સજ્જન સાબિત થયા દુર્જનઃ શીખ રમખાણ કેસમાં કોંગ્રેસી નેતાને ઉમ્રકેદ

Tuesday 18th December 2018 12:17 EST
 
 

નવી દિલ્હીઃ શીખવિરોધી રમખાણોના કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતાં દિલ્હી હાઇ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમાર સહિત ચારને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે. ૩૪ વર્ષ જૂના આ કેસમાં કોર્ટે તેમને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકોએ હત્યા કર્યા બાદ રાજધાનીમાં શીખવિરોધી હિંસાનો જુવાળ ફાટી નીકળ્યો હતો. અગાઉ નીચલી કોર્ટે સજ્જન કુમારને આ કેસમાં નિર્દોષ ઠરાવ્યા હતા, પરંતુ હાઇ કોર્ટે તે ચુકાદાને ઉલ્ટાવી નાખ્યો છે. ત્રણ રાજ્યો - રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની રચના થઇ રહી તે વેળા જ આવેલા હાઇ કોર્ટના આ ચુકાદાએ કોંગ્રેસને આંચકો આપ્યો છે.

આ ચુકાદો કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે કેમ કે પક્ષના અન્ય ટોચના નેતાઓ જગદીશ ટાઇટલર અને કમલ નાથ સામે રમખાણોમાં સંડોવણી બદલ આંગળી ચીંધાતી રહી છે. આમાં પણ કમલ નાથે તો દિલ્હી હાઇ કોર્ટે ચુકાદો આપ્યો તે જ દિવસે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન પદે શપથ લીધા છે. 

કોર્ટે ૭૩ વર્ષના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારની સાથે અન્ય ત્રણ આરોપી નૌકા દળના કેપ્ટન ભાગમલ, ગિરિધારી લાલ અને કોંગ્રેસી નેતા બલવાન ખોખરને પણ આજીવન કેદની સજા કરી છે, જ્યારે કિશન ખોખર અને પૂર્વ કોર્પોરેટર મહેન્દર યાદવને ૧૦-૧૦ વર્ષ કેદ થઇ છે.
જસ્ટિસ એસ. મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપીઓ સામે હત્યા, ગુનાઇત કાવતરું, લોકોને હિંસા માટે ઉશ્કેરવા, આગ અને વિસ્ફોટકો દ્વારા લોકોનાં ઘરને સળગાવવાનાં તેમજ એક સમુદાયનાં ધાર્મિક સ્થળને અપવિત્ર કરવાનું કાવતરું ઘડવાના આરોપો લગાવી સજ્જન કુમાર તેમજ અન્યોને દોષિત ઠરાવ્યા છે.

સત્યનો હંમેશા વિજય થશેઃ કોર્ટ

જસ્ટિસ એસ. મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલે ૨૦૩ પાનાનું જજમેન્ટ આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, પૂર્વ વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની હત્યા બાદ જે નરસંહાર થયો તે ભયાનક હતો. તેણે માત્ર દિલ્હીમાં જ ૨૭૦૦ શીખોનો ભોગ લીધો હતો. કાયદો અને વ્યવસ્થાનો છડેચોક ભંગ થયો હતો અને તેની પીડા આજે પણ લોકો ભોગવી રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યારે લોહિયાળ ઘટના બની હતી. લોકો એકબીજાના જીવના ભક્ષક બની ગયા હતા. તેના ૩૭ વર્ષ બાદ ફરી એક વખત નરસંહાર થયો. દેશ એવી જઘન્ય ઘટનાનો સાક્ષી બન્યો જેમાં માનવતા શરમમાં મૂકાઈ.
એકથી ચાર નવેમ્બર ૧૯૮૪ દરમિયાન દિલ્હી અને દેશના અન્ય વિસ્તારોમાં શીખોની કત્લેઆમ થઇ હતી. આ તમામ ઘટના રાજકીય નેતાઓની ઉપજ હતી અને આમાં તેમને કાયદાકીય એજન્સીનો સાથ મળ્યો હતો. તેમની મદદથી માનવતાવિરોધી રમખાણો થયા. આ ગુનાખોરી કરનારા અને કરાવનારા નેતાઓ રાજકીય લાભ લઇને છટકી ગયા હતા. આવા લોકોની પાસેથી જવાબ માગવામાં પણ દાયકાઓ પસાર થઈ ગયા. આ દર્શાવે છે કે, ન્યાયતંત્રને મજબૂત કરવાની જરૂર છે. માનવતા સામેના ગુના કે પછી નરસંહાર આપણા કાયદાનો ભાગ જ નથી. આવી છટકબારીઓ તાકીદે બંધ થવી જોઈએ. ટ્રાયલ કોર્ટના તમામ ચુકાદા રદ કરાય છે.
નરસંહારની આ પહેલી ઘટના નથી. નરસંહારની આવી જ ઘટનાઓ મુંબઈમાં ૧૯૯૩માં, ગુજરાતમાં ૨૦૦૨માં, ઓડિશાના કંધમાલમાં ૨૦૦૮માં તથા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ૨૦૧૩માં બની હતી. સત્યનો હંમેશા વિજય થશે અને ન્યાય અમર છે.

પિતાને જીવતા સળગતા જોયા: નિરપ્રીત

૧૯૮૪માં દિલ્હીમાં ફાટી નીકળેલા શીખ રમખાણ કેસની મુખ્ય સાક્ષી પૈકીની એક નિરપ્રીત કૌરે જણાવ્યું કે, મેં મારી નજરે મારા પિતા સાહબ નિર્મલ સિંહને જીવતા સળગતા જોયા હતા. આ દરમિયાન ત્રણ વખત મારા પિતાએ બચવાના પ્રયાસ કર્યા, પણ છેલ્લે તેઓ નાળામાં પડી ગયા. તોફાનીઓ જંગલીની જેમ તૂટી પડ્યા અને લાકડીઓ ફટકારીને તેમની હત્યા કરી નાખી.

જાનવરોની જેમ લાશોને પીંખીઃ જગશેર સિંહ

જગશેર સિંહે કહ્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાએ તે દિવસે જાનવરોની જેમ લાશોને પીંખી નાખી હતી. નરસંહારમાં તેમનો પરિવાર ખતમ થઈ ગયો છે. મારા એક ભાઈને આગ લગાડીને જીવતો સળગાવી દેવાયો હતો. બાકીના બેની હત્યા કરી નંખાઇ હતી. મેં વાળ કપાવ્યા હોવાથી હું બચી ગયો હતો. જગશેર સિંહને ભાઈઓની હત્યાના કેસમાં ન્યાય મેળવવા લાંબી લડાઈ લડવી પડી છે.

સજ્જન કહેતો હતો શીખોને મારો: ચમ કૌર

ચમ કૌરે કોર્ટમાં જુબાની આપતાં કહ્યું હતું કે, મારો પરિવાર રેશનકાર્ડ સહિતના અન્ય કામો માટે વારંવાર તેની (સજ્જન કુમાર) પાસે જતો હતો. પહેલી નવેમ્બરે હું જ્યારે મારી બકરીને શોધી રહી હતી ત્યારે સજ્જન ટોળાને કહી રહ્યો હતો કે, તેમણે અમારી માને મારી નાખી છે. મારા પુત્ર કપૂર સિંહ અને પિતા સરદાર સિંહને માર મારીને છત પરથી નીચે ફેંકી દેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter