નવી દિલ્હીઃ તમે આને ન.મો. મેજિક કહો, ન.મો. સુનામી કહો, ન.મો. ટોર્નેડો કહો કે ન.મો. કરિશ્મા... ૧૯૮૪માં માત્ર બે બેઠકો જીતનાર ભાજપ ૧૭મી લોકસભામાં એકલપંડે ૩૦૩ બેઠકો મેળવીને સતત બીજી મુદત માટે સરકાર રચી રહ્યો છે. ૨૩ મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભાજપ અને સાથી પક્ષોએ ૫૪૨માંથી ૩૫૩ બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો માત્ર ૯૦ બેઠકો પર સમેટાઇ ગયા છે. વિપક્ષના મહાગઠબંધને ૧૫ બેઠકો જ મેળવી છે. મતદારોએ મોદીના સબળ નેતૃત્વમાં પ્રચંડ વિશ્વાસ દર્શાવીને સબકા વિકાસની આશાએ તેમને ફરી વખત સત્તાના સૂત્રો સોંપ્યા છે.
નરેન્દ્ર મોદીનું જીવનકથન રજૂ કરતી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની ટેગલાઇન છેઃ આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા. આ શબ્દો ચૂંટણી પરિણામોમાં યથાર્થ ઠર્યા છે.
ગુરુવારે સાંજે ૭ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એક વખત એનડીએ સરકાર દેશનું સુકાન સંભાળશે. શુક્રવારે મળેલી એનડીએની સંસદીય પક્ષની બેઠકમાં મોદીને એક અવાજે નેતાપદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
સબકા સાથ
સતત બીજી વખત ઐતિહાસિક જીત મેળવ્યા પછી વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે આ ભારતનો અને ભારતની જનતાનો ચમત્કારિક વિજય છે. સબ કા સાથ + સબ કા વિકાસ + સબ કા વિશ્વાસ = વિજયી ભારત. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ છીએ. સાથે પ્રગતિ કરીએ છીએ. સાથે મળીને એક મજબૂત અને ઈન્ક્લુઝિવ ભારતની રચના કરીશું. એક વાર ફરી ભારતની જીત થઈ છે. વિજયી ભારત.
ભવ્ય વિજય બાદ વડા પ્રધાન મોદી ૨૬ મેના રોજ માતા હિરાબાના આશીર્વાદ લેવા માતૃભૂમિ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સોમવારે તેઓ પોતાના મતવિસ્તાર વારાણસી પહોંચ્યા હતા અને પોતાને પ્રચંડ બહુમતી સાથે વિજય અપાવનાર મતદારોનો આભાર માન્યો હતો.
ન્યૂ ઈન્ડિયાનો જનાદેશ
લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપનાં હેડક્વાર્ટર ખાતે ભાજપનાં ૨૫,૦૦૦થી વધુ કાર્યકરોને સંબોધ્યા હતા. ન્યૂ ઈન્ડિયાનાં સ્વપ્નદ્રષ્ટા મોદીએ વિજય ટંકાર સાથે કહ્યું હતું કે, આ ન્યૂ ઈન્ડિયાનાં સર્જન માટે ન્યૂ ઈન્ડિયાનો જનાદેશ છે. ભાજપ અને એનડીએની જીત એ લોકશાહીનો ઝળહળતો વિજય છે. આખા વિશ્વએ ભારતની લોકશાહીની શક્તિને પિછાણી છે. ફરી સત્તા સોંપવા માટે ૧૩૦ કરોડ દેશવાસીઓનો આભાર માન્યો હતો.
૧૩ રાજ્યોમાં ક્લીન સ્વીપ
૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપને ક્લીન સ્વીપ મળી છે. કોંગ્રેસ અને વિપક્ષ પર મોદીનું બુલડોઝર ફરી વળ્યું છે. કોંગ્રેસ સહિતના યુપીએનો ૯૦ બેઠકો પર વિજય થયો છે. સપા-બસપા સહિતના વિપક્ષનું મહાગઠબંધન કે જેણે દેશમાં પરિવર્તનનો પવન ફૂંકવાનો જોરશોરથી દાવો કર્યો હતો તેનું બાળમરણ થયું છે. ઉત્તર પ્રદેશમાં તેનો દેખાવ નબળો રહ્યો હતો અને ફક્ત ૧૭ બેઠક મળી છે. માયાવતીનાં બસપાને ૧૦ અને અખિલેશનાં સપાને સમ ખાવા પૂરતી ૬ બેઠક મળી છે. અન્ય પક્ષોને ૯૭ બેઠક મળી છે.
ભવ્ય વિજય બાદ વડા પ્રધાન મોદી ૨૬ મેના રોજ માતા હિરાબાના આશીર્વાદ લેવા માતૃભૂમિ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સોમવારે તેઓ પોતાના મતવિસ્તાર વારાણસી પહોંચ્યા હતા અને પોતાને પ્રચંડ બહુમતી સાથે વિજય અપાવનાર મતદારોનો આભાર માન્યો હતો.
ઐતિહાસિક બહુમતી
લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે ૫૪૨માંથી ૩૦૩ બેઠકો પર વિજયપતાકા લહેરાવીને એનડીએનાં સાથથી ૩૫૩ બેઠકો સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવશે. ૨૦૧૪માં ભાજપને ૨૮૨ અને એનડીએને ૩૩૬ બેઠક મળી હતી. નેહરુ અને ઇંદિરા ગાંધી પછી ભારતમાં સતત બીજી વખત એક જ પક્ષને ઐતિહાસિક બહુમતી મળી હોય તેવી આ મહત્ત્વની ઘટના છે. ભૂતકાળમાં ક્યારેય સતત બે ટર્મ માટે બિન કોંગ્રેસી સરકાર બની નથી. મોદીએ નવો ઈતિહાસ રચ્યો છે.
૩૦મીએ સાંજે તાજપોશી
નરેન્દ્ર મોદી ગુરુવાર - ૩૦ મેના રોજ બીજી ટર્મ માટે વડા પ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે પ્રધાનમંડળના કેટલાક સાથીદારો શપથ લેશે. મોદી ભાજપના પહેલા નેતા છે કે જેઓ સતત બીજી વખત વડા પ્રધાન પદ પર શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. આ પહેલા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇંદિરા ગાંધીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જોકે અટલ બિહારી વાજપેયીને પણ બે વખત વડા પ્રધાન બનવાની તક મળી હતી પણ તેમનો પહેલો કાર્યકાળ લાંબો સમય ચાલી નહોતો શક્યો. જ્યારે મોદીએ પહેલો કાર્યકાળ પુરો કર્યો અને હવે બીજો કાર્યકાળ શરૂ થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડા પ્રધાન પદે નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ કરાવશે.
૮ દેશોના વડાને આમંત્રણ
શપથગ્રહણ પ્રસંગે ‘બિમ્સટેક’ના રાષ્ટ્રાધ્યક્ષો સહિત ૮ દેશોના નેતાઓને આમંત્રિત કરાયા છે. જોકે આમંત્રિતોમાં પાકિસ્તાનના વડા પ્રધાનનું નામ સામેલ નથી તે ઉલ્લેખનીય છે. ‘બિમ્સટેક’માં ભારત સહિત દક્ષિણ અને પૂર્વ એશિયાના એ ૭ દેશો સામેલ છે, જે બંગાળની ખાડી સાથે સંલગ્ન છે. આ દેશોમાં ભારત સિવાય, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભુતાનનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરેશિયસના વડા પ્રધાનને પણ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.