ક્વીન તેમના જીવનસાથી ડ્યૂક ઓફ એડિનબરાને આખરી વિદાય આપતી વેળાએ સેન્ટ જ્યોર્જ ચેપલમાં એકલાં બેસી રહેલાં નજરે ચઢ્યાં હતાં. ક્વીન પોતાના ભરોસાપાત્ર લેડી ઈન વેઈટિંગ, લેડી સુસાન હસ્સી સાથે બેન્ટલી કારમાં ચેપલ સુધી આવ્યાં હતા. તેમણે શોકાર્ત ચહેરા અને મન સાથે સર્વિસ નિહાળી હતી. ક્વીને ચર્ચમાં જીવનસાથીના આત્મા માટે પ્રાર્થના કરી હતી. એકલા પડી ગયાનો વસવસો તેમની આંખોમાં સ્પષ્ટ તરી આવતો હતો.
પ્રિન્સ ફેલિપના કોફિન પર ક્વીન દ્વારા પસંદ કરાયેલા ગુલાબ અને લીલીઝ ઉપરાંત શ્વેત પુષ્પો ચડાવાયા હતા. આ ઉપરાંત, ક્વીને હાથથી લખેલો કાર્ડનો સંદેશો પર તેની પર મૂકાયો હતો. ક્વીન ફ્યુનરલ સર્વિસ પછી પાછાં ફરી તેમના લેડી-ઈન-વેઈટિંગ લેડી સુસાન હસ્સી સાથે તેમના પ્રાઈવેટ એપાર્ટમેન્ટ્સમાં ચાલી ગયાં હતાં. ચેપલની અંદર ૫૦ મિનિટની ફ્યુનરલ સર્વિસમાં ક્વીનની સાથે જોડાયેલા સામેલ મોટા ભાગના શોકાતુરો થોડી વારમાં જ કેસલમાંથી જતા રહ્યા હતા.
ફ્યુનરલની પૂર્વસંધ્યાએ શાહી શિષ્ટાચારથી દૂર ક્વીન અને ડ્યૂક ઓફ એડિનબરાના ખાનગી જીવનની કેટલીક તસવીરો જારી કરવામાં આવી હતી.
ક્વીનનો જન્મદિવસ એકલતાપૂર્ણ રહેશે
ક્વીનનો ૨૧ જૂને આવનારો ૯૫મો જન્મદિન સાત દાયકામાં પહેલી વખત પતિ પ્રિન્સ ફિલિપ વિનાનો રહેશે. પ્રેમાળ પતિના શોકના દિવસોમાં હોવાથી ક્વીનના નવા પ્રોટ્રેટ જારી કરવાની યોજના પણ અભરાઈએ ચડાવી દેવાઈ છે. ક્વીનના જન્મદિને હાઈડ પાર્ક અને ટાવર ઓફ લંડન ખાતે પરંપરાગત ૪૧ અને ૨૧ તોપની સલામી રદ કરવામાં આવી છે. તેમનાં જન્મદિને તેમની તહેનાતમાં વિન્ડસર ‘બબલ’માં રહેતી સ્ટાફની પરિચારિકાઓ હશે.
પ્રિન્સ ફિલિપના મૃત્યુ પછી પરિવારજનો ક્વીનને એકલા રહેવા દેશે નહિ. પ્રિન્સ ઓફ વેલ્સ, ડચેસ ઓફ કોર્નવોલ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ તેમજ અર્લ અને કાઉન્ટેસ ઓફ વેસેક્સ અને પ્રિન્સેસ એનમાંથી સભ્યો તેમની સાથે સતત જોવા મળશે.
જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર બે સપ્તાહનો શોક પૂરો થયા પછી ક્વીન પોતાની કામગીરીએ લાગી જશે. વિન્ડસર કેસલની બહાર તેમનો પ્રથમ સત્તાવાર કાર્યક્રમ ૧૧ મેએ પાર્લામેન્ટના સત્તાવાર ઓપનિંગનો હશે જેમાં તેમની સાથે રાજગાદીના વારસદાર પુત્ર પ્રિન્સ ચાર્લ્સ ઉપસ્થિત રહેશે. પ્રિન્સ ફિલિપે ૨૦૧૭માં સત્તાવાર નિવૃત્તિ લીધી તે પહેલા અને પછી પણ ક્વીને એકલાં જ કાર્યક્રમોમાં હાજરી આપી છે.