ભારત-અમેરિકાને જોડતા સાત મુદ્દા

Wednesday 28th January 2015 08:48 EST
 

• વ્યૂહાત્મક મહત્ત્વઃ ભારતનું કદ, સ્થાન, ઝડપથી વિકસતું અર્થતંત્ર અને ચીન સામે ભૌગોલિક સંતુલન સ્થાપવાની ક્ષમતા તેને અમેરિકાની લશ્કરી અને વ્યાપારિક વ્યૂહરચનામાં મહત્ત્વનું સ્થાન અપાવે છે. બદલામાં ભારત પણ અમેરિકા પાસેથી આતંકવાદ સામેની લડાઈમાં સહકાર ઇચ્છે છે. અમેરિકાએ મિલિટરી હાર્ડવેરની ૧૭ આધુનિક આઇટમ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
• સંરક્ષણઃ ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરતો દેશ છે જ્યારે અમેરિકા વિશ્વમાં શસ્ત્રોનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જોકે સંરક્ષણ કંપનીઓમાં વધુ હિસ્સો ધરાવતી વિદેશી કંપનીઓ પરનાં ભારતીય નિયંત્રણો અને ચોક્કસ ટેક્નોલોજીની નિકાસ પરના અમેરિકી પ્રતિબંધો તેમાં અવરોધરૂપ છે.
જોકે ૧૦ વર્ષના નવા સંરક્ષણ કરાર પ્રમાણે બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ અને ગુપ્તચર માહિતીનું વ્યાપક આદાનપ્રદાન થશે. સમુદ્રી સુરક્ષા દ્વારા દ્વિપક્ષીય ભાગીદારી વધારવામાં આવશે. સંરક્ષણ યોજનાઓના સંયુક્ત વિકાસ અને ઉત્પાદન માટે અમેરિકા ભારતને અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી આપવા સહમત થયું છે.
• નાગરિક પરમાણુ ક્ષેત્રઃ અમેરિકા અને ભારત વચ્ચે નાગરિક પરમાણુ કરાર અત્યંત મહત્ત્વના છે. ૨૦૦૮માં ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક નાગરિક પરમાણુ કરાર થયો હતો, પરંતુ ભારતમાં તેના માટે જરૂરી કાયદો ઘડવામાં મનમોહન સરકાર નિષ્ફળ રહી હતી. મોદી સરકારે સત્વરે પગલાં લઇને સફળતા હાંસલ કરી લીધી.
• રિન્યુએબલ એનર્જીઃ ભારત સરકાર ઇચ્છે છે અમેરિકી કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં નેતૃત્વ કરે. ગયા વર્ષે અમેરિકાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય બજારમાં પ્રવેશવા માટે તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું હતું.
• ક્લાઈમેટ ચેન્જઃ આ વર્ષે જ પેરિસમાં યોજાનારી મહત્ત્વની વૈશ્વિક મંત્રણા પહેલાં ક્લાઈમેટ ચેન્જ સામે લડત આપવા ભારત અને અમેરિકા સહિયારા પ્રયાસ કરે તેવી અમેરિકાની ઇચ્છા છે. ભારત વિશ્વનો ત્રીજો મોટો કાર્બનઉત્સર્જક દેશ છે. આ કારણે ભારત રિન્યુએબલ એનર્જીનું વિસ્તરણ કરવા ઇચ્છે છે.
• આર્થિક સંબંધોઃ ગયા વર્ષે ઓબામા અને મોદીએ વાર્ષિક ૫૦૦ બિલિયન ડોલરના દ્વિપક્ષીય વેપારમાં પાંચ ગણા વધારાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ અમેરિકી બિઝનેસ લીડરો ભારતીય બજારમાં પ્રવેશ માટેનાં આકરાં નિયંત્રણોથી ઘણા નારાજ છે. ઓબામાએ જણાવ્યું હતું કે વેપાર અને આર્થિક ભાગીદારી સાથે ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડોલરને સ્પર્શી ગયો છે.
• ગુપ્તચર માહિતીની આપ-લેઃ ગુપ્તચરોની દુનિયામાં વિશ્વાસ સૌથી મહત્ત્વનો છે, પરંતુ તેની ચર્ચા જાહેરમાં થતી નથી. અમેરિકા અને ભારત ટૂંકા ગાળામાં ગુપ્તચર ક્ષેત્રમાં ઘણા નજીકના ભાગીદાર દેશો બની ગયા છે. થોડા સમય પહેલાં ગુપ્તચર માહિતીના મામલામાં ભારત અને અમેરિકા એકબીજાના પ્રતિસ્પર્ધી હતા, પરંતુ હવે ભારતને સૌથી વધુ ગુપ્તચર માહિતી અમેરિકા દ્વારા જ પૂરી પડાય છે.
• સ્માર્ટ સિટીનું નિર્માણઃ અમેરિકાની મદદથી ભારતમાં ત્રણ સ્માર્ટ સિટી વિકસાવાશે. વિશાખાપટ્ટનમ, અલાહાબાદ અને અજમેરને અમેરિકાની મદદથી સ્માર્ટ સિટીઝ તરીકે વિકસાવવામાં આવશે જેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter