સબરીમાલા મંદિરમાં બે મહિલાનો પ્રવેશઃ કેરળમાં હિંસાનો જુવાળ

Friday 04th January 2019 07:10 EST
 
 

તિરુવનંતપુરમ્ઃ સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બે રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધમાં રાજ્યભરમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. ગુરુવારે અપાયેલા રાજ્ય બંધના એલાન દરમિયાન ઠેર ઠેર હિંસક અથડામણો થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે ૩૯ પોલીસ સહિત ૧૦૦તી વધુને ઈજા પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ), ભાજપ અને લોર્ડ અયપ્પાના સમર્થક સંગઠનો દ્વારા સંયુક્તપણે ગુરુવારે બંધનું એલાન અપાયું હતું. આ દરમિયાન નાના-મોટા નગરોમાં બળજબરીપૂર્વક બંધ પળાવવાનો પ્રયાસ થતાં હિંસાની ઘટનાઓ બની હતી. પાંડાલમમાં બુધવાર - બીજી જાન્યુઆરીએ થયેલી હિંસામાં ઘાયલ થયેલા સબરીમાલા કર્મ સમિતિના કાર્યકર ચંદ્રન ઉન્નીથનનું હોસ્પિટલમાં હાર્ટ એેટેકના કારણે ગુરુવારે મૃત્યુ થયું હતું. પોલીસે હિંસમાં સંડોવાયેલા ૨૬૬ લોકોની ધરપકડ કરી હતી જ્યારે ૩૩૪ લોકોને અટકાયતમાં લીધા છે.

૮૦૦ વર્ષ જૂની પરંપરા તૂટી

લોર્ડ અયપ્પાનાં સબરીમાલા મંદિરમાં ૮૦૦ વર્ષ બાદ રજસ્વલા મહિલાઓએ પ્રવેશીને પૂજા કરી હતી. બુધવાર - બીજી જાન્યુઆરીએ કોઝિકોડ જિલ્લાના કોયિલેન્ડીની ૪૨ વર્ષીય સામ્યવાદી કાર્યકર બિંદુ અને મલ્લાપુરમનાં અંગાડીપુરમની ૪૪ વર્ષીય સરકારી કર્મચારી કનકદુર્ગાએ મંદિરમાં પ્રવેશ કરીને દર્શન-પૂજાવિધિ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પરનો ૮૦૦ વર્ષ જૂનો પ્રતિબંધ દૂર કરતો ચુકાદો આપ્યો હતો.

બંને મહિલાએ મધરાત બાદ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને પરોઢિયે ૩.૪૫ કલાકે મંદિરમાં દર્શન કર્યાં હતાં. બંને મહિલાએ મંદિર ખાતે પૂજા કરીને સવારે પાંચ કલાકે મંદિરના બેઝકેમ્પ ગણાતા પમ્બા ખાતે પહોચી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે અમે પુરુષના વેશમાં આવ્યાં હતાં અને બે ડઝન મહિલા પોલીસ અધિકારીઓ સાદા વેશમાં અમારી સાથે જોડાઈ હતી. બંને મહિલાએ મંદિરમાં પૂજા કરતી વખતના ફોટો પણ જારી કર્યા હતા. પોલીસે બંને મહિલાઓનાં ઘરની સુરક્ષા વધારી દીધી છે.

સરકાર પરંપરા તોડવા પ્રયત્નશીલ છેઃ રાજવી પરિવાર

સબરીમાલા મંદિરના ટ્રસ્ટી એવા પાંડાલમના રાજવી પરિવારના સભ્ય પી.જી.એસ. વર્માએ જણાવ્યું હતું કે, મંદિરની પરંપરાઓ તોડવા માટે સરકાર દરરોજ મહિલાઓને મોકલી રહી છે. હાલ સબરીમાલા મંદિરમાં ઉત્સવ ચાલી રહ્યો છે. પહેલાં રોજના એકથી બે લાખ શ્રદ્ધાળુઓ મુલાકાત લેતાં હતાં, પરંતુ હાલ ફક્ત ૧૦થી ૧૫ હજાર લોકો જ આવી રહ્યાં છે.

અયપ્પા-ભક્તોમાં આક્રોશઃ રાજ્યમાં તણાવ

થ્રીસૂર શહેરમાં વિવિધ હિંદુવાદી સંગઠનોના મુખ્ય સંગઠન સબરીમાલા કર્મ સમિતિ દ્વારા અપાયેલાં હડતાળનાં એલાન અંતર્ગત બળજબરીથી દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરી રહેલા ભાજપના ચાર કાર્યકરો પર છૂરાબાજી કરાઈ હતી. તિરુવનંતપુરમમાં મુખ્ય પ્રધાન પી. વિજયનને કાળા ઝંડા બતાવી રહેલા કોંગ્રેસી કાર્યકરો સાથે પાઇલટ વાહન અથડાતાં ચારને ઈજા પહોંચી હતી. ભાજપે સબરીમાલા કર્મ સમિતિ દ્વારા અપાયેલા બંધને સમર્થન આપ્યું હતું જ્યારે કોંગ્રેસે ગુરુવારે કાળો દિવસ મનાવ્યો હતો.

સડકો પર ઊતરી આવેલા ભાજપ, સંઘ અને અન્ય હિંદુવાદી સંગઠનોના કાર્યકરોએ ઠેર ઠેર પથ્થરમારો, ચક્કાજામ અને ગુંડાગીરી દ્વારા બંધ પળાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઝિકોડ, પાંડાલમ અને ઓટ્ટાપાલમમાં ટોળાંઓએ વિવિધ રાજકીય પક્ષોની કચેરીઓ અને મકાનો પર હુમલા કરતાં પોલીસને લાઠીચાર્જ કરવાની તેમજ ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. પલક્કડમાં ભાજપ અને સંઘ દ્વારા આયોજિત કરાયેલી રેલીમાં કાર્યકરો દ્વારા પત્રકારો પર હુમલા કરાયા હતા. ત્રિવેન્દ્રમમાં ભાજપના કાર્યકરોએ એક ટીવીચેનલના કેમેરામેન પર હુમલો કર્યો હતો.

જનજીવન ખોરવાયું

રાજ્ય બંધના કારણે રાજ્યભરમાં બજારો, દુકાનો અને વ્યાવસાયિક એકમો બંધ રહ્યા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટની મોટા ભાગની બસસેવાઓ સડકોથી દૂર રહી હતી. ટેક્સી અને ઓટો ચાલકોએ પણ હુમલાના ભયથી પોતાનાં વાહનો સડકથી દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો. કેરળ, મહાત્મા ગાંધી, કાલિકટ અને કન્નૂર યુનિવર્સિટીઓએ ગુરુવારે લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રાખી હતી.

મુખ્ય પ્રધાન પી. વિજયને જણાવ્યું હતું કે તોફાનીઓ દ્વારા સાત પોલીસવાહનો અને ૭૯ કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને ફૂંકી મારી હતી અને ૩૯ પોલીસ કર્મચારીઓ પર હુમલા કરાયા હતા. તોફાનીઓ દ્વારા મોટા ભાગની મહિલા પોલીસ કર્મચારી પર હુમલા કરાયા હતા. આ ઉપરાંત તોફાની તત્વોએ મહિલા પત્રકારોને પણ નિશાન બનાવી હતી.

ભાજપ અને સંઘનું કાવતરુંઃ મુખ્ય પ્રધાન

મુખ્ય પ્રધાન વિજયને આરોપ મૂક્યો હતો કે ભાજપ અને આરએસએસ કેરળને રણભૂમિ બનાવી રહ્યા છે. વિજયને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સબરીમાલા મંદિરની મુલાકાત લેવા ઇચ્છતી મહિલાઓને સુરક્ષા આપીને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરી રહી છે. આ દેખાવો ભાજપ અને સંઘ દ્વારા પ્રાયોજિત છે. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરી રહ્યા છીએ, પરંતુ અસામાજિક તત્ત્વો ધર્મનાં નામે હિંસા ફેલાવી રહ્યા છે. અમે મહિલાઓને હેલિકોપ્ટરની સુવિધા આપીને મંદિરમાં પહોંચાડી રહ્યા નથી, તેઓ અન્ય સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જ મંદિરની મુલાકાતે જઈ રહી છે. ખરેખર તો અન્ય શ્રદ્ધાળુઓ પણ તેમને મદદ કરી રહ્યાં છે. બે મહિલાઓએ મંદિરની મુલાકાત લીધી ત્યારે કોઈ વિરોધ થયો નહોતો, પરંતુ તેના થોડા કલાકો બાદ હિંસા શરૂ કરાઈ છે. ભાજપ કેરળમાં રાજકીય લાભ મેળવવા માટે કાવતરું ઘડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓને મંદિરપ્રવેશની પરવાનગી આપી છે. ભાજપનો વિરોધ બતાવે છે કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારી રહ્યા છે. વિજયને સબરીમાલા મંદિરના દરવાજા બંધ કરવા માટે મુખ્ય પૂજારીની આકરી ટીકા કરી હતી.

પૂજારી સામે અદાલતની અવમાનનાની અરજી

સબરીમાલા મંદિરમાં બે રજસ્વલા મહિલાઓના પ્રવેશ બાદ મંદિરનાં દ્વાર બંધ કરનાર મુખ્ય પૂજારી સામે અદાલતની અવમાનનાનાં પગલાં લેવાની માગ કરતી એક અરજી ત્રીજી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જોકે કોર્ટે આ અરજીની ઝડપી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે અમે સબરીમાલાની અરજીઓની સુનાવણી માટે ૨૨ જાન્યુઆરીનો દિવસ નક્કી કર્યો છે તેથી તેમાં સુધારો શક્ય નથી.

તામિલનાડુમાં ૬૦ની ધરપકડ

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશથી ફાટી નીકળેલી વિરોધની આગ તામિલનાડુ પહોંચી છે. કોઇમ્બતૂર રેલવે સ્ટેશન ખાતે હિંદુ મક્કલ કાત્ચીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં. જોકે પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે રેલવે સ્ટેશન પર હંગામો મચાવી રહેલા હિંદુ મક્કલ કાત્ચીના ૬૦ કાર્યકરોની અટકાયત કરી હતી. ચેન્નઈમાં કેટલાક અજાણ્યા તોફાનીઓ દ્વારા કેરળ ટૂરિઝમ દ્વારા સંચાલિત હોટેલ પર હુમલો કરાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સબરીમાલા મંદિરમાં બે યુવા મહિલાઓના પ્રવેશ સામે લોર્ડ અયપ્પાના અનુયાયીઓમાં પ્રવર્તતા આક્રોશને કારણે આ હુમલો કરાયો હોવાનું મનાય છે.

કોંગ્રેસે કેરળમાં કાળો દિવસ મનાવ્યો

કોંગ્રેસે કેરળમાં કાળો દિવસ મનાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ કે. સુરેશે આક્ષેપ કર્યો હતો કે, સરકાર ભક્તોની લાગણીઓ સાથે રમત રમી રહી છે. સબરીમાલામાં સરકારે જ બે યુવા મહિલાઓને પ્રવેશ કરાવ્યો છે. આ બંને મહિલાઓ ડાબેરી એક્ટિવિસ્ટ અને માઓવાદી છે.

તિરુવનંતપુરમમાં હિંસા આચરી રહેલા ભાજપના કાર્યકરોનું કવરેજ કરી રહેલી કૈરાલી ટીવીની મહિલા કેમેરામેન શાજિયા અલી ફાતિમ પર હુમલો કરાયો હતો. ફાતિમે જણાવ્યું હતું કે, હું ભાજપથી ડરતી નથી અને તેના ગુંડાઓ દ્વારા આચરાતી હિંસાનું કવરેજ જારી રાખીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter