નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વધુ એક વખત યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. મોદીએ બન્ને દેશના વડાઓને શાંતિ સ્થાપવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે તેમણે એક વખત સામ-સામે બેસીને મંત્રણા કરવી જોઇએ. આ ઉપરાંત તેમણે યુદ્ધગ્રસ્ત યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સેફ પેસેજ મુદ્દે પણ ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદી સાથે ચર્ચા કર્યા બાદ યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને ભારતનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન મોદીએ યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે લગભગ 35 મિનિટ સુધી યૂક્રેન-રશિયા કટોકટી, ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સેફ પેસેજ વગેરે સંદર્ભે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે ઝેલેન્સ્કીને યુદ્ધવિરામ કરવાની દિશામાં નક્કર પ્રગતિ માટે પુતિન સાથે વાતચીત કરવાની સલાહ આપી હતી અને શાંતિ સ્થાપવાની અપીલ કરી હતી.
એ પછી ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને ભારતનો આભાર માન્યો હતો. યૂક્રેનના પ્રમુખે મોદીની પ્રશંસા કરીને કહ્યું હતું કે યૂક્રેનના નાગરિકોને ભારતે સમર્થન આપ્યું તે પ્રશંસનીય બાબત છે.
ઉલ્લેખનીય છે કે બન્ને દેશના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચે સોમવારે યોજાયેલું શાંતિ મંત્રણાનું ત્રીજું રાઉન્ડ પણ અનિર્ણિત રહ્યું છે. બન્ને પક્ષકારો બેઠકમાં કોઇ સમાધાનકારી વચલો માર્ગ શોધી શક્યા નથી. બીજી તરફ, રશિયન પ્રમુખ પુતિને ચીમકી ઉચ્ચારી છે કે યૂક્રેન મંત્રણા નહીં કરે તો તેને હજુ વધુ માઠા પરિણામ ભોગવવા પડશે.
બન્ને નેતાને મંત્રણાનો અનુરોધ
આ પછી મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાતચીત કરી હતી. મોદીએ પુતિનને યુદ્ધવિરામની અપીલ કરવાની સાથે સાથે કહ્યું હતું કે યૂક્રેન-રશિયાનું પ્રતિનિધિમંડળ વાતચીત કરે છે તે ઉપરાંત પુતિન ખુદ ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરશે તો તેનાથી જલ્દી ઉકેલ મળશે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા કોઈ પણ વ્યક્તિ કે દેશની મધ્યસ્થીને બદલે બંને દશોના વડા સીધી વાતચીત કરે તેને મોદીએ વધુ અસરકારક પદ્ધતિ ગણાવી હતી.
પુતિને મોદીની ભલામણ ઉપર વિચારણા કરવાની તૈયારી બતાવી હોવાનું અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું. પુતિને મોદીને યુદ્ધમોરચે જે સ્થિતિ સર્જાઈ છે તે બાબતે વિગતો આપી હતી.
યુદ્ધવિરામનો અનુરોધ
બંને દેશોના વડાઓ સાથેની વાતચીત દરમિયાન મોદીએ ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ખાસ તો સૂમીમાં ફસાયેલા અંદાજે 700 ભારતીય વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા રશિયા યુદ્ધવિરામ કરે તેવી માગણી મોદીએ મૂકી હતી. બંને દેશોએ વિદ્યાર્થીઓની સલામતીની ભારતની ચિંતાને સમજીને તે બાબતે ઘટતું કરવાની તૈયારી બતાવી હતી. પીએમઓના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશોના સહકારથી ભારત ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે ભારત પાછા લઈ આવશે.
ભારતીયો સૂમીમાંથી બહાર નીકળ્યા
ભારત સરકાર અને વડા પ્રધાન મોદીની મહેનત આખરે રંગ લાવી છે. છેલ્લા કેટલાક દિવસથી ભીષણ સંઘર્ષનું કેન્દ્ર બનેલા સૂમીમાંથી ભારતીયોને મંગળવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ ભારતીયો હવે વહેલામાં વહેલી તકે ભારત પહોંચે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. આ સાથે જ ભારત સરકારના અત્યાર સુધીના સૌથી મોટા રેસ્ક્યૂ અભિયાન ઓપરેશન ગંગાનો પણ અંત આવશે તેમ મનાય છે.