નવી દિલ્હીઃ કોરોના મહામારીથી ત્રાહિમામ પોકારી ગયેલા ભારતીયો માટે શનિવાર - ૧૬ જાન્યુઆરીનો દિવસ રાહતના સૂરજ સાથે ઉગ્યો હતો. ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂર કરાયેલી બે મેઇડ ઇન ઇંડિયા કોરોના વેક્સિન સાથે દેશમાં રસીકરણ અભિયાનનો આરંભ થયો છે. વિશ્વની આ સૌથી મોટી રસીકરણ ઝૂંબેશના પ્રથમ તબક્કે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન અપાઇ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિમોટનું બટન દબાવ્યું તે સાથે જ ‘ૐ સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્ દુઃખ ભાગ્ભવેત્, ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’ શ્લોક ગૂંજી ઉઠ્યો હતો. સહુ કોઇ સુખી થાય, સહુ કોઇ નિરોગી બને, સહુ કોઇ મંગલમય ઘટનાઓના સાક્ષી બને અને કોઇ પણ દુઃખી ન થાય તેવી મંગલકામના વ્યક્ત કરતા આ શ્લોકના ગાન સાથે કોરોના વોરિયર્સના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા પ્રાથમિક આંકડા અનુસાર દેશભરમાં ૩,૩૫૧ સેન્ટર ખાતે ૧,૬૫,૭૧૪ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને ક્લિનિંગ સ્ટાફને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ કાર્યમાં ૧૬,૭૫૫ કર્મચારી રસીકરણની કામગીરીમાં જોડાયાં હતાં.
પ્રથમ તબક્કે ૧ કરોડ હેલ્થ વર્કર્સને રસી
સરકાર પ્રથમ તબક્કામાં ૧ કરોડ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવાની યોજના ધરાવે છે. આ અંતર્ગત સરકારે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા નિર્મિત કોવિશીલ્ડના ૧.૧૦ કરોડ અને ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યાં છે.
દિલ્હીની ‘એઇમ્સ’ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન અને ‘એઇમ્સ’ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની ઉપસ્થિતિમાં દિલ્હીના સેનિટેશન વર્કર મનીશ કુમારને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ સાથે જ મનીશ કુમાર ભારતમાં કોરોના રસીનો ડોઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ડો. ગુલેરિયાએ ભારત બાયોટેક દ્વારા વિકસાવાયેલી કોવેક્સિનનો ડોઝ લઇને કોવેક્સિન પર સર્જાયેલા સવાલો અને શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
દેશમાં ૩૦૦૦થી વધુ વેક્સિનેશન સેન્ટર
આ સાથે દેશભરમાં ઊભા કરાયેલા ૩૦૦૦ કરતાં વધુ સેન્ટર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. દરેક સેન્ટર ખાતે ૧૦૦ આરોગ્ય કર્મચારીને કોરોનાની રસીના ડોઝ અપાતાં પ્રારંભ કરાયેલા પ્રથમ તબક્કાના પહેલા દિવસે અંદાજિત ૩ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવાનો લક્ષ્યાંક હતો. બ્રિટનની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોવિશીલ્ડનું ભારતમાં નિર્માણ કરતી સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલાએ કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો.
પહેલો સગો પડોશીઃ ૬ દેશને ભારત રસી આપશે
ભારત સરકારે છ પડોશી દેશોને મેઇડ ઇન ઇંડિયા રસી પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. આ છ પડોશી દેશોમાં ભૂતાન, માલદિવ્સ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાંમાર અને સેશલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મોરિશસની મંજૂરી માટે રાહ જોવાઇ રહ્યાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
સંક્રમણનું બીજું મોજું અટકાવશેઃ નિષ્ણાતો
નિષ્ણાતો જણાવે છે કે સંક્રમણની વધુ ક્ષમતા ધરાવતા બ્રિટનના નવા સ્ટ્રેન ધરાવતા વાઇરસની હાજરી વચ્ચે રસીકરણ જરૂરી છે સમય પણ યોગ્ય છે. રસીકરણ સંક્રમણના બીજા મોજાને અટકાવવામાં મદદરૂપ બનશે. મેદાન્તા લીવર ઇન્સ્ટિટયૂટના ચેરમેન ડો. એ. એસ. સોઇને કહ્યું હતું કે સંક્રમણનું મોજું શમી રહ્યું
છે તેવામાં રસીકરણનો આરંભ થયો છે તે આપણું સદનસીબી છે. સંક્રમણનું બીજું મોજું શરૂ થાય તે પહેલાં નોંધપાત્ર વસતીને રસીકરણથી આવરી લેવામાં આવશે.
કોરોના સામે નિર્ણાયક વિજયઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે ભારતના કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, બે મેઇડ ઇન કોરોના રસી ભારતને કોરોના મહામારી સામેની લડાઈમાં નિર્ણાયક વિજય અપાવશે. રસીકરણના પ્રારંભ પહેલાં દેશજોગ સંબોધનમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, પ્રમાણિત પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલી ભારતીય રસીઓ આપણને નિર્ણાયક વિજય તરફ દોરી જશે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકોને રસીની ક્ષમતા પર વિશ્વાસ છે તેથી તેના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે. જનતાએ કોરોના રસીની અસરકારકતા અંગેની કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં. રસીના ઉત્પાદનમાં આપણે વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે. વિશ્વમાં બાળકોને અપાતી ૬૦ ટકા રસીનું ઉત્પાદન ભારતમાં થાય છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા ભારતના રસી અભિયાનના એન્જિન છે. ભારતની રસીઓ વિશ્વની અન્ય રસીઓ કરતાં ઘણી સસ્તી છે. કેટલીક વિદેશી રસીના એક ડોઝની કિંમત રૂપિયા ૫,૦૦૦ છે અને તેમને માઇનસ ૭૦ ડિગ્રી તાપમાન પર સાચવવી પડે છે.
ભારતનો રસીકરણ કાર્યક્રમ માનવતાના સિદ્ધાંતો પર આધારિત છે. વિશ્વમાં ૧૦૦ કરતાં વધુ દેશ ૩ કરોડથી ઓછી વસતી ધરાવે છે. ભારત પહેલા તબક્કામાં જ ૩ કરોડ લોકોને રસી આપી રહ્યો છે. તેના કારણે ભારતનો રસીકરણ કાર્યક્રમ આટલો મોટો છે. તેના કારણે ભારતની ક્ષમતા સાબિત થશે. વડા પ્રધાને જનતાને રસીકરણના અભિયાનમાં ધીરજ રાખવાની અપીલ કરી હતી.
વડા પ્રધાન મોદી ગળગળા થયા
કોરોના મહામારી દરમિયાન સંક્રમિતોની સારવાર અને અન્ય ફરજો દરમિયાન શહીદ થયેલા ફ્રન્ટલાઇન વર્કર્સને યાદ કરીને વડા પ્રધાન ગળગળા થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના ડ્રાઇવર, સફાઈ કર્મીઓ, પોલીસ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સ પોતાની જાતને જોખમમાં મૂકીને માનવતાને પ્રાથમિકતા આપી રહ્યાં હતાં. તેઓ દિવસો સુધી પોતાના પરિવારોથી દૂર રહ્યાં, સેંકડો પોતાના ઘેર પરત ફરી શક્યાં નથી. અન્યોનું જીવન બચાવવા તેમણે પોતાના જીવનની આહુતિ આપી છે. તેથી આપણે સૌથી પહેલાં આરોગ્ય કર્મચારીઓેને રસી આપીને તેમનું ઋણ ચૂકવી રહ્યાં છીએ. હું એ દિવસોને યાદ કરું છું જ્યારે કોરોનાએ તેમને પોતાના પરિવારોથી અળગાં કરી દીધાં હતાં. માતાઓ રડતી હતી પરંતુ પોતાના બાળકોને ગોદમાં લઈ શકતી નહોતી. વૃદ્ધ પિતાઓ હોસ્પિટલોમાં એકલાં રોગ સામે લડી રહ્યાં હતાં અને તેમના બાળકો તેમને મદદ કરી શક્તાં નહોતાં. ઘણા પરિવારો પોતાના વહાલાઓની અંતિમક્રિયા પણ કરી શક્યાં નહોતાં. આ બધું જોઈને હું ઘણો દુઃખી થયો હતો.