મોદી છે, પણ મોદી એકલા કંઇ નથી. હું ૧૩૦ કરોડ ભારતીયોના આદેશ થકી કામ કરનારો સામાન્ય માણસ છું. આથી જ તમે જ્યારે પૂછયું છે કે હાઉડી મોદી? ત્યારે મારું મન કહે છે કે તેનો એક જ જવાબ હોઈ શકેઃ ભારતમાં બધું જ બરાબર છે. સબ ચંગા સી... બધા જ મજામાં છે.
મોદી જુદી જુદી ભારતીય ભાષાઓમાં આ શબ્દો બોલ્યા હતા, અને પછી ઉમેર્યું હતું કે, અમારા વૈવિધ્યની ઓળખ છે અમારી ભાષાઓ. સદીઓથી અનેક બોલીઓ અને અનેક ભાષાઓ આગળ વધી રહી છે અને આજે પણ કરોડો લોકોની માતૃભાષા તરીકે યથાવત્ છે. માત્ર ભાષા જ નહીં, અમારા દેશમાં અલગ અલગ પંથ, સંપ્રદાય, ક્ષેત્રીય, ખાનપાન, અલગ અલગ વેશભૂષા, અલગ અલગ ઋતુચક્ર આ દેશને અલગ બનાવે છે. વિવિધતામાં એકતા એ જ અમારો વારસો છે. એ જ અમારી વિશેષતા છે. ભારતની આ જ વિવિધતા અમારી વાઈબ્રન્ટ ડેમોક્રેસીનો આધાર છે.
સંબંધોના નવા સમીકરણ
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ વિશાળ જનસંખ્યા માત્ર આંકડા પૂરતી જ સીમિત નથી. આજે આપણે એક નવો ઇતિહાસ રચાતો જોઈએ છીએ અને સંબંધના નવા સમીકરણો પણ રચાતાં જોઈએ છીએ. એનઆરજીની એનર્જી ભારત અને અમેરિકા વચ્ચે વધતી સીનર્જીની સાક્ષી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પનું અહીંયા આવવું, વિવિધ પક્ષના અમેરિકી સાંસદોની અહીંયા ઉપસ્થિતિ, આ મહાનુભાવોએ ભારતના વિકાસ માટે જે કહ્યું અને જે પ્રશંસા કરી તે ૧૩૦ કરોડ ભારતીયોનું સન્માન છે.
આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ૬૧ કરોડ મતદારોએ ભાગ લીધો. એક પ્રકારે અમેરિકાની કુલ વસ્તીના ડબલ લોકો સક્રિય હતા. તેમાં ૮ કરોડ યુવાન એવા હતા જેમણે પહેલી વખત મત આપ્યો હતો. ભારતની લોકશાહીમાં સૌથી વધુ મહિલા મતદારોએ આ વર્ષે મત આપ્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીએ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ૬૦ વર્ષ પછી એવું બન્યું કે પૂર્ણ બહુમત સાથે સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને પહેલા કરતા વધારે બેઠકો સાથે ફરીથી સત્તા ઉપર આવી. આ બધું કેમ થયું? કોના કારણે થયું? મોદીના કારણે નહીં, તે ભારતવાસીઓના કારણે બન્યું છે.
વો જો મુશ્કીલો કા અંબાર હૈ...
તેમણે કહ્યું કે, ભારતમાં ઘણું થઈ રહ્યું છે. ઘણું બદલાઈ રહ્યું છે અને ઘણું કરવાના ઈરાદા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અમે નવા પડકારો તૈયાર કરવાની અને પૂરા કરવાની જીદ રાખી છે. દેશની આ ભાવના અંગે તેમણે પોતાની એક કવિતાની બે પંક્તિઓ ટાંકી હતીઃ વો જો મુશ્કીલો કા અંબાર હૈ... વહી તો મેરે હોંસલો કી મિનાર હૈ... મતલબ કે ભારત સાથે પડકારોને ટાળતો નથી. અમે પડકારો સાથે બાથ ભીડીએ છીએ. ભારત ઇન્ક્રિમેન્ટલ ચેન્જ ઉપર નહીં, સમસ્યાના ઉકેલ પર ભાર મૂકે છે. અશક્ય લાગતી તમામ બાબતોને ભારત આજે શક્ય કરીને બતાવી રહ્યું છે. ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી માટે સજ્જ થઈ રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ માટે, પીપલ ફ્રેન્ડલી એન્વાયર્ન્મેન્ટ, ડેવલપમેન્ટ ફ્રેન્ડલી એન્વાયર્ન્મેન્ટ ઉપર કામ કરીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આગામી દિવસોમાં ૧૦૦ લાખ કરોડ ખર્ચીશું.
ડેટા જ ઓઈલ છે, ડેટા જ ગોલ્ડ છે
મોદીએ જણાવ્યું હતું કે, આજકાલ કહેવાય છે કે, ડેટા ઈઝ ધ ન્યૂ ઓઈલ. હું તેમાં એક વાત જોડીશ કે ડેટા ઈઝ ન્યૂ ગોલ્ડ. સમગ્ર દુનિયામાં સૌથી સસ્તા દરે ડેટા ક્યાંય ઉપલબ્ધ છે તો તે દેશ છે ભારત. આજે ભારતમાં ૧ જીબી ડેટા કિંમત માત્ર ૨૫-૩૦ સેન્ટ એટલે કે એક ડોલરનો ચોથો ભાગ છે. ૧ જીબીની વૈશ્વિક એવરેજ ૨૫થી ૩૦ ગણી વધારે છે. તે ભારતની નવી ઓળખ છે. ડિજિટલ ઇન્ડિયાથી બધુ રિડિફાઈન થયું છે. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ૧૦,૦૦૦ સેવાઓ ઓનલાઈન ચાલે છે. એક સમય હતો જ્યારે પાસપોર્ટ બનવામાં બેથી ત્રણ મહિના લાગતા હતા. હવે અઠવાડિયાથી ઓછા સમયમાં પાસપોર્ટ ઘરે આવી જાય છે. એક સમય હતો જ્યારે નવી કંપનીના રજીસ્ટ્રેશનમાં બે-ત્રણ અઠવાડિયા થતા હતા. હવે ૨૪ કલાકમાં થઈ જાય છે. એક સમયે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું માથાનો દુખાવો હતો, રિફંડ આવતાં મહિના લાગતા હતા. દેશ મહાત્મા ગાંધી જન્મજયંતી ઉજવશે ત્યારે ભારત ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત થઇ જશે. ભારતમાં અનેક કાયદા ને ટેક્સ હતા, જે સમસ્યા જેવા હતા. અમારી સરકારે તેને ફેરવેલ આપી દીધી છે.
ભારતનો સંકલ્પ છે ન્યૂ ઈન્ડિયા
ધીરજ ભારતીયોની ઓળખ છે, પરંતુ હવે આપણે અધીર છીએ દેશના વિકાસ માટે. ૨૧મી સદીમાં દેશને નવી ઊંચાઈઓ સર કરાવવી છે. આજે ભારતનો સૌથી ચર્ચિત શબ્દ છે વિકાસ. આજે ભારતનો સૌથી મોટો મંત્ર છે. સબ કા સાથ, સબ કા વિકાસ. આજે ભારતની નીતિ છે, જન ભાગીદારી. ભારતનું સૌથી જાણીતું સૂત્ર છે સંકલ્પથી સિદ્ધિ. આજના ભારતનો સંકલ્પ છે ન્યૂ ઇન્ડિયા. ભારત આજે ન્યૂ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે દિવસરાત એક કરી રહ્યું છે. તેમાં સૌથી ખાસ વાત છે કે અમે કોઈ બીજા પાસે નહીં, પણ જાતે પોતાની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ.