ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ‘આપણી સામાજિક સંસ્થાઓ અને તેમની કાર્યપ્રવૃત્તિઓ’ સંદર્ભે શનિવાર આઠમી જુલાઇએ વિશેષ ઝૂમ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં વિવિધ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના અગ્રણીઓ જોડાયા હતા. ઈવેન્ટમાં મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ નીરજભાઈ સુતરીઆ, નવનાત વણિક એસોશિયેશનના પ્રમુખ દીલીપભાઈ વી.મીઠાણી, જૈન વિશ્વ ભારતીના નીતાબહેન બિપિનભાઈ શેઠ, જૈન નેટવર્કના વિજયભાઈ શેઠ અને વણિક કાઉન્સિલ યુકેના ચેરમેન મનહરભાઈ મહેતાએ ચાવીરૂપ વક્તવ્યો સાથે પોતાની સંસ્થાઓ અને તેમના દ્વારા હાથ ધરાતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી બધાને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજન અને સૂત્રધાર તરીકે ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર શ્રીમતી જ્યોત્સનાબહેન શાહે અને ઈવેન્ટના સંચાલનની કામગીરી ઓપરેશન મેનેજર શ્રીજિત રાજને સંભાળી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ચેરમેન અને એડિટર-ઈન-ચીફ સી.બી પટેલે ઈવેન્ટની શરૂઆતમાં આપણે સેવા યજ્ઞ અને જ્ઞાનયજ્ઞનો નવો અધ્યાય શરૂ કરીએ છીએ તેમ જણાવવા સાથે ‘સંગે હરિ ચરણમાં રહીએ તમે અમે, સંગે હરિ પ્રણયમાં રમીએ અમે તમે, સંગે પરાક્રમ ઘણાં કરીએ અમે તમે, તે સંગ ભંગ બનજો ન કદાપિ આપણો, તેજસ્વી પ્રાણવાન થજો સદા જીવન આપણું, ન કદાપિ થજો ભિન્ન, વિદ્વેષે મન આપણું.’ ભજન વાંચી સંભળાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે નવા પ્રકારની ચર્ચાની શ્રૃંખલા શરૂ કરી છે. તેમણે સંસ્થાની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે સમાજને સ્વસ્થ અને શક્તિસભર બનાવે તે સંસ્થા. વ્યક્તિ કરતાં સંસ્થા મહાન છે. સંસ્થાની ક્ષમતા વિપુલ છે. સંસ્થાના અનુદાન, સામર્થ્ય સિદ્ધિ, પ્રભાવ તેના નેતૃત્વને આધારિત છે અને તેના ચેરમેન, પ્રમુખ સહિતના હોદ્દેદારો પર અવલંબે છે.
સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ અને અમારા અન્ય પ્રકાશનો સમાજસેવાના વિવિધ આયોજનો કરી રહ્યા છે. આપ સહુ તેમાં વાચક તરીકે, શુભેચ્છક તરીકે લેખક તરીકે સાથ અને સહકાર આપો છો. તે બદલ હું આપ સહુને પ્રણામ કરું છું. આપે સોંપેલ જવાબદારી અદા કરવા અમે સતત પ્રત્નશીલ છીએ. આજના કાર્યક્રમમાં મુખ્ય આયોજક કે સૂત્રધાર કહો તો તે જ્યોત્સનાબહેન શાહ છે. આજે સંસ્થાઓ પર સકારાત્મક દૃષ્ટિપાત કરી રહ્યા છીએ. માત્ર અને માત્ર રચનાત્મક-પોઝિટિવ રીતે જ વિચારીએ છીએ. કોઈ સંસ્થા ખરાબ છે તેની વાત નથી, સંસ્થાઓની સારી કામગીરી વિશે ચર્ચા કરીશું. ક્યાં કામ સારું છે, ક્યાં ઓછું સારું છે, ક્યાં ખામીપૂર્ણ છે તે આજે ચર્ચાનો વિષય નથી. ગુજરાત સમાચારની હૃદયપૂર્વકની એક માત્ર ફરજ છે કે કેમ કરીને સારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જેથી કરીને સમાનતાપૂર્વક સમાજને આપણે કઈંક આપી શકીએ તે ઈરાદો છે.
ગુૂજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર શ્રીમતી જ્યોત્સનાબહેન શાહે સહુના હાર્દિક સ્વાગત સાથે સંસ્થાઓ અને તેમના કાર્યો વિષયે ઝૂમ ઈવેન્ટનો આરંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જીવન એક પાઠશાળા છે તેમાં દરરોજ કાંઈક નવું શીખવાનું મળે છે. આજે આપણા વાર્તાલાપનો વિષય છે આપણી સંસ્થાઓ અને તેમના સેવાકાર્યો. ઝૂમ ઈવેન્ટ વિચારવિનિમયનું સાધન છે. ગુજરાત સમાચારનો હેતુ ઝૂમ ઈવેન્ટ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો છે. તેમણે સંસ્થાઓના ઉદ્ભવ વિશે જણાવ્યું કે આપણે સહુ સ્વદેશની ધરતી છોડી વિદેશની ધરતી પર આવ્યા ત્યારે શરૂઆતમાં અજાણ્યો દેશ, અજાણી ભાષા, પ્રતિકૂળતા આબોહવા, એકલતા વગેરે અનેક કારણોનું નિવારણ શોધતાં શોધતાં આપણને સંસ્થાની સ્થાપનાનો વિચાર સ્ફૂર્યો અને તેમાંથી જ સંસ્થાઓની સ્થાપના થઈ છે. એક જમાનામાં 600 જેટલી સંસ્થાઓ સરકારના ચોપડે નોંધાયેલી હતી પરંતુ, કેટલીક સંસ્થાઓ નિષ્ક્રિય રહેતાં તેમનું બાળમૃત્યુ થયું અને કેટલીક હયાત છે પણ નામપૂરતી જ છે. કેટલીક સંસ્થાઓ આંખે ઉડીને વળગે તેવું અદ્ભૂત કામ કરે છે. આજે આવી કેટલીક સંસ્થાઓના અગ્રણીઓ આપણી સાથે હાજર છે તે આપણું સદ્નસીબ છે. ગુજરાત સમાચારમાં અનેક સંસ્થાઓના કાર્યક્રમોના અહેવાલો પ્રસિદ્ધ થતાં રહે છે. સંસ્થાઓ સમાજના આબાલવૃદ્ધોને કઈ રીતે આકર્ષી શકે છે તે જાણવાનું મહત્ત્વનું છે. આજે આ અગ્રણીઓ તેમની સંસ્થાઓની સફળતા રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં મૂકશે.
આપણે વાત કરીએ છીએ કે બે પેઢી વચ્ચેની ખાઈ-ગેપ કે અંતર વધતું જાય છે, તેની ચિંતા પણ કરીએ છીએ પરંતુ તેને કઈ રીતે ઘટાડી શકાય તે જાણવું હોય તો આપણે સંસ્થાઓના અગ્રણીઓને મળવું જ રહ્યું. તેઓ સારા સમાજોપયોગી કામ કરી રહ્યા જે આંખે ઉડીને વળગે તેવા છે. તેમની સંસ્થાઓનો વિકાસ થયો તેના પરિબળો વિશે માહિતી અને માર્ગદર્શન આજે ઉપસ્થિત અગ્રણીઓ પાસેથી મેળવીશું. સમાજના હિતમાં જે સંસ્થાઓ નિષ્કિય છે અથવા ઓછું કામ કરી શકે છે તેમને આપણા આ ઝૂમ ઈવેન્ટથી પ્રેરણા પ્રાપ્ત થશે, ચેતના આવશે અને તેઓ સક્રિય બનશે એવી આપણે આશા રાખીએ. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ‘જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ’ને કેન્દ્રસ્થાને રાખી પ્રવૃત્ત બન્યું હોવાં ઉપરાંત, આપ સહુના સાથ અને સહકારથી સફળતાપૂર્વક 51માં વર્ષમાં પ્રવેશવા સમર્થ બન્યું છે અને આ નિમિત્તે વિવિધ પ્રકારના ઝૂમ ઈવેન્ટ્સ હાથ ધરી સમાજમાં જાગૃતિનું કામ હાથ ધર્યું છે.
મહાવીર ફાઉન્ડેશનના સૌથી યુવા પ્રમુખ નીરજભાઈ સુતરીઆએ જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા એક વ્યક્તિથી નહિ, નાનામાં નાની વ્યક્તિ થકી ચાલે છે. નાના બાળકો અને વિદ્યાર્થીઓ સહિત દરેક જનરેશનના લોકોને કેવી રીતે સંસ્થા સાથે સાંકળવા તેનો વિચાર કરીએ છે. કમિટીએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાનો વિચાર કર્યો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ દરેક પોતાનું કૌશલ્ય દર્શાવી શકે છે. ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર-ઉત્સવને ઉજવવાનો કોન્સેપ્ટ લઈને કામ કરીએ છે. થોડા સમય પહેલા માત્ર 400 સભ્ય હતા તે આજે વધીને 800થી ઉપર પહોંચ્યા છે. લાઈફ મેમ્બર્સ પણ વધ્યા છે. આજે યુવા પેઢી ઈન્વોલ્વ નહિ થાય તો આપણે ધર્મ અને સંસ્કૃતિથી અળગાં થઈ જઈશું. આપણે જૈન છીએ, હિન્દુ છીએ, શાકાહારી છીએ આ બધી બાબતો કેવી રીતે કહી શકીશું. ધાર્મિક આયોજનો કરતા રહેવા સાથે યુકેના કલ્ચરમાં કેવી રીતે આગળ વધવું તે સમજાવવા વિવિધ ઈવેન્ટ્સ, કોમ્પિટિશન્સ પણ યોજીએ છીએ. નાના છોકરાઓને જૈન-શાકાહારી ભોજન બનાવવા કહ્યું ત્યારે તેઓ ઉત્સાહ સાથે તેમ કરતા રહ્યા છે. અમારી દર રવિવારની પાઠશાળાના શિક્ષકો પાંચ વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોને જીવહિંસા ન કરવી, જીવની રક્ષા કરવી સહિતના ધાર્મિક અને ‘જીવો અને જીવવા દો’નાં વ્યાવહારિક જ્ઞાનની સાથોસાથ મહાવીર બેન્ડ શરૂ કરાયું છે, જેઓ ભારતીય સંગીત અને નૃત્ય શીખવે છે. આપણે કોઈને નડતરરૂપ ન બનીએ તે શીખવવા ઉપરાંત, બાળકો શિક્ષણ દ્વારા જીવનમાં કેવી રીતે આગળ વધી શકે તેના પર પણ ધ્યાન અપાય છે. આટલું સારું પ્લેફોર્મ પુરું પાડવા બદલ અમે આભારી છીએ.
નવનાત વણિક એસોસિયેશનના પ્રમુખ શ્રી દીલીપભાઈ વી.મીઠાણીએ નવનાતનો ઈતિહાસ વર્ણવ્યો હતો. ભારતમાં તમે પૂછો કે નવનાત શું છે તો કોઈને ખબર નહિ પડે. નવનાતના મૂળ ઈસ્ટ આફ્રિકામાં છે જ્યાં નવ નાતના સભ્યો એકત્ર થયા હતા અને તેમાં તમે કોઈ ચોક્કસ ધર્મના હોવા જોઈએ તેમ નથી. અમારા હાલ 3500 સભ્યો છે. અમે કોવિડના ગાળામાં પાંચ મહિના સુધી અમારા સ્થળને ઉપયોગ કરવા NHSને આપ્યું હતું. વડીલોને ગ્રોસરી અને દવાઓ પહોંચાડવાનું કામ વોલન્ટીઅર્સ તરીકે ઉપાડી લીધું હતું. આના માટે ગુજરાત સમાચાર દ્વારા સંસ્થાને સેવારત્નનો વિશેષ એવોર્ડ પણ એનાયત કરાયો છે. અમારું મિશન યુકેમાં નવનાત કોમ્યુનિટીના કલ્યાણ માટે કાર્યો કરવાનું છે જેમાં મુખ્યત્વે સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને મનોરંજન કાર્યક્રમો તેમજ વૃદ્ધ અને યુવા સહિત તમામના શારીરિક અને માનસિક આરોગ્યનું ધ્યાન રાખવાનો સમાવેશ થાય છે. અમારી ઘણી સહયોગી સંસ્થાઓ અને શાખાઓ છે. જેમાં યુવા મંડળ, 500થી વધુન સભ્યો સાથે વડીલ મંડળ, 1000 સભ્યો સાથે ભગિની સમાજનો સમાવેશ થાય છે. વિમેન એમ્પાવરમેન્ટ ઈન્ડિયા કાર્યક્રમમાં 80,000 પાઉન્ડ એકત્ર કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે અમારા દરેક ફંક્શનમાં સરેરાશ 350થી 400 સભ્યો હાજરી આપે છે. ભોજનની વ્યવસ્થા અમારી કિચન કમિટી દ્વારા કરાય છે અને બહારથી કશું લવાતું નથી. ઘણા ગ્રૂપ્સ દ્વારા યોગા ક્લાસીસ અને રમતગમતના વર્ગો પણ ચલાવાય છે. અમારું એક ગ્રૂપ ‘જલસા કર’ છે જે બધાને એન્ટરટેઈનમેન્ટ, સંગીત અને ડાન્સ દ્વારા જલસા જ કરાવે છે. અમે દર વર્ષે 100 જેટલી ચેરિટીઝને નાણાસહાય કરીએ છીએ. કેન્સર રિસર્ચ જેવી સ્થાનિક ચેરિટીઝને પણ સપોર્ટ કરીએ છીએ. ગુજરાતમાં બે સ્કૂલને સ્પોન્સર કરી છે. રામનવમી, મહાવીર જન્મ કલ્યાણક, જન્માષ્ટમી, પર્યુષણ, નવરાત્રિ, દીવાળી-ચોપડાપૂજન, ક્રિસમસ પાર્ટીઝ, વોલન્ટીઅર્સ સહિત દરેક ઉત્સવની ઉજવણી કરીએ છીએ. અમે કેરીઅર ફેર અને સમર ફેર, ગ્રેજ્યુએશન સેરિમની પણ કરીએ છીએ. અમે શ્રી. સી.બી. પટેલ, જ્યોત્સનાબહેન, મહેશભાઈ અને ગુજરાત સમાચારના તમામ સ્ટાફનો વિશેષ આભાર માનીએ છીએ. તેઓ યુકેમાં તમામ ગુજરાતીઓનો અવાજ બની રહ્યા છે અને તેમને ગૌરવ અપાવે છે.
જૈન વિશ્વ ભારતીના નીતાબહેન બિપિનભાઈ શેઠે જણાવ્યું હતું કે મારા પર જૈન સમાજનો ઘણો ઉપકાર છે જેને હું કદી ભૂલીશ નહિ. આચારમા અહિંસા હોય, વિચારમાં અનેકતા હોય વાણીમાં સ્યાદવાદ હોય, જીવનમાં અપરિગ્રહ હોય તેમના વિશે કહેવાનો મને આજે મોકો મળ્યો છે. તેમણે દીર્ઘ પરિચયમાં આવેલા દૂરદર્શી વિચાર ધરાવતાં સાધ્વીજી અને તેમના ગુણો વિશે વાત કરી હતી.
જૈન નેટવર્કના વિજયભાઈ શેઠે વન જૈન એટલે કે જૈન નેટવર્ક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે દરેકના જીવનમાં એક મિશન હોય છે. સંસ્થામાં કાર્યનું મિશન હોય છે. સીબીએ બધાને ભેગાં કરી યુકેમાં ગુજરાતને ઉભું કરવાનું મિશન હાથ ધર્યું છે. જૈન અને જૈનેતર કોમ્યુનિટીઓ માટે જીવનની આધ્યાત્મિક અને શારીરિક ગુણવત્તા વધારવા-સુધારવાનું મિશન જૈન નેટવર્કનું છે. નવનાત હોય કે, મહાવીર ફાઉન્ડેશન અને કોઈ હિન્દુ સંસ્થાઓ હોય, દરેક સંસ્થાઓના મૂળમાં વડીલોના આશીર્વાદ, તેમની મહેનત રહેલા છે. તેમના હાર્ડ વર્કને સમજવા જન્મોજન્મ પણ નીકળી જાય. આપણે નસીબદાર છીએ કે આવા દેશમાં પણ આટલો ધર્મ, આટલી સંસ્કૃતિ, આટલી ગુજરાતી માતૃભાષા જોવાં મળે છે. જૈન નેટવર્ક દ્વારા કોલિંગ્ડનમાં 30,000 સ્ક્વેર ફીટનું નવું સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. તે માત્ર જૈન દેરાસર જ નથી, ત્યાં નાના બાળકોથી માંડી મોટા વડીલો માટે અનેક પ્રકારની એક્ટિવિટીઝ થઈ શકે તે માટે સુંદર વ્યવસ્થા, 10,000 સ્ક્વેર ફીટમાં કારપાર્ક સાથે સુંદર વેજિટેરિયન રેસ્ટોરાંની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા માળે 10,000 સ્ક્વેર ફીટમાં 108 પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાઓ અને પેઈન્ટિંગ્સ સાથે વિશાળ દેરાસર તૈયાર કરવામાં આવ્યું છે. અનેક પડકારોમાં બાળકો સહિત તમામે જૈન નેટવર્ક માટે કામ કર્યું છે. તન,મન અને ધનથી સૌના સાથ-સહકારથી આવી સંસ્થાઓ ઉભી થઈ છે. આ આપણે આપણા માટે નથી કરતા, આપણા બાળકો, ભાવિ પેઢી માટે કરીએ છીએ. જીવન છે સાથે મૃત્યુ પણ છે. એક એક ક્ષણ મૃત્યુને આપણે યાદ કરીએ, ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. જૈનનું મૂલ્ય શું છે તેની નહિ પરંતુ, સમગ્ર માનવીનું શું મૂલ્ય છે તેની વાત કરીએ તો અહિંસા, અપરિગ્રહ, સત્ય, ક્ષમા, શ્રદ્ધા, સંયમ, બ્રહ્મચર્ય, દાન, પૂણ્યના સિદ્ધાંતો આવશ્યક છે.
વણિક કાઉન્સિલ યુકેના ચેરમેન મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે નેશનલ કાઉન્સિલ ઓફ વણિક એસોસિયેશનના નામથી આ સંસ્થા 1948માં સ્થપાઈ હતી. આ સંસ્થા સાથે 25 સંસ્થા નેટવર્ક તરીકે જોડાયેલી છે. ઈંગ્લેન્ડની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા જૈનધર્મીઓને ધાર્મિક ભાવનાનો સપોર્ટ આપવાની ચેપ્લીન તરીકેની કામગીરી સંભાળીએ છીએ. વણિક કોમ્યુનિટીની બધી સંસ્થાઓ માટે અમે સેવા આપીએ છીએ. જુદી જુદી સંસ્થાઓના સભ્યો માટે હેલ્થ -વેલબીઈંગ પ્રમોશનની કામગીરી પણ અમે સંભાળી છે. આપણા સમાજના યુવક-યુવતીઓ જૈન અને હિન્દુ કોમ્યુનિટીમાં જ લગ્ન કરે તેના પ્રયાસરૂપે અમે મેટ્રિમોનિયલ સર્વિસીસ પણ ચલાવીએ છીએ. અમે માત્ર જૈનધર્મીઓ માટે ફ્યુનરલ સર્વિસ પણ આપીએ છીએ. હિન્દુ સમાજમાં બ્રાહ્મણો દ્વારા અંતિમવિધિ કરાવાય છે ત્યારે જૈનસમાજમાં અમારા જેવા સામાન્ય અને તાલીમ પામેલા વોલન્ટીઅર્સ ભાઈઓ અંતિમવિધિ કરાવીએ છીએ. અમારી ટીમના વોલન્ટીઅર્સ એકલા રહેલા વૃદ્ધો માટે સેવા આપીએ છે. ઘર અથવા બહાર તેમનો સમય સારી રીતે પસાર થાય, માનસિક આરોગ્ય જળવાય, આનંદ મળે તેમ કરીએ છીએ. આજે અમે ઓર્ગન ડોનેશન પ્રવૃત્તિ અંગે પણ જાગૃતિ ઉભી કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિને હાર્ટ, આંખ, કિડની લિવર વગેરેની જરૂર પડે ત્યારે મૃત વ્યક્તિના આવા અંગો આપી શકાય તેવી વ્યવસ્થા છે. અમે 2017થી આ પ્રવૃત્તિ આરંભી છે જેમાં જૈન અને હિન્દુ કોમ્યુનિટીને જ આવરી રહ્યા છીએ. અમારી સ્વાસ્થ્ય સંબંધિત આ બધી પ્રવૃત્તિઓ NHS સાથે સંકળાયેલી છે.
અગ્રણીઓના વક્તવ્યો બાદ સંગત સેન્ટરના સીઇઓ કાન્તિભાઈ નાગડાએ સમગ્ર ઈવેન્ટની સમાલોચના કરી હતી. તેમણે કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપનારા અગ્રણીઓનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના સમાપને સીબી પટેલે ઈવેન્ટમાં ભાગ લેનારી સંસ્થાઓના અગ્રણીઓનો આભાર માનતા કહ્યું હતું કે હવે જૈન અને જૈનેતર એવો કોઈ મતભેદ રહ્યો નથી. જૈન અને જૈનેતર વચ્ચે વાટકી વ્યવહાર સામાન્ય છે, બેટી વ્યવહાર પણ સહજ રીતે થાય છે. યોગાનુયોગ આજની પાંચ સંસ્થાઓ અલ્પસંખ્યકોની છે. નાના માણસો મોટું કામ કરે છે. પાંચે વક્તાએ ઘણી સારી વાત કરી છે. તેમણે આગામી ઈવેન્ટ્સના આયોજનોની પણ વાત કરી હતી. આ પછી, પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ પ્રશ્નોત્તરીમાં સર્વશ્રી પ્રવીણભાઈ અમીન, કાન્તિભાઈ નાગડા MBE, ચંદ્રકાન્તભાઈ મહેતા, સુમંતરાય દેસાઈએ ભાગ લીધો હતો અને વિવિધ સૂચનો પણ કર્યા હતા.