નીલાક્કલ, પંબા, તિરુવનંતપુરમ્ઃ કેરળના સુપ્રસિદ્ધ પૌરાણિક સબરીમાલા મંદિરના કપાટ બુધવાર - ૧૭ ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યે પાંચ દિવસની માસિક પૂજા માટે ખૂલી ગયા છે. જોકે સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં ૧૦થી ૫૦ વર્ષની વય સુધીની મહિલાઓ મંદિરમાં જઈ શકી નહોતી. આ મુદ્દે ઉગ્ર વિરોધ અને અફડાતફડીનો માહોલ રહ્યો હતો. પોલીસે મંદિરમાં મહિલાઓના પ્રવેશેનો વિરોધ કરી રહેલા સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી છે. દિવસભર હો-હંગામો અને તણાવપૂર્ણ રહ્યા માહોલ બાદ સાંજે ૫.૩૦ વાગ્યે નીલાક્કલ, પંબા, સનિધમ અને ઇલાવુલમમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓને મંદિર પરિસરમાંથી હાંકી કઢાયા છે.
લાંબા કાનૂની જંગ બાદ મહિલાઓએ સર્વોચ્ચ અદાલતની મદદથી ભગવાન અયપ્પાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સબરીમાલા મંદિરમાં પ્રવેશનો અધિકાર તો મેળવ્યો છે, પરંતુ તેઓ મંદિર સંકુલમાં પ્રવેશ મેળવે તે પહેલાં જ સમગ્ર પ્રકરણમાં વિવાદનો પ્રવેશ થયો છે. કોર્ટના ચુકાદા સમયે શરૂ થયેલો નારાજગીનો ગણગણાટ હવે દક્ષિણ ભારતમાં વિરોધનો વંટોળ બનીને ફરી વળ્યો છે.
૧૦ વર્ષથી મોટી કન્યાથી માંડીને ૫૦ વર્ષથી નાની મહિલાઓને મંદિર સંકુલમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવતી સૈકાઓ જૂની પરંપરાને સુપ્રીમ કોર્ટે રદ ઠરાવ્યા બાદ પહેલી વખત બુધવાર - ૧૭ ઓક્ટોબરથી મંદિરના દ્વાર ભક્તજનો માટે ખુલ્યા છે. તે પૂર્વે જ ચુકાદાના વિરોધમાં દિલ્હીથી માંડીને કેરળ સુધી મોરચા અને રેલી યોજાઇ રહ્યા છે. સૌથી નોંધનીય બાબત એ છે કે મહિલાઓની તરફેણમાં આવેલા આ ચુકાદાનો વિરોધ કરી રહેલા ભગવાન અયપ્પાના ભક્તોમાં મહિલાઓની જ સંખ્યા સવિશેષ જોવા મળે છે. આ ચળવળના સમર્થનમાં હવે રાજકીય પક્ષો પણ આવી ગયા છે.
ભાજપ-કોંગ્રેસની આક્ષેપબાજી
કેરળ ભાજપના કેટલાક નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તાંત્રિક અને રાજવી પરિવારના સભ્યોને કોઈ પણ કારણ વિના મંદિર પરિસરમાંથી હટાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસના એક સ્થાનિક નેતાએ કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પત્રકારો પર હુમલા કરી રહ્યા છે. રાજ્યની સીપીએમના નેતૃત્વવાળી ડાબેરી સરકારના પ્રધાન કદાકંપલી સુરેન્દ્રને કહ્યું કે ભાજપ-સંઘ પરિવાર રાજ્યમાં તંગદિલી સર્જી રહ્યા છે અને રાજકીય લાભ ઊઠાવવા ઇચ્છે છે.
શ્રદ્ધાળુઓ વિરુદ્ધ સરકાર
સુપ્રીમ કોર્ટે તમામ વયજૂથની મહિલાઓ માટે સબરીમાલા મંદિરના દરવાજા ખોલવાનો ચુકાદો આપ્યા પછી કેરળમાં ઘમસાણ મચ્યું છે. કેરળની રૂઢિચુસ્ત મહિલાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અસ્વીકાર કરવા દેખાવો અને વિરોધ પ્રદર્શનો યોજ્યાં છે. બીજી તરફ કેરળ સરકારે સુપ્રીમના ચુકાદાનો અમલ કરવા તૈયારી દર્શાવી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ કરવા તેમજ કોર્ટના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન નહીં કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો ભાજપ, કોંગ્રેસ તેમજ હિંદુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો છે. ભાજપ દ્વારા કેરળ સરકારને ચીમકી અપાઇ છે કે જો કેરળ સરકાર ચુકાદાનો અમલ કરશે તો બીજી જંગી વિરોધ કૂચ યોજાશે. જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો એનડીએ દ્વારા અનેક વિકલ્પો અપનાવીને ભારે વિરોધ કરાશે.
ભાજપ કરે છે વિરોધ મોરચાનું નેતૃત્વ
સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે આવકાર્યો છે, પણ કેરળમાં ભાજપ અયપ્પા ભક્તો સાથે ઊભો છે. પક્ષ ચુકાદાના વિરોધમાં કાઢવામાં આવેલા મોરચાનું નેતૃત્વ ભાજપે કર્યું હતું. તિરુવનંતપૂરમમાં સોમવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સચિવાલયને ઘેરાવ કરવામાં આવ્યો હતો.
ભાજપના પ્રદેશપ્રમુખ પી. એસ. શ્રીધરન પિલ્લઈનાં નેતૃત્વમાં ૫ દિવસથી ચાલતી લાંબી કૂચનો સોમવારે સચિવાલય પહોંચીને અંત આવ્યો હતો. ભાજપની આ કૂચ કેરળના અનેક જિલ્લા અને ગામડાઓમાંથી પસાર થઈ હતી. સોમવારે રાજ્યના અનેક હિસ્સામાંથી હજારો લોકો આ વિરોધ કૂચમાં જોડાયાં હતાં. ભાજપની આ કૂચ પંડલમથી શરૂ થઈ હતી. ભાજપે રાજ્યની એલડીએફ ડાબેરી સરકાર સામે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ મોરચો માંડયો છે.
પક્ષ સાથે સંકળાયેલા લોકો દાવો કરે છે કે ૩૦થી ૪૦ હજાર ભાજપ કાર્યકરો અયપ્પા ભક્તો સાથે જોડાઇ ગયા છે. સાથે જ રાજ્યમાં પક્ષના મોટા ગજાના નેતાઓ મુરલીધર રાવ અને તુષાર વેલ્લાપલ્લી સહિતના અગ્રણીઓ પણ દેખાવોમાં ભાગ લઇ રહ્યા છે. ભાજપ અધ્યક્ષ પિલ્લઇ કહે છે કે કેરળ સરકાર ચુકાદાના અમલ માટે ઉતાવળ કરી રહી છે. રેલી એ દર્શાવવા માટે યોજાઇ છે કે અયપ્પા ભક્ત રાજ્ય સરકારના આ ચુકાદાથી કેટલા નારાજ છે.
આ પૂર્વે શનિવારે કોચીમાં ભગવાન અયપ્પાના હજારો ભક્તો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધમાં ઉગ્ર દેખાવ કર્યા હતા. પ્રદર્શનકારીઓએ ભગવાન અયપ્પાની તસવીરવાળાં પોસ્ટરો હાથમાં લઈને તથા ભજનો ગાતાં ગાતાં કોચીના વ્યસ્ત રસ્તાઓ પરથી આગેકૂચ કાઢી હતી. જોકે પ્રદર્શનકારીઓએ શાંતિપૂર્ણ સરઘસ કાઢયું હતું. પ્રદર્શનકારીઓએ એવી માગણી કરી કે આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ અટકાવવા જોઈએ.
મંદિર ખૂલતા પૂર્વે બોર્ડ મીટિંગ
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવાશ અંગે રાજકારણ પર મંદિર બોર્ડ પણ સાવચેત છે. તેના લીધે મંદિર ખૂલવાની પૂર્વ સંધ્યાએ ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (ટીડીબી)એ પંડલમ પેલેસના પ્રતિનિધિ અને અયપ્પા સેવા સંગમના નેતાઓને ચર્ચા માટે બોલાવ્યા હતા. ટીડીબીએ જાહેર કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના લીધે તેના હાથ બંધાયેલા છે. તે મહિલાઓને મંદિરમાં પ્રવેશતા રોકશે નહીં.
સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અયપ્પા સમાજના લોકોએ રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં મંદિર ખૂલતાં પહેલાં સુનાવણીની માગણી કરાઇ હતી, પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દશેરાની રજાઓ બાદ જ આ મામલે સુનાવણી કરાશે. આ સમાજ કહે છે કે આ પ્રતિબંધ અમારી માન્યતા અને વિશ્વાસનું પ્રતીક છે એટલે કોર્ટ અને સરકારે અમારા ધાર્મિક મામલામાં જરાય દખલ ના કરવી જોઇએ.
મહિલા જજ અસંમત હતા
સુપ્રીમ કોર્ટે મંદિરમાં તમામ ઉંમર વર્ગની મહિલાઓના પ્રવેશની તરફેણમાં ચાર જજ વિરુદ્ધ એક જજની બહુમતીથી ચુકાદો આપ્યો હતો. આ બેન્ચમાં સામેલ મહિલા જજ ઈન્દુ મલ્હોત્રાએ બાકી ચાર જજો સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના જે ગાઢ ધાર્મિક મુદ્દા છે તેને કોર્ટે છંછેડવા ન જોઇએ, જેથી દેશમાં ધર્મ નિરપેક્ષ વાતાવરણ યથાવત્ રહે. તેમણે કહ્યું કે વાત જો સતીપ્રથા જેવી સામાજિક કક્ષાની હોય તો કોર્ટે દખલ ન કરવી જોઇએ.
હું તો મંદિરમાં દર્શને જઇશ જઃ તૃપ્તિ દેસાઇ
એક તરફ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં મહિલાઓના અધિકારો માટે સતત લડનાર અને ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઇએ નિર્ધાર કર્યો છે તેઓ કોઇ પણ ભોગે મંદિરમાં જઇને દર્શન કરશે.
તૃપ્તિ દેસાઇ તેમની મહિલા ટીમ સાથે આ મંદિરમાં પ્રવેશ કરીને કોર્ટના નિર્ણયનો અમલ કરવાનો પડકાર ઝીલ્યો હોવાથી તેમને સતત ધાકધમકીઓ અને અપશબ્દોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તેઓ કહે છે કે જરૂર પડ્યે તેઓ મંદિરમાં પ્રવેશ કરતી વખતે લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખીને સરકારની મદદ લઇને પ્રવેશ કરશે.
એકવીસમી સદીમાં દુનિયા બદલાઇ ગઇ છે તો પ્રથાઓને થોડી બદલવી જોઇએ અને મહિલાઓને સમાનતાના અધિકારની સાથે સમાન પૂજાનો અધિકાર પણ મળવો જોઇએ એમ મક્કમ અવાજથી જણાવતા તૃપ્તિ દેસાઇએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપ્યો એ નિર્ણય કંઇક વિચારીને અને બીજી બાબતોને ધ્યાનમાં રાખીને જ આપ્યો હશે.
આઠમી સદીનું સબરીમાલા મંદિર
• ૮મી સદીનું સબરીમાલા મંદિર ઓક્ટો-નવેમ્બરમાં ખૂલે છે અને ૨૦ જાન્યુઆરી સુધી દર્શન થાય છે. મહિનાના પ્રારંભે પણ પાંચ દિવસ ખૂલે છે.
• આ ૧૨૦ દિવસમાં ૩.૫થી ૪ કરોડ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન છ કરોડ લોકો આવે છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક તથા આંધ્ર પ્રદેશના શ્રદ્ધાળુઓ વધારે હોય છે.
• મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોકની પરંપરા સદીઓ જૂની છે. સમાજની મહિલાઓ આ પ્રથાને
સ્વીકારે છે.
મતબેન્કનું રાજકારણ
• સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ આપવાના દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ સામે વિરોધના વંટોળને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સમર્થન આપી રહ્યા છે. આનું કારણ છે ભગવાના અયપ્પાના ભક્તો. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ૧૦ કરોડથી વધુ અયપ્પા ભક્તો વસે છે.
• જો આ શ્રદ્ધાળુઓને મતબેન્કમાં બદલવામાં આવે તો ૪ રાજ્યોની ૧૧૨માંથી ૩૫થી ૪૦ બેઠકો પર ભગવાન અયપ્પાના ભક્તો નિર્ણાયક ભૂમિકામાં છે. આ કોસ્ટલ પ્રદેશોમાં ભાજપ પગપેસારો કરવા માગે છે. આ જ કારણ છે કે ભાજપે કેરળમાં યોજાયેલા રેલીનું પાંચ દિવસ નેતૃત્વ કર્યું હતું.
• કેરળમાં ૨૦૧૬ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મતની ટકાવારી છ ટકાથી વધી ૧૫ ટકાએ પહોંચી હતી. રાજ્યના ૧૩માંથી ૧૦ બેઠકો પર અયપ્પાના ભક્તોનું વર્ચસ છે, અને ભાજપ તેમનું સમર્થન હાંસલ કરવા માગે છે.